Sun May 03 2026

Logo

ડોંબિવલી MIDCમાં ગેસની અછત: ઉદ્યોગો બંધ થવાની અણી પર, હજારો કામદારોની રોજીરોટી પર સંકટ

2026-03-13 21:22:39
Author: Mumbai Samachar Team
Article Image

PNG ગેસ પુરવઠો ખોરવાતા કેમિકલ અને ટેક્સટાઈલ કંપનીઓની હાલત કફોડી 

મુંબઈ: ડોંબિવલી એમઆઇડીસીના ઉદ્યોગોને પણ ગેસ પુરવઠાની અછતની અસર થઈ રહી છે. ડોંબિવલી એમઆઇડીસીમાં ઘણી કંપનીઓ પાસે હાલમાં ફક્ત એક થી બે દિવસનો ગેસ ભંડાર બાકી છે. જો ગેસની અછત આમ જ ચાલુ રહેશે, તો ઉત્પાદન બંધ થઈ જવાની ભીતિ ઉદ્યોગસાહસિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ડોમ્બિવલી એમઆઇડીસીમાં કેમિકલની આશરે ૧૨૫ કંપની અને ટેક્સટાઈલની આશરે ૧૧૦ કંપનીઓ આવેલી છે. હાલમાં તેમાંથી ફક્ત ૬૫ જ કાર્યરત છે. અગાઉ રાસાયણિક ઉદ્યોગો એલજીઓ અથવા ફર્નેસ ઓઇલ જેવા ઇંધણનો ઉપયોગ કરતા હતા. 
જોકે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નવા નિયમો મુજબ ઘણી કંપનીઓએ આધુનિક ટેકનોલોજી ઇન્સ્ટોલ કરીને તેમના બોઇલરને પીએનજી ગેસમાં રૂપાંતરિત કર્યા છે. જોકે આના કારણે પ્રદૂષણ ઘટ્યું છે, પરંતુ હવે ઉદ્યોગો સંપૂર્ણપણે પીએનજી ગેસના પુરવઠા પર નિર્ભર છે.

હાલમાં, એમઆઇડીસીમાં લગભગ ૭૦ ટકા કંપનીઓ પીએનજી ગેસમાં રૂપાંતરિત થઈ ગઈ હોવાથી ગેસ પુરવઠો ખોરવાઈ જાય તો આ કંપનીઓ બંધ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

જો આવું થાય, તો હજારો કામદારોને બેરોજગારીનો સામનો કરવો પડી શકે છે. આ પૃષ્ઠભૂમિ સામે, ડોમ્બિવલી એમઆઇડીસીના ઉદ્યોગપતિઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને સરળ ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં લે