Sat Sep 05 2026

Logo

ગેરકાયદે સોનું લાવેલી ભાવનગરની ડોક્ટર મહિલાનાં જવાબોથી કસ્ટમ વિભાગ અસંતુષ્ટ

2026-08-24 18:01:25
Author: Pooja Shah
ગેરકાયદે સોનું લાવેલી ભાવનગરની ડોક્ટર મહિલાનાં જવાબોથી કસ્ટમ વિભાગ અસંતુષ્ટ

અમદાવાદઃ શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર રવિવારે વહેલી સવારે અરેબિયાની ફ્લાઈટમાં શારજહાંથી અમદાવાદ આવેલી ડોક્ટર યુવતી પાસેથી કસ્ટમ વિભાગે 499.540 ગ્રામ 24 કેરેટના રૂ. 83.14 લાખની કિંમતની સોનાની ચેન જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.  કસ્ટમની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે દુબઈની જાણીતી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતી 31 વર્ષની આ યુવતી સાત લાખનો પગાર ધરાવે છે અને કસ્ટમ વિભાગને કોઈ સંતોષકારક જવાબ આપી શકી નથી. તેનાં પરિવારના સભ્યો બીમાર રહેતા હોવાથી અવારનવાર આવતી હોય છે, પરંતુ દાણચોરી કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ તે હજુ સુધી જણાવી શકી નથી.

 કસ્ટમ વિભાગે ભાવનગરની રહેવાસી ડોક્ટર યુવતીનો પાસપોર્ટ જમા લઈને, એરપોર્ટ ઉપર જ શરતી જામીન આપીને, દાણચોરીનો મુદ્દામાલ સરકાર હસ્તક જપ્ત કરીને કસ્ટમર વિભાગની શરતો મુજબ હાજરી આપવાની શરતે પેસેન્જર યુવતીને હાલ મુક્ત કરી છે. કસ્ટમ વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાવનગરની યુવતીએ નીટની પરીક્ષા પાસ કરી છે અને મેડિસિનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરી દુબઈ સારી હૉસ્પિટલમાં નોકરી કરે છે. 

અમદાવાદ એરપોર્ટ ઉપર આવતા પહેલા તેણે અગાઉથી જ સોનાની લગડીયો એટલે કે ટુકડા પોતાના બચત કરેલા રૂપિયા માંથી ખરીદી કર્યા હતા ત્યારબાદ તેણે સોનાની ચેન બનાવડાવી હતી તેવું નિવેદન પેસેન્જર યુવતીએ આપ્યું હતું, પરંતુ કસ્ટમ વિભાગને આ નિવેદન કોઈ સંતોષકારક જણાતું નથી. સોનું લાવવા અંગેના નિયમોથી પોતે અજાણ હોવાનું યુવતીએ જણાવ્યું હતું. કસ્ટમને આશંકા છે કે પેસેન્જર યુવતી પાસે કોઈ વ્યક્તિ આ પ્રકારની દાણચોરી કરાવી રહી છે, પરંતુ યુવતી આ અંગે કશું જ બોલવા તૈયાર નથી.

મળતી માહિતીઅનુસાર  તેણે તેના પરિવારને પણ જાણ કરી ન હતી અને ફ્લાઈટ મોડી આવી છે તેવું કહીને વાત વાળી લીધી હતી. હાલ કસ્ટમ વિભાગ એ દાણચોરીની સોનાની ચેન કેન્દ્ર સરકાર હસ્તક જપ્ત કરી લીધી છે. હવે પેસેન્જરે ડ્યુટી ફાઈન પેનલ્ટી અને પર્સનલ પેનલ્ટી મળીને અંદાજે રૂ. 60 લાખ નો દંડ ભરવો પડશે તેમ છતાં પણ સોનાની ચેન પાછી મળશે નહીં. આવા કિસ્સાઓમાં દાણચોરી નો સામાન સરકાર હસ્તક જમા થઈ ગયા પછી પણ કસ્ટમની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી દંડની રકમ ભરવી પડે છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.