જ્વલંત નાયક
આજકાલ જેન ઝી, જેન એક્સ, જેન આલ્ફા અને બૂમર્સ જેવા શબ્દો કાને અફળાતા રહે છે. જુદા જુદા સમયખંડમાં જીવતી પેઢીઓને આ પ્રકારે જુદા જુદા નામે ઓળખવામાં આવ છે. દાખલા તરીકે 1997થી 2012 વચ્ચે જન્મેલી પેઢી જેન ઝી તરીકે અને 1946થી 1964 વચ્ચે જન્મેલી પેઢી બૂમર્સ તરીકે ઓળખાય છે.
જમાનો એટલી ઝડપે ધસમસતો આગળ વધી રહ્યો છે કે બાપ-દીકરા વચ્ચે તો ઠીક, નાના અને મોટા ભાઈ વચ્ચે પણ જનરેશન ગેપની ખાઈ જોવા મળશે. એમાં વળી દરેક યુગ પાસે પોતપોતાની ટેકનોલોજીઝ હોવાની. અને આ ટેકનોલોજી પણ ઘણી વાર બે પેઢીઓ વચ્ચેની ખાઈને પહોળી કરવામાં જાણ્યે-અજાણ્યે બહુ મોટો ભાગ ભજવી જાય છે.
મોબાઈલનો જ દાખલો લો. હથેળીમાં સમાઈ જાય એવા આ ટચૂકડા સાધને જેન ઝીને આગળની તમામ પેઢીઓથી દૂર કરી મૂકી છે. આ વિશે ઘણું લખાઈ ચૂક્યું છે એટલે વધુ પિષ્ટપેષણનો કશો અર્થ નથી, પણ ચર્ચાનો મુદ્દો એ છે કે શું ટેકનોલોજી બે માનવપેઢીઓ વચ્ચે દીવાલ જ બાંધી શકે એમ છે કે પછી બે પેઢીઓને જોડતો પુલ પણ બનાવી શકે છે?
આનો જવાબ રસપ્રદ હોઈ શકે.
માનવસમાજની એક પછી એક પસાર થઇ રહેલી પેઢીઓ અને એની સાથે જોડાયેલ ટેકનોલોજી ની રસપ્રદ સફર તેમ જ અસર વિશે જાણવામાં રસ પડતો હોય તો `ડિઝલપન્ક' અને `સાયબરપન્ક' જેવા પ્રમાણમાં નવા ગણાતા શબ્દો વિશે માહિતી મેળવવી જોઈએ. આ શબ્દો માનવસમાજના ભૂત અને ભવિષ્યને કંઈક જુદી જ રીતે વર્તમાન સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. જોકે એ પહેલાં કેટલીક પાયાની વાત પણ સમજી લઈએ.
અંગ્રેજી ભાષામાં એક વિશિષ્ટ શબ્દ છેપન્ક-punk. ગુજરાતીમાં અઢી અક્ષરના આ શબ્દની અર્થછાયા પ્રમાણમાં ઘણી વિશાળ છે. મૂળભૂત રીતે પન્ક શબ્દ વપરાય છે વિદ્રોહી સ્વભાવ માટે, જે સ્થાપિત મુખ્ય ધારાને ઉથાપીને પોતાની મેળે કશુંક જુદું કરવા માગતો હોય, બંધાઈને રહેવામાં જેને રસ ન હોય, પણ જરા વિસ્તૃત રીતે જોઈએ તો સંગીત, સૌન્દર્ય શૈલી (visual aesthetic) વગેરેમાં પણ એક જુદા ચીલા તરીકે પન્ક શબ્દ વપરાય, તો ક્યારેક વળી કેટલાક લોકો વાતે વાતે ધાંધલ ઊભું કરતા કોઈક વાહિયાત માણસ માટે પણ આ શબ્દ વાપરી નાખે છે. ટૂંકમાં કહીએ તો આ પન્ક શબ્દ અંગ્રેજી ભાષાના જ અન્ય એક શબ્દ `એબ્સર્ડ' જેવો ગણાય. એબ્સર્ડ શબ્દનો એક અર્થ `અર્થશૂન્યતા' થાય.
સાઠના દાયકામાં આ અર્થને અનુરૂપ અનેક એબ્સર્ડ નાટકોનું નિર્માણ થયું જે બે વિશ્વયદ્ધો વેઠી ચૂકેલી માનવજાતની મનોસ્થિતિ અને ખાલીપો દર્શાવતાં હતાં. જ્યારે બીજા સંદર્ભે વિચારીએ તો એબ્સર્ડ એટલે વાહિયાત. આ પન્ક શબ્દ પણ આ જ રીતે બે જુદા જુદા પ્રભાવી અર્થ ધરાવે છે. અને આપણે આ લેખમાં પન્ક શબ્દની પૉઝિટિવ સાઈડ વિશેે વાત કરવાના છીએ.
જો તમે ગ્રાફિક્સ, ફિલ્મ્સ અને ફિક્શનના શોખીન હોવ તો સ્ટીમ પન્ક, ડિઝલપન્ક અને સાયબર પન્ક જેવા શબ્દો તમે સાંભળ્યા હશે. વિઝ્યુઅલ આર્ટિસ્ટ તેમ જ કોઈ એક ચોક્કસ સમયગાળાનું ચિત્રણ કરતી ફિલ્મ કે શો બનાવનારા સર્જકો આ પ્રકારના શબ્દો છૂટથી વાપરે છે.
આમ તો હવે દાદા કે પિતાના સમયની વાતો અને ઘટનાઓ સાંભળવામાં આજની યુવા પેઢીને કશો રસ નથી પડતો, પણ એ જ ઘટનાઓ જો સરસ મજાના સ્ક્રીનપ્લે અને ઉમદા ગ્રાફિક્સ સાથે સિનેમાના પરદે જીવંત કરવામાં આવે તો? તો આ જ યુવા પેઢી બોક્સ-ઓફિસ પર ટંકશાળ પાડે એમ બને. જોકે આવી કોઈક કૃતિ બનાવવા માટે સર્જકે બહુ મહેનત કરવી પડે. એ સમયનું લોકજીવન ખાસ કરીને રોજીંદા જીવનમાં વણાયેલી ટેકનોલોજીને આબેહૂબ દર્શાવવી પડે.
જેમ કે 1920માં આકાર લેતા કોઈ હિસ્ટોરિક કથાનકનું આબેહૂબ ચિત્રણ કરવું હોય અને એમાં જો રેલગાડીનો સીન આવતો હોય તો એમાં ધુમાડા કાઢતું સ્ટીમ એન્જિન દેખાડવું પડે, કારણ કે એ જમાનાની `લેટેસ્ટ ટેકનોલોજી' એટલે વરાળના ધુમાડા કાઢતા એન્જિન.
આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે `ટાઈટેનિક' ફિલ્મ.ટાઈટેનિક જહાજ બળતણ તરીકે કોલસાનો ઉપયોગ કરતું હતું. તમે એ ફિલ્મ જોઈ હશે તો યાદ આવશે કે ફિલ્મમાં દેખાતી એક્કેએક વસ્તુ સ્ટીમ એન્જિનના જમાનાની હતી. ઓકે ફાઈન.
આવું તો ઘણી ફિલ્મોમાં જોવા મળે, એમાં નવું શું છે?
નવું એ છે કે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સહિતના ટેકનોલોજીકલ અપગ્રેડેશનને કારણે વિઝ્યુઅલ આર્ટિસ્ટ્સ પહેલાંની સાપેક્ષે બહુ સરળતાથી અને અત્યંત ચોકસાઈપૂર્વક સ્ટીમ એન્જિનોનો જમાનો તાદ્રશ કરી શકે છે. આ પ્રકારના એટલે કે વરાળયુગના વિઝ્યુઅલ આર્ટસ (ફિલ્મો કે એનિમેશન્સ) માટે સ્ટીમપન્ક શબ્દ વપરાય છે. વરાળ પછી ડિઝલ એન્જિન્સનો જમાનો આવ્યો. આ જમાનાનું વિઝ્યુઅલ આર્ટસ `ડિઝલપન્ક' તરીકે ઓળખાવા માંડ્યું છે. હવે તો કળાજગતે સ્ટીમપન્ક અને ડિઝલપન્ક જેવા શબ્દોને વિશિષ્ટ કળાશૈલી તરીકે સ્વીકારી લીધા છે.
વાસ્તવમાં આ પન્કબાજીની શરૂઆત જ ડિઝલપન્ક શબ્દ સાથે થઇ. ઇસ 2001માં લેવિસ પોલાક નામના વિઝ્યુઅલ આર્ટિસ્ટે પોતાની ટીમ સાથે મળીને એક વિશિષ્ટ ગેમ ડિઝાઈન કરી, જેમાં મેજિક અને ટેકનોલોજીનો કોમ્બો હતો. અહીં ટેકનોલોજીને નામે ડિઝલયુગની મશીનરીઝ હતી, જેને કારણે ગેમમાં સતત એવી ફિલ આવ્યા કરે કે તમે તેલ અને ગ્રીસની ગંધ વચ્ચે ડિઝલયુગની દુનિયામાં જીવી રહ્યા છો! આ ગેમ માટે શબ્દ વપરાયો ડિઝલપન્ક. બસ ત્યાર પછી તો સ્ટીમપન્ક શબ્દ પણ અસ્તિત્વમાં આવ્યો એ પછી સાયબરપંક જેવો ભવિષ્યમાંથી આવેલો શબ્દ પણ વપરાવા માંડ્યો.
યસ, સાયબર વર્લ્ડ આપણા માટે ભલે લેટેસ્ટ ટેકનોલોજી ગણાતી હોય, પણ ભવિષ્યની દુનિયા આજની સાયબર ક્રાંતિને જૂના જમાનાની વાત તરીકે જ જોશે. ધારો કે કોઈક ફિલ્મ ઇસ 2075માં બનશે અને એમાં આજની એટલે કે 2026ની દુનિયા વિશેની વાત હશે તો એને `સાયબર પન્ક' કહેવાશે. અલબત્ત, આજેય કેટલાક વિઝ્યુઅલ આર્ટિસ્ટ ભવિષ્યનું કથાનક કહેતી કૃતિઓ બનાવી રહ્યા છે, જેમાં ટેકનોલોજીના ઓવરડોઝને કારણે દુખી થઇ ગયેલી માનવજાતિની વાત હોય છે. આવી કૃતિઓને પણ સાયબર પન્ક ગણી શકાય. ટૂંકમાં પન્ક શબ્દ સાથે કેટલાય યુગોને સાંકળી શકાય છે.