Wed Jun 03 2026

Logo

ડીકે શિવકુમારે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે  શપથ લીધા, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ હાજર

2026-06-03 17:26:19
Author: Chandrakant Kanoja
Article Image

બેંગલુરુ : કર્ણાટકમાં સિદ્ધારમૈયાના રાજીનામા બાદ  ડી.કે. શિવકુમારે  આજે લોકભવનમાં 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે નવા ડેપ્યુટી સીએમ જી. પરમેશ્વરે પણ શપથ લીધા હતા. આ પૂર્વે ડી. કે. શિવકુમારે મંચ પર દરેક નેતા સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી હતી. તેમણે રાહુલ ગાંધી, મલ્લિકા અર્જુન ખડગે અને અન્ય નેતાઓનું શાલ અને પુષ્પ ગુચ્છથી  સ્વાગત કર્યું હતું. 

ડીકે  શિવકુમારે  માતા ગૌરમ્માના આશીર્વાદ લીધા

ડી.કે. શિવકુમારના શપથ ગ્રહણ સમારોહ શરૂ થતાં જ  કોંગ્રેસના કાર્યકરો લોક ભવન તરફ ઉમટી પડ્યા હતા. જેના લીધે  વિધાનસભાની આસપાસનો વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પૂર્વે ડીકે  શિવકુમારે તેમની માતાના આશીર્વાદ લીધા હતા. તેમણે બેંગલુરુના સદાશિવનગર સ્થિત તેમના નિવાસસ્થાને તેમની માતા ગૌરમ્માના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા હતા. 

ડીકે. શિવકુમારના  મુખ્યમંત્રી તરીકે તેમના શપથ ગ્રહણ સમારોહ પૂર્વે  તેમના નિવાસસ્થાને ધાર્મિક વિધિઓ શરૂ થઈ હતી. તેમના નિવાસે ખાસ પ્રાર્થના અને પૂજા  કરવામાં આવી હતી.  

મંત્રીમંડળમાં જાતિ સમીકરણો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું

આ ઉપરાંત મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના મંત્રીમંડળમાં જાતિ સમીકરણો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વોક્કાલિગા, લિંગાયત અને દલિત ક્વોટા હેઠળ ત્રણ-ત્રણ મંત્રી પદ ફાળવવામાં આવ્યા છે. જ્યારે  કુરુબા સમુદાયના બે મંત્રીઓને કેબિનેટ પદ મળ્યા છે. અનુસૂચિત જનજાતિ, મુસ્લિમ અને ખ્રિસ્તી ક્વોટા હેઠળ એક-એક મંત્રી પદ ફાળવીને તમામ સમુદાયો માટે પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

શપથ ગ્રહણ કરેલા સમારોહમાં અનેક મહાનુભાવો હાજર

શિવકુમારે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરેલા સમારોહમાં અનેક મહાનુભાવો હાજર હતા. જેમાં કોંગ્રેસના પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, મહાસચિવ કે.સી. વેણુગોપાલ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કેરળના મુખ્યમંત્રી સતીસન, હરિપ્રસાદ, મોહમ્મદ અઝહરુદ્દીન, રાજીવ શુક્લા, ફિલ્મ સ્ટાર્સ અને ડી.કે.ના પરિવારના સભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત  ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો શિવરામ હેબ્બર અને એસ.ટી. સોમશેખર પણ હાજર રહ્યા હતા.