Wed Aug 19 2026

Logo

ડાયરેક્ટર શકીલ નૂરાની પર રેપનો આરોપ, મુંબઇ પોલીસે કરી ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસે કરી ફરિયાદ

2026-08-09 12:04:00
Author: Mumbai Samachar Team
Article Image

ફિલ્મ ઉદ્યોગમાં અત્યાર સુધી અનેક અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચને લઈને પોતાના અનુભવો શેર કરી ચૂકી છે અને હવે મનોરંજન જગતમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મ 'ઝોરૂ કા ગુલામ' સહિત અનેક જૂની અને ચર્ચાસ્પદ હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા પ્રખ્યાત ડિરેક્ટર શકીલ નૂરાનીની મુંબઈની માલવણી પોલીસે યૌન ઉત્પીડનના કેસમાં ધરપકડ કરી છે.

શકીલ નૂરાની (73) સામે 33 વર્ષીય અભિનેત્રીએ દુષ્કર્ષ અને યૌન ઉત્પીડનના આરોપ લગાવતા માલવણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ મુંબઈ પોલીસે આ દિગ્દર્શકની ધરપકડ કરી છે. શકીલ નૂરાનીની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 12 ઓગસ્ટ સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

શકીલ પર પીડિતાનો આરોપ

'બડે દિલવાલા' (૧૯૯૯) અને 'ઝોરૂ કા ગુલામ' (૨૦૦૦) જેવી ફિલ્મોના લેખન, નિર્માણ અને દિગ્દર્શન માટે જાણીતા શકીલ નૂરાની સામે પીડિતાએ આક્ષેપ કર્યો છે કે ફિલ્મ પ્રોજેક્ટ પર ચર્ચા કરવાના બહાને શકીલે તેને પોતાના ઘરે બોલાવી હતી.

પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દિગ્દર્શક શકીલ નૂરાનીએ આગામી ફિલ્મ પ્રોજેક્ટ પર ચર્ચા કરવાના બહાને 33 વર્ષીય અભિનેત્રીને માલવણી સ્થિત પોતાના ઘરે બોલાવી હતી.
આરોપ છે કે ત્યાં તેમણે મહિલાનું યૌન ઉત્પીડન કર્યું હતું. આ મામલામાં મહિલાને કથિત રીતે નશીલો પદાર્થ આપવાનો અને બાદમાં કથિત વિડિયોના માધ્યમથી તેને ધમકી આપવાના આરોપો પણ સામેલ છે.

12 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા નૂરાની

માલવણી પોલીસે આ મામલામાં શકીલ નૂરાની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 64(2)(M), 123, 351(2) અને 88 હેઠળ ગુનો નોંધ્યો છે. ધરપકડ કર્યા બાદ શકીલ નૂરાનીને માલવણી પોલીસે બોરીવલી હોલિડે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને 12 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

શકીલ નૂરાનીનું કરિયર અને ફિલ્મો

શકીલ નૂરાની હિન્દી સિનેમાના જાણીતા લેખક, દિગ્દર્શક અને નિર્માતા છે. તેમણે 1991માં રિલીઝ થયેલી 'વિષ્ણુ દેવા'થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.

તેમણે 1999માં રિલીઝ થયેલી 'બડે દિલવાલા'થી લેખન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. જેના તેઓ દિગ્દર્શક અને નિર્માતા પણ હતા. તેમણે ગોવિંદા અને ટ્વિંકલ ખન્ના અભિનીત 'ઝોરૂ કા ગુલામ'નું પણ દિગ્દર્શન કર્યું હતું. વર્ષ ૨૦૦૦માં રિલીઝ થયેલી આ ફિલ્મ હિટ રહી હતી.