નવી દિલ્હી: ભારતમાં હાલમાં સંસદમાં લાવવા આવેલા ડિલિમીટેશન(સીમાંકન) બિલનો કોંગ્રેસ અને દક્ષિણ ભારતના સ્થાનિક રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. જ્યારે એક તરફ દેશમાં વસ્તીમાં છેલ્લા 55 વર્ષમાં 169 ટકાનો વધારો થયો છે. તેમ છતાં આ પક્ષો નવા સીમાંકન મુદ્દે રાજી નથી. જેની પાછળ અનેક પ્રકારની દલીલો કરવામાં આવી રહી છે. તેમજ સમગ્ર વિવાદ વકર્યો છે.
543 લોકસભા બેઠકો 140 કરોડથી વધુ વસ્તીનું પ્રતિનિધિત્વ
દેશમાં છેલ્લા દાયકાઓમાં દેશની વસ્તીમાં જે ઝડપી વૃદ્ધિ થઈ છે તેને ધ્યાનમાં રાખીને, સંસદમાં પ્રતિનિધિઓની સંખ્યામાં પણ વધારો કરવો જરૂરી છે. જેમાં હાલમાં 543 લોકસભા બેઠકો 140 કરોડથી વધુ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. પરિણામે, પ્રતિ સાંસદ વસ્તીનો બોજ અનેક ગણો વધી ગયો છે.
દેશની વસ્તીમાં 92.84 કરોડનો વધારો
આ ઉપરાંત વર્ષ 1971ની સત્તાવાર વસ્તી ગણતરીમાં ભારતની વસ્તી આશરે 54.82 કરોડ હતી. સંયુક્ત રાષ્ટ્ર અને વિવિધ સર્વેક્ષણ એજન્સીઓના અંદાજ મુજબ, 2026 સુધીમાં ભારતની વસ્તી વધીને લગભગ 147.66 કરોડ થવાનો અંદાજ છે. આનો અર્થ એ થયો કે વર્ષ 1971 અને 2026 વચ્ચે 55 વર્ષના સમયગાળામાં દેશની વસ્તીમાં આશરે 92.84 કરોડનો વધારો થયો. જે લગભગ 169.4 ટકાનો વધારો દર્શાવે છે.
પ્રાથમિક ચિંતા બેઠકો ફાળવવાનો આધાર
આ દરમિયાન મળતી માહિતી મુજબ કોંગ્રેસ અને દક્ષિણ ભારતના અનેક પક્ષો જણાવે છે કે તેઓ સંસદમાં પ્રતિનિધિત્વ વધારવાનો વિરોધ નથી કરતાં. પરતું તેમની પ્રાથમિક ચિંતા એ છે કે નવી બેઠકો કયા આધારે ફાળવવામાં આવશે અને કયા રાજ્યોને તેનો લાભ મળશે.
મુખ્ય ચિંતા તેમના રાજ્યમાં ઓછી વસ્તી
આ દરમિયાન દક્ષિણ ભારતના રાજયોની મુખ્ય ચિંતા તેમના રાજ્યમાં ઓછી વસ્તી છે. જેમાં પરંતુ દક્ષિણના ઘણા રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશએ સફળતાપૂર્વક પ્રજનન દર અને વસ્તી વૃદ્ધિને નિયંત્રણમાં લાવી શક્યા છે.
વસ્તીના આધારે રાષ્ટ્રીય પ્રતિનિધિત્વમાં ઘટાડાની ચિંતા
જો નવી સીમાંકન પ્રક્રિયામાં વર્તમાન વસ્તીના આંકડાઓને નોંધપાત્ર મહત્વ આપવામાં આવે, તો ઝડપથી વધતી વસ્તીવાળા રાજ્યોમાં તેમની લોકસભા બેઠકોમાં વધારો જોવા મળશે. જ્યારે જે રાજ્યોએ તેમની વસ્તી વૃદ્ધિને અસરકારક રીતે નિયંત્રિત કરી છે તેઓ તેમના રાષ્ટ્રીય પ્રતિનિધિત્વમાં ઘટાડો અનુભવી શકે છે. આ દક્ષિણના રાજ્યો માટે પ્રાથમિક ચિંતાનો વિષય છે.
25 વર્ષ સુધી બેઠકોની વર્તમાન સંખ્યા જાળવી રાખવાની હિમાયત
જેના લીધે જ તમિલનાડુ અને કર્ણાટક બેઠકો વધારવા સહમત નથી. તમિલનાડુ વિધાનસભાએ માંગ કરી છે કે કુલ બેઠકોની સંખ્યા 543 જ રહે જ્યારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પણ આગામી 25 વર્ષ સુધી બેઠકોની વર્તમાન સંખ્યા જાળવી રાખવાની હિમાયત કરી છે.
ભારતના રાજકીય સત્તા સંતુલનમાં મૂળભૂત ફેરફાર થશે
કોંગ્રેસના નેતા શશી થરૂરે એક આર્ટીકલમાં જણાવ્યું હતું કે લોકસભાની બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો ફક્ત સંસદનું કદ વધારશે નહીં પરંતુ ભારતના રાજકીય સત્તા સંતુલનમાં મૂળભૂત ફેરફાર થશે. થરૂરે લોકસભાને 824 અથવા 850 બેઠકો સુધી વિસ્તારવાની સંભાવના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
રાજ્યો વચ્ચે આ બેઠકો કેવી રીતે ફાળવવામાં આવશે
થરૂરે દલીલ કરી હતી ધારો કે લોકસભાની બેઠકોની સંખ્યા 543 થી વધીને 850 થાય. જ્યારે કુલ બેઠકોની સંખ્યા વધશે ત્યારે પ્રશ્ન એ છે કે રાજ્યો વચ્ચે આ બેઠકો કેવી રીતે ફાળવવામાં આવશે.
ઉત્તર ભારતના રાજયોનો રાષ્ટ્રીય પ્રતિનિધિત્વમાં વધારો થશે
જો વસ્તી આ ફાળવણી માટે પ્રાથમિક આધાર છે. તો ઉત્તર ભારતમાં મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતા રાજ્યોના પ્રતિનિધિત્વમાં તીવ્ર વધારો થઈ શકે છે. તેમજ લોકશાહીમાં શું ફક્ત મોટી વસ્તી જ મોટી રાજકીય શક્તિનો આધાર હોવી જોઈએ.
કોંગ્રેસની માંગ 543 લોકસભા બેઠકો 25 વર્ષ સુધી સ્થિર રહે
આ ઉપરાંત કોંગ્રેસે હવે માંગ કરી છે કે હાલની 543 લોકસભા બેઠકો આગામી 25 વર્ષ સુધી સ્થિર રહે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ 27 ઓગસ્ટ, 2026 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં આ માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે.
જ્યારે બીજી તરફ ભાજપનો તર્ક છે કે આજે લોકસભામાં ભારતનું પ્રતિનિધિત્વ વર્ષ 1971ની વસ્તીના આંકડાના આધારે કરવું રીતે યોગ્ય નથી. હાલમાં, એક જ લોકસભા મતવિસ્તારમાં લાખો લોકો હોઈ શકે છે. વસ્તી વૃદ્ધિની સાથે મતદારોની સંખ્યામાં પણ વધારો થયો છે. પરંતુ સાંસદોની સંખ્યામાં પણ તે જ પ્રમાણમાં વધારો થયો નથી. બંધારણનો મૂળભૂત સિદ્ધાંત પણ વસ્તીના આધારે પ્રતિનિધિત્વને પ્રાથમિકતા આપે છે.
બેઠકો સાથે સાંસદોની સંખ્યા ચોક્કસપણે વધશે
જો લોકસભાની બેઠક 543 થી વધીને 800 અથવા 850 થાય તો સંસદમાં સાંસદોની સંખ્યા ચોક્કસપણે વધશે. આનાથી વિશાળ મતવિસ્તારનું કદ ઘટી શકે છે અને સાંસદો પરનો કાર્યભાર ઓછો થઈ શકે છે. જો કે, આનાથી રાજ્યોમાં રાજકીય શક્તિનું સંતુલન પણ બદલાશે.
દક્ષિણના રાજ્યો રાજકીય મહત્વ ઘટવાથી ચિંતીત
તેમજ વધુ વસ્તીવાળા ઉત્તર ભારતીય રાજ્યો લોકસભામાં વધુ પ્રતિનિધીત્વ મેળવશે. કોંગ્રેસ પક્ષ અને દક્ષિણ રાજ્યો ચિંતિત છે કે આનાથી તેમનું રાજકીય મહત્વ ઘટી શકે છે. તેમને ડર છે કે તેના પરિણામો લોકસભાની બહાર પણ વિસ્તરશે જે કેન્દ્ર સરકારની રચના, રાષ્ટ્રીય નીતિઓ, નાણાકીય સંસાધનોના વિતરણ અને સંઘીય રાજકારણની ગતિશીલતા પર સંભવિત અસર કરશે.
સરકારની ફરી ડિલિમીટેશન બિલને સંસદમાં રજૂ કરવાની તૈયારી
જોકે, આ બધી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકાર ફરી એકવાર ડિલિમીટેશન(સીમાંકન) બિલને સંસદમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જોકે, વિપક્ષ તેને મહિલા અનામત બિલ સાથે જોડીને રજૂ કરવાનો વિરોધ કરી રહ્યું છે.