Wed Sep 02 2026

Logo

દિલ્હીમાં વધુ એક અગ્નિકાંડઃ તુગલકાબાદમાં પાંચ માળની બિલ્ડિંગમાં આગથી 3નાં મોત

2026-06-12 08:09:00
Author: Mayur Patel
દિલ્હીમાં વધુ એક અગ્નિકાંડઃ તુગલકાબાદમાં પાંચ માળની બિલ્ડિંગમાં આગથી 3નાં મોત

નવી દિલ્હીઃ દિલ્હીમાં વધુ એક આગની ઘટના બની હતી. તુગલકાબાદ એક્સટેન્શન વિસ્તારની એક બિલ્ડિંગમાં આજે લાગેલી ભીષણ આગમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયા હતા. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હી ફાયર સર્વિસના કર્મચારીઓ દ્વારા અત્યાર સુધીમાં 8 લોકોને બચાવાયા છે. રાત્રે 2.25 કલાકે આગ લાગ્યાની સૂચના મળી હતી. 

8 લોકોને બચાવાયા

આગ મકાનની અંદર ઉભેલા વાહનોમાં લાગી હતી. જેના કારણે સમગ્ર બિલ્ડિંગમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો અને ઘણા લોકો અંદર ફસાયા હતા. ફાયર બ્રિગેડે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને 8 લોકોને સુરશ્રિત બહાર કાઢીને નજીકની હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીના કહેવા મુજબ, સવારે 3.45 કલાકે આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જે બાદ પણ સર્ચ અને બચાવ અભિયાન શરૂ રાખવામાં આવ્યું હતું. સવારે 4 કલાકે આગ સંપૂર્ણ નિયંત્રણમાં આવી ગઈ હતી.

3 લોકોનાં મોત

દિલ્હી ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 3 લોકોનાં મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષ છે. હૉસ્પિટલમાં દાખલ 8 લોકોમાં 5 મહિલાઓ સામેલ છે.

 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હીના માલવીય નગર વિસ્તારની એક હૉટલમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 20થી વધારે લોકોના મોત થયા હતા. પોલીસે હૉટલના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આગ લાગવાની ઘટનાની તપાસ ચાલી રહી છે.

દિલ્હી સરકાર હવે ઓછી ઊંચાઈવાળી રહેણાંક ઈમારતો, ખાસકરીને 15 મીટરથી ઓછી ઊંચી ઈમારતોમાં અગ્નિશામક સાધનો ફરજિયાત કરવાનો વિચાર કરી રહી છે. આ ઉપરાંત દિલ્હી સરકારે તમામ ઘરોમાં સ્મોક ડિટેક્ટર અને અગ્નિશામક યંત્ર ફરજિયાત કરવાની પણ ભલામણ કરી છે.