નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં સીઝનનો પહેલો વરસાદ પડ્યો છે. સતત વરસાદ પડતા દિલ્હીવાસીઓને અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. ભારે વરસાદના પગલે 15 ફ્લાઈટને નવી દિલ્હી એરપોર્ટથી ડાઈવર્ટ કરવામાં આવી હતી. નવી દિલ્હી ઈન્ટરનેશનલ અને ડૉમેસ્ટિક એરપોર્ટ આવી રહેલી ફ્લાઈટને જયપુર અને લખનઉ ડાઈવર્ટ કરવામાં આવી હતી.
દિલ્હીમાં સખત વરસાદને કારણે અનેક એવા વિસ્તારમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. લાંબા અંતર સુધી વાહનોના થપ્પા જોવા મળતા નોકરી કે વ્યાપાર કરીને ઘરે પરત ફરતા દિલ્હીવાસીઓને પરેશાન થયા હતા. સવારથી જ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ પછી એકાએક વરસાદ શરૂ થઈ જતા દિલ્હીના જાણીતા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા.

15 ફ્લાઈટ ડાઈવર્ટ કરાઈ
દિલ્હી શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતા 15 ફ્લાઈટને ડાઈવર્ટ કરવાની સાથે 5 આંતરરાષ્ટ્રીય અને 10 ડૉમેસ્ટિક ફ્લાઈટ પણ ડાઈવર્ટ કરવામાં આવી હતી. હવામાન વિભાગના એક રિપોર્ટ અનુસાર આવનારા ત્રણ દિવસ સુધી દિલ્હીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રવિવારે સવારે જે રીતે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો એવો માહોલ આગામી ત્રણથી ચાર દિવસ સુધી જોવા મળી શકે છે.
માત્ર દિલ્હી શહેર જ નહીં, દિલ્હી-NCR અને ગુરૂગ્રામ સુધી વરસાદની પૂરી શક્યતાઓ છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર દિલ્હી શહેરમાં હજુ વરસાદ વધશે. પાણી ભરાઈ જવાના કારણે અનેક રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવો માહોલ જોવા મળ્યો હતો. અકાસા એર લાઈન્સ કંપનીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે અમારી કેટલીક ફ્લાઈટને સીધી અસર થઈ છે. આનાથી આપની યાત્રામાં જે મુશ્કેલીઓ ઊભી થઈ છે. એ માટે સહકાર અને ધૈર્યની આશા રાખી રહ્યા છીએ.
એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ
સતત વરસાદના કારણે દ્વારકા એક્સપ્રેસ વે પાસે આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું. આની અસર દ્વારકા એક્સપ્રેસ વે પર જોવા મળી હતી. આ રૂટ પર કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ સિવાય મિંટો બ્રિજ, તુઘલકાબાદ, પ્રહલાદપુર અને બાયો ડાયવર્સિટી પાર્ક સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોને જે તે સ્થળ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હીમાં હવામાન સામાન્ય થતા અન્ય ફ્લાઈટને જે તે ટાઈમટેબલ પ્રમાણે રેઝ્યૂમ કરવામાં આવી હતી. દિલ્હીમાં સામાન્ય રીતે 1 જુલાઈની આસપાસ ચોમાસું શરૂ થઈ જાય છે. આ વર્ષે પાંચ દિવસ મોડું ચોમાસુ શરૂ થયું છે. સીઝનના પહેલા જ વરસાદમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે પાણીનો નિકાલ ન થતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું હતું. ખાસ કરીને રહેણાંક વિસ્તાર અને શૉપિંગ એરિયાને જોડતા રસ્તાઓ પર પાણી વધારે ભરાયેલું જોવા મળ્યું હતું.
પ્રવાસનને પણ અસર
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર આવનારા ત્રણ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે. આ સાથે વહેલી સવારે અને મોડી સાંજે ભેજના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે. રવિવારે દિલ્હીનું તાપમાન 33થી 35 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું, જોકે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળતા થોડી રાહત થઈ હતી.
હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને વધારે સાવધાની રાખવા તંત્રએ અપીલ કરી હતી. આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીનું વાતાવરણ સામાન્ય કરતા વધારે ઠંડુ રહે એવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ખાસ કરીને પવનનું જોર આગળના દિવસોમાં વધશે અને સતત વરસાદ પડશે. આ દિવસોમાં દિલ્હી પ્રવાસ માટે આવતા પ્રવાસીઓ માટે પણ કેટલાક સ્થળ બંધ રહે એવી પૂરી સંભાવનાઓ વર્તાય રહી છે.