કરાંચી: અમેરિકી પ્રતિબંધો અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ઈરાન તરફથી પાકિસ્તાનમાં મોટા પાયે ઈંધણની તસ્કરી ચાલી રહી છે. પાકિસ્તાની વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સના જણાવ્યા અનુસાર, ઈરાન દરરોજ અંદાજે 60 લાખ લીટરથી વધુ ઈંધણ ગેરકાયદે પાકિસ્તાન મોકલી રહ્યું છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા બાદ આ તસ્કરીના નેટવર્કની ગતિ ઝડપી બની છે અને હવે અઠવાડિયાના સાતેય દિવસ આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે. આ આર્થિક લેવડદેવડ સમાંતર 'હવાલા સિસ્ટમ' દ્વારા થાય છે, જેથી બેંકોની નજરથી બચી શકાય.
આ આંતરરાષ્ટ્રીય ઈંધણ કૌભાંડ મુખ્યત્વે પાકિસ્તાન અને ઈરાન વચ્ચેની અંદાજે 900 કિલોમીટર લાંબી સરહદ પર આવેલા અનેક ક્રોસિંગ પોઈન્ટ્સ દ્વારા ઓપરેટ થાય છે. પૂરતી સુરક્ષા અને દેખરેખના અભાવે દરરોજ અનેક પિકઅપ ટ્રકો અને મોટરસાયકલો દ્વારા બેરલમાં કે અન્ય કોઈ રીતે ભરીને ઈંધણ બલૂચિસ્તાન સહિતના વિસ્તારોમાં ઠાલવવામાં આવે છે. આ સિવાય દરિયાઈ માર્ગે હોડીઓ (દ્વારા ગ્વાદર પોર્ટ સુધી પણ ઈરાની તેલ પહોંચાડવામાં આવી રહ્યું છે. અગાઉ પાકિસ્તાની સેનાની કડકાઈને કારણે આ તસ્કરી ઘટી ગઈ હતી, પરંતુ તાજેતરની કટોકટીમાં સરહદ પર રોજની આશરે 300 ગાડીઓની અવરજવર ફરી શરૂ થઈ ગઈ છે.
આ ગેરકાયદે વેપાર પાકિસ્તાન અને ઈરાન બંને દેશો માટે આર્થિક સંકટમાં લાઈફલાઈન સમાન સાબિત થઈ રહ્યો છે. યુદ્ધને કારણે પાકિસ્તાનમાં તેલની ભયંકર અછત સર્જાઈ છે અને પેટ્રોલના ભાવ 250 રૂપિયાથી વધીને 400 પાકિસ્તાની રૂપિયાને પાર પહોંચી ગયા છે, જેથી આ સસ્તું ઈરાની તેલ તેને મોટી રાહત આપી રહ્યું છે.
બીજી તરફ, અમેરિકી નાકેબંધી અને ઈઝરાયેલી બમબારીથી આર્થિક રીતે ઘેરાયેલા ઈરાન માટે પણ રોકડ કમાવવાનો આ મોટો સ્ત્રોત છે, જેનું સંચાલન ત્યાંની શક્તિશાળી સંસ્થા 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ' દ્વારા થાય છે. આ ઉપરાંત, આ સરહદી વેપાર પછાત બલૂચિસ્તાન પ્રાંતના સ્થાનિક લોકોની આજીવિકાનો મુખ્ય સહારો હોવાથી સ્થાનિક પ્રશાસન પણ તેની સામે આંખ આડા કાન કરે છે.
જો કે, આ મામલે પાકિસ્તાન માટે આગામી સમયમાં મુશ્કેલીઓ વધી શકે છે. વર્ષ 2024ના ગુપ્તચર અહેવાલો મુજબ, પાકિસ્તાનની વાર્ષિક ઈંધણ વપરાશનો 14 ટકા હિસ્સો (આશરે 1 અબજ ડોલરથી વધુનું તેલ) આ તસ્કરી દ્વારા આવે છે, જેની પૂરી જાણકારી અમેરિકાને છે. હાલમાં પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તા માટે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ અમેરિકા તેના સહયોગી દેશ પાકિસ્તાન પર આ ઈરાની તેલની સપ્લાય રોકવા માટે ભારે દબાણ લાવી શકે છે.