આપણા ભારતીય ઘરોમાં સવારના નાસ્તામાં પરાઠા સૌથી લોકપ્રિય વિકલ્પ માનવામાં આવે છે. ખાસ કરીને આલુ પરાઠા, પનીર પરાઠા કે સાદા પરાઠા સાથે દહીં અથવા માખણ મળી જાય એટલે લોકોનો દિવસ બની જાય છે. પરંતુ, જો તમે દરરોજ અને વધુ પ્રમાણમાં પરાઠા ખાવાના શોખીન છો, તો આ આદત તમારી હેલ્થ પર ભારે પડી શકે છે. ચાલો જાણીએ વિસ્તારથી...
હેલ્થ એક્સપર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો તેમના મતે સવારે નાસ્તામાં પરાઠા પોતે ખરાબ ખોરાક નથી, પરંતુ તેને કેવી રીતે બનાવવામાં આવે છે, કોની સાથે ખાવામાં આવે છે અને તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તેના પર બધો આધાર રાખે છે. રોજ પરાઠા ખાવાથી શરીરમાં કેવા નુકસાન થઈ શકે છે એ આજે આપણે અહીં સ્ટોરીમાં જાણીશું.
ઝડપથી વધી શકે છે વજન અને મેદસ્વીતા
પરાઠામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે શરીરને તરત જ એનર્જી આપે છે. પરંતુ જો તમારી ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય અને તમે રોજ તેલ, ઘી કે માખણથી ભરપૂર પરાઠા ખાઓ છો, તો આ વધારાની કેલરી શરીરમાં ફેટ (ચરબી) તરીકે જમા થવા લાગે છે. લાંબા ગાળે આ આદત વજન વધારવા અને મેદસ્વીતાનું કારણ બને છે.
બ્લડ શુગરમાં અચાનક ઉછાળો અને ડાયાબિટીસનું જોખમ
વધારે કાર્બોહાઈડ્રેટવાળા પરાઠા ખાધા પછી બ્લડ શુગરનું સ્તર ઝડપથી વધી શકે છે. ખાસ કરીને જે લોકો બેઠાડુ જીવન જીવે છે તેમના માટે આ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. જ્યારે શરીર આ ઉર્જાનો ઉપયોગ નથી કરી શકતું, ત્યારે તે ધીમે ધીમે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ટાઇપ-૨ ડાયાબિટીસનું જોખમ વધારે છે.
હૃદયની બીમારીઓ અને હાઈ કોલેસ્ટ્રોલ
જો પરાઠાને નિયમિત રીતે વધુ પડતા ઘી, માખણ કે તેલ સાથે ખાવામાં આવે તો તે શરીરમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે છે. તેનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે અને હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે. જે લોકોને પહેલેથી જ હાર્ટની સમસ્યા હોય તેમણે પરાઠા ખાવાનું ટાળવું જોઈએ.
એસિડિટી અને પાચનની સમસ્યાઓ
કેટલાક લોકોને રોજ પરાઠા ખાવાથી એસિડિટી, અપચો અને પેટ ફૂલવા (Bloating) જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ભારે અને તેલવાળા પરાઠાને પચવામાં વધુ સમય લાગે છે. જો તેની સાથે પૂરતા પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન ન લેવામાં આવે તો પાચનતંત્ર પર દબાણ આવે છે.
પોષક તત્વોની ઉણપ
એક્સપર્ટ્સ માને છે કે રોજ એક જ પ્રકારનો નાસ્તો કરવાથી ડાયેટમાં વિવિધતા રહેતી નથી. જો રોજ માત્ર પરાઠા જ ખાવામાં આવે તો શરીરને અન્ય જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળતા નથી, જેનાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાઈ શકે છે.