Tue Jun 23 2026

Logo

હેલ્થ એલર્ટ: જો તમે આટલા કલાકથી ઓછી ઊંઘ લેતા હશો, તો હાર્ટ એટેક અને ડાયાબિટીસનું જોખમ વધી જશે; જાણો તમારી ઉંમર પ્રમાણેનો સાચો સમય!

2026-06-22 12:15:00
Author: Darshana Visaria
Article Image

આજકાલની આપણી ભાગદોડભરી લાઈફસ્ટાઈલને કારણે લોકો કામની વ્યસ્તતા પાછળ પોતાની સુખ-ચેનની ઊંઘ ગુમાવી રહ્યા છે. ઘણા લોકોને મોડા સુધી જાગવાની કે ઓછી ઊંઘ લેવાની આદત હોય છે, પણ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને ગંભીર બીમારીઓ તરફ ધકેલી રહી છે? ચાલો જાણીએ કે આખરે દિવસમાં કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ અને અપૂરતી ઊંઘ કઈ કઈ બીમારીઓને નોંતરે છે... 

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી ઓછી ઊંઘ લેવાથી હાર્ટ એટેક, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને માનસિક તણાવ (ડિપ્રેશન) જેવી બીમારીઓનું જોખમ અનેકગણું વધી જાય છે. ફિટ અને હેલ્ધી રહેવા માટે માત્ર સારો ખોરાક કે કસરત જ નહીં, પણ ઉંમર પ્રમાણે પૂરતી ઊંઘ લેવી પણ એટલી જ જરૂરી છે.

નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર ચાલો જાણી લઈએ કે આખરે કઈ ઉંમરના લોકો માટે કેટલા કલાકની ઊંઘ વરદાન સમાન છે-
નવજાત શિશુઓ (0થી 3 મહિના): આ ઉંમરના નાના બાળકો માટે રોજની 14થી 17 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.
નાના બાળકો (એકથી બે વર્ષ): શારીરિક અને માનસિક વિકાસ માટે આ બાળકોએ દરરોજ 11થી 14 કલાક ઊંઘવું જોઈએ.
સ્કૂલે જતા બાળકો (6થી 13 વર્ષ): ભણતર અને રમતગમત વચ્ચે સંતુલન જાળવવા માટે રોજની નવથી 11 કલાકની ઊંઘ અનિવાર્ય છે.
કિશોરાવસ્થા (14થી 17 વર્ષ): આ ઉંમરે શરીરમાં ઘણા હોર્મોનલ બદલાવ થતા હોવાથી રોજ આઠથી 10 કલાક કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
યુવાનો અને વયસ્કો (18થી 64 વર્ષ): આ ઉંમરના લોકો માટે રોજની ઓછામાં ઓછી લાતથી નવ કલાકની શાંત ઊંઘ ખૂબ જ જરૂરી છે. સાત કલાકથી ઓછી ઊંઘ સીધી તમારી રોગપ્રતિકારક શક્તિ પર પણ વિપરીસ અસર કરે છે.
વૃદ્ધો: વધતી ઉંમર સાથે શરીરને આરામ આપવા માટે રોજની સાતથી આઠ કલાકની ઊંઘ પૂરતી માનવામાં આવે છે.

ઓછી ઊંઘ લેવાથી થતા નુકસાન
પૂરતી ઊંઘ ન મળવાને કારણે સ્વભાવમાં ચિડચિડાપણું વધે છે અને મગજની કામ કરવાની ક્ષમતા ધીમી પડી જાય છે. આ સિવાય ઊંઘ પૂરી ન થવાથી શરીરમાં ભૂખ લગાડતા હોર્મોન્સનું સંતુલન બગડે છે, જેનાથી અડધી રાત્રે કે અસમયે વધુ ખાવાની ઈચ્છા થાય છે અને એને કારણે વજન વધવા લાગે છે.

જો તમે પણ રોજ પાંચથી છ કલાક જ ઊંઘતા હોવ, તો આજે જ તમારું સ્લીપિંગ શેડ્યૂલ સુધારી લો. રાતે સૂવાના એક કલાક પહેલાં મોબાઈલ-ટીવી સ્ક્રીનથી દૂરી બનાવી લેવી જેથી ઊંઘની ગુણવત્તા સુધરી શકે. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના અન્ય સભ્યો સાથે ચોક્કસ શેર કરજો.