ભુજ: ગુજરાત પોસ્ટલ સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ દ્વારા દેશના પોસ્ટલ અને ડિજિટલ નેટવર્કના વિસ્તરણ અંતર્ગત એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કચ્છના મોટા રણમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક અલગ પોસ્ટલ ઓળખ ઊભી કરવામાં આવી છે. જે અંતર્ગત 24 જૂન, 2026થી રિન્યૂએબલ એનર્જી પાર્ક-ખાવડા ખાતે નવી પોસ્ટ ઓફિસ સત્તાવાર રીતે કાર્યરત થશે, જેને નવો વિશિષ્ટ પિનકોડ 370246 ફાળવવામાં આવ્યો છે. અગાઉ આ સમગ્ર વિસ્તાર એક જ પોસ્ટલ કોડ હેઠળ આવતો હતો.
આ નવી પોસ્ટ ઓફિસ પશ્ચિમી સરહદ નજીકના આ એન્જિનિયરિંગ હબમાં લોજિસ્ટિકલ અને નાણાકીય કેન્દ્ર તરીકે સેવા આપશે. અહીં કામ કરતા હજારો કર્મચારીઓ અને ઔદ્યોગિક વિકાસકર્તાઓની સુવિધા માટે ખાસ કાઉન્ટર્સ ઊભા કરવામાં આવશે. આ કેન્દ્ર પર સ્પીડ પોસ્ટ, પાર્સલ બુકિંગ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક તેમજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક સહિતની તમામ આધુનિક 'ફિજિટલ' (ફિઝિકલ અને ડિજિટલ) સેવાઓ ઉપલબ્ધ કરાવાશે, જે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વસેલી વર્કફોર્સ કોલોનીઓ અને પબ્લિક-પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓને સીધો લાભ પહોંચાડશે.
ઉત્સવ વૈદ્ય