બિઝનેસ વર્લ્ડમાં સામાન્યપણે જ્યારે પણ કોઈ કંપની વેચાય છે, ત્યારે તેના સૌથી મોટો ફાયદો માલિકો અને શેરહોલ્ડર્સને જ મળતો હોય છે. પરંતુ અમેરિકાના લુઇસિયાના રાજ્યના મિન્ડેન નામના એક નાના શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે કોર્પોરેટ વર્લ્ડમાં માનવતા અને વફાદારીનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીંની 43 વર્ષ જૂની એક કૌટુંબિક કંપનીના માલિકે પોતાની કંપની વેચતી વખતે એવી શરત મૂકી કે તેના 540 કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી...
ઈલેક્ટ્રિકલ ડિવાઇસ માટે સ્પેશિયલ સ્ટ્રક્ચર અને એનક્લોઝર બનાવતી 'ફાઇબરબોન્ડ' નામની આ કંપનીને વોકર પરિવારે સતત 43 વર્ષ સુધી ચલાવી. તાજેતરમાં આ કંપનીને પાવર મેનેજમેન્ટ ક્ષેત્રની દિગ્ગજ કંપની 'ઈટન' દ્વારા 1.7 અબજ ડોલર એટલે કે આશરે રૂપિયા 14,000 કરોડમાં ખરીદવામાં આવી હતી.
જોકે, આ ડીલ ફાઈનલ થાય એ પહેલાં જ કંપનીના પૂર્વ સીઈઓ ગ્રાહમ વોકરે ખરીદદાર કંપની સામે એક વિશેષ શરત મૂકી હતી. તેમણે નક્કી કર્યું કે કંપનીના વેચાણથી મળનારી કુલ રકમના 15 ટકા હિસ્સો કંપનીના કર્મચારીઓને બોનસ તરીકે આપવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે આ કર્મચારીઓ પાસે કંપનીના કોઈ શેર પણ નહોતા, તેમ છતાં માલિકે આ નિર્ણય લીધો હતો.
કંપની દ્વારા મૂકવામાં આવેલી આ ઐતિહાસિક શરતના કારણે કંપનીના 540 ફૂલ-ટાઇમ કર્મચારીઓ વચ્ચે કુલ 24 કરોડ ડોલર એટલે કે આશરે રૂપિયા 2,000 કરોડથી વધુની રકમ વહેંચવામાં આવી છે. જો સરેરાશ ગણતરી કરવામાં આવે તો દરેક કર્મચારીના હિસ્સામાં આશરે 4.43 લાખ ડોલર આવ્યા છે. આ રકમ કર્મચારીઓને મળવાની શરૂ પણ થઈ ગઈ છે. જોકે, પૂરી રકમ મેળવવા માટે કર્મચારીઓએ આગામી પાંચ વર્ષ સુધી કંપની સાથે જોડાયેલા રહેવું પડશે, પરંતુ 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના કર્મચારીઓને આ શરતમાંથી મુક્તિ અપાઈ છે જેથી તેઓ સન્માનભેર નિવૃત્તિ લઈ શકે. ઘણા કર્મચારીઓએ આ આકસ્મિક ધનલાભને 'લોટરી લાગવા' જેવો અહેસાસ ગણાવ્યો છે.
ફાઇબરબોન્ડ કંપનીની સ્થાપના 1982માં ગ્રાહમ વોકરના પિતા ક્લોડ વોકરે કરી હતી. શરૂઆતમાં રેલ્વે લાઈનો માટે ટેલિફોન અને ઈલેક્ટ્રિકલ સ્ટ્રક્ચર બનાવતી આ કંપનીએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. 1998માં કંપનીના કારખાનામાં ભયાનક આગ લાગી હતી અને ત્યારબાદ આર્થિક મંદીનો સામનો પણ કરવો પડ્યો હતો. એક સમયે કર્મચારીઓની સંખ્યા 900થી ઘટીને 320 થઈ ગઈ હતી, તેમ છતાં વોકર પરિવારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાના કર્મચારીઓનો સાથ છોડ્યો નહોતો અને તેમનો પગાર ચાલુ રાખ્યો હતો.
કંપની માટે ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તેણે ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આશરે 15 કરોડ ડોલરનું રોકાણ કર્યું. વર્ષ 2020માં કોવિડ મહામારી દરમિયાન ક્લાઉડ સર્વિસની માંગ વધતા કંપનીનો આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો હતો. ત્યારબાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ્સની તેજીને કારણે છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના વેચાણમાં 400 ટકા ટકાનો તોતિંગ વધારો નોંધાયો હતો, જેના કારણે મોટી કંપનીઓ તેને ખરીદવા માટે લાઈનમાં ઊભી રહી ગઈ હતી. આ સફળતાના શિખરે પહોંચીને પણ માલિકે પોતાના જૂના કર્મચારીઓની વફાદારીની જે કદર કરી છે, તેની આજે આખી દુનિયામાં પ્રશંસા થઈ રહી છે.