અમદાવાદઃ અમદાવાદમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા શહેરભરના કોચિંગ ક્લાસ (Coaching Classes), ટ્યુશન સેન્ટર અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ ફાયર સેફ્ટી (Fire Safety)ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન અનેક જાણીતી સંસ્થાઓમાં ફાયર સેફ્ટી સંબંધિત ખામીઓ સામે આવતાં કુલ 17 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે એક સંસ્થાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
23 જૂન 2026ના રોજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા વિવિધ ફાયર સ્ટેશનોની ટીમોએ કોચિંગ ક્લાસ અને શિક્ષણ કેન્દ્રોમાં નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન અગ્નિશામક સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો, ઇલેક્ટ્રિકલ સેફ્ટી સહિતની મૂળભૂત સલામતી વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ફાયર સેફ્ટીના નિયમોમાં ખામીઓ બદલ 17 સંસ્થાને નોટિસ
જી-ટેક કમ્પ્યૂટર એજુકેશન
દ્વારકેશ એજ્યુકેશન ઇન્સ્ટિચુટ
યથાશક્તિ શિક્ષણ સંસ્થા
આયતન એકેડેમી
પીએમ ભટ્ટ ટ્યુશન ક્લાસીસ
સિગ્મા નોવો ક્લાસિસ
ફ્યુચર પાથ એજ્યુકેશન
આહુજા એજ્યુકેશન
જેકે શાહ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, નવરંગપુરા
રાજશ્રી સ્ટડી સેન્ટર, નારણપુરા
એલન કેરિયર ઈન્સ્ટીટ્યુટ, સિંધુભવન રોડ, થલતેજ
આકાશ એજ્યુકેશન સર્વિસિઝ, થલતેજ
અનએકેડેમી, લેડી લેક પાસે, થલતેજ
અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ, વસ્ત્રાપુર
યશ ક્લાસીસ, માનસી ક્રોસ રોડ
પરેશ જે. સલુટ ક્લાસીસ, સમાન કોમ્પ્લેક્સ, માનસી ક્રોસ રોડ
અલોહા ક્લાસીસ, સમાન કોમ્પ્લેક્સ, માનસી ક્રોસ રોડ
તપાસ દરમિયાન, અધિકારીઓને જાણવા મળ્યું કે 'નવકાર ડિજિટલ ઇન્સ્ટિટ્યૂટ'નું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પૂરું થઈ ગયું હતું. આથી, સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ આ સંસ્થાને સીલ કરવામાં આવી હતી.
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ અને તેના સંચાલકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા માટે જરૂરી લઘુત્તમ ફાયર સેફ્ટીના સાધનો અને સુરક્ષા વ્યવસ્થા રાખે. વિભાગે જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરનાર સંસ્થાઓ સામે આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.