આજે રસ્તા પર દોડતા દરેક નાના-મોટા વાહન પર એક અનોખો રજીસ્ટ્રેશન નંબર એટલે કે નંબર પ્લેટ જોવા મળે છે. આ નંબર પ્લેટની મદદથી ટ્રાફિક પોલીસ અને ઓથોરિટી વાહનના માલિકની ઓળખ કરી શકે છે, વાહનને ટ્રેક કરી શકે છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવી શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાહનો પર નંબર પ્લેટ લગાવવાની આ સિસ્ટમ ક્યારે અને કેમ શરૂ થઈ? વાહન રજીસ્ટ્રેશનની આ પેટર્ન 130 વર્ષ કરતાં પણ વધુ જૂની છે. ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી...
વાત કરીએ શા માટે શરૂ કરવામાં આવી આ સિસ્ટમ એની તો 19મી સદીના અંતમાં જ્યારે રસ્તાઓ પર ઓટોમોબાઈલ એટલે કે મોટર વાહનો દેખાવવા લાગ્યા, ત્યારે સરકારો સામે એક નવો પડકાર આવ્યો. ઘોડાગાડીઓની સરખામણીમાં આ મોટર વાહનો ખૂબ જ ઝડપથી દોડી શકતા હતા, જેના કારણે અકસ્માત કે ગુના આચર્યા પછી આવા વાહનોને ટ્રેક કરવા ખૂબ મુશ્કેલ બની જતા હતા.
સરકારે આ સમસ્યાના ઉકેલ માટે જ વાહન માલિકો માટે એક એવી આઈડેન્ટિફિકેશન પ્લેટ લગાવવાનું ફરજિયાત બનાવ્યું, જેમાં વાહન અને તેના માલિકની વિગતો હોય. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રોડ સેફ્ટી (સુધારવાનો, જવાબદારી નક્કી કરવાનો અને વાહનની ચોરી અટકાવવાનો હતો.
વાહનની ઓળખ માટે નંબર પ્લેટ લગાવવાની દુનિયાની સૌપ્રથમ સત્તાવાર શરૂઆત 14મી ઓગસ્ટ, 1893ના રોજ ફ્રાન્સના પેરિસ શહેરમાં થઈ હતી. પેરિસમાં ચાલતા દરેક વાહન પર માલિકનું નામ, સરનામું અને વાહનનો નંબર દર્શાવતી પ્લેટ લગાવવી ફરજિયાત કરવામાં આવી હતી, જેથી અકસ્માતના સમયે પોલીસ ડ્રાઈવરને સરળતાથી શોધી શકે.
અન્ય દેશોએ આ સિસ્ટમ કેવી રીતે અપનાવી?
જર્મની અને નેધરલેન્ડ: ફ્રાન્સ બાદ જર્મનીએ 1896માં દેશવ્યાપી નંબર પ્લેટ સિસ્ટમ શરૂ કરી. ત્યારબાદ 1898માં નેધરલેન્ડે આ નિયમ અપનાવ્યો અને તે એકીકૃત રાષ્ટ્રીય ટ્રાફિક કાયદા હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ પ્લેટ જારી કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો.
અમેરિકા: અમેરિકાના ન્યૂયોર્કમાં 1901માં વાહન ઓળખનો કાયદો પસાર થયો. શરૂઆતમાં વાહન માલિકો પોતાની જાતે જ ચામડા, લાકડા કે ધાતુનો ઉપયોગ કરીને નંબર પ્લેટ બનાવતા હતા. ત્યારબાદ 1903માં મેસેચ્યુસેટ્સ સત્તાવાર રીતે સરકાર દ્વારા નિર્મિત નંબર પ્લેટ જારી કરનારું પ્રથમ અમેરિકી રાજ્ય બન્યું.
ભારતમાં ક્યારે થઈ નંબર પ્લેટની શરૂઆત?
ભારતમાં વાહન રજીસ્ટ્રેશનની સફર બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી. 1900ની શરૂઆતમાં અલગ-અલગ પ્રાંતોએ પોતાના નિયમો બનાવ્યા હતા, જેમાં બોમ્બેએ 1901માં, બંગાળે 1903માં અને મદ્રાસે 1907માં વાહન રજીસ્ટ્રેશનના નિયમો લાગુ કર્યા. જો કે, આ તમામ પ્રણાલીઓ અલગ-અલગ વિસ્તારોમાં જુદી-જુદી હતી. આખરે, વર્ષ 1914ના 'ભારતીય મોટર વાહન અધિનિયમ' (Indian Motor Vehicles Act) દ્વારા દેશભરમાં એક સમાન માળખું સ્થાપિત કરવામાં આવ્યું અને સમગ્ર બ્રિટિશ ભારતમાં વાહન રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું.