ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં જમીન દબાણ હટાવવાની વહીવટી તંત્રની 'બુલડોઝર' કાર્યવાહી હેઠળ જો ધાર્મિક સ્થાનોને નિશાન બનાવવામાં આવશે, તો 'જેલ ભરો' આંદોલન છેડવાની ચીમકી અખિલ કચ્છ મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવી છે. ભુજ તાલુકાના નાના વરનોરા ગામે તાજેતરમાં થયેલી દંડાત્મક કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ સાથે લઘુમતી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે કે, નાના વરનોરા અને રાયધણપરના કેટલાક યુવાનો વચ્ચેની અંગત તકરારના બનાવને અનાવશ્યક રીતે મોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે. પોલીસ તંત્રને પૂરતો સહકાર આપવા છતાં, નાના વરનોરા ગામમાં એક જ દિવસની ટૂંકી નોટિસ આપીને 21 જેટલી દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે મૂળ ઘટના સાથે કોઈ સંબંધ ન ધરાવતા અનેક નિર્દોષ પરિવારો ઘરવિહોણા બન્યા છે અને તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. મુસ્લિમ સમાજે આ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય પારદર્શક તપાસ કરવા, જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા અને અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા માંગ કરી છે.
બીજી તરફ, આ મામલે ગાંધીધામના અગ્રણી હાજી જુમા રાયમાએ પણ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે, વરનોરા અને રાયધણપરની ઘટનાને કોમી સ્વરૂપ આપીને વહીવટી તંત્ર દ્વારા એકપક્ષીય બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે માનવ અધિકારોનું હનન છે. સેંકડો વર્ષ જૂની દરગાહો, જ્યાં હિન્દુ-મુસ્લિમ બંને સમાજની આસ્થા જોડાયેલી છે અને જે ક્યાંય નડતરરૂપ નથી, તેને માત્ર 24 કલાકની નોટિસ આપીને તોડી પાડવાની પ્રવૃત્તિ અટકાવવા તેમણે ભારપૂર્વક માંગ કરી છે. આવેદનપત્ર આપતી વખતે અગ્રણીઓ હાજી સલીમ જત, હાજી વહાબ ભચુ, મોહસીન હિંગોરજા અને આદમભાઈ ચાકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(ઉત્સવ વૈદ્ય)