વેવિશાળ માટે જઈ રહેલા મહેમાનોના જીવ ગયા, મુરતિયો બચ્યો: ટક્કર પછી ટ્રેઈલર પરનું કન્ટેનર છૂટું પડીને ટેમ્પો પર પડ્યું: 20 જખમી: બાઈકસવાર બે જણ પણ ચગદાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વેવિશાળ માટે મુરતિયા સાથે જઈ રહેલા સગાંસંબંધી અને ગામવાસીઓથી ભરેલા ટેમ્પો પર ક્ધટેનર ઊંધું વળતાં 13 જણે જીવ ગુમાવ્યા હોવાની કાળજું કંપાવનારી ઘટના દહાણુ નજીક બની હતી. મુંબઈ-અમદાવાદ હાઈવે પર બન્ને વાહનની ટક્કર પછી ટ્રેઈલર પરનું ક્ધટેનર ટેમ્પો પર ઊંધું વળ્યું હતું, જેમાં 20થી વધુ ઘવાયા હતા તો બાજુમાંથી પસાર થનારા બે બાઈકસવાર પણ ચગદાયા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે બન્ને ગામમાં ખુશીનો માહોલ માતમમાં પલટાઈ ગયો હતો.કાસા પોલીસના જણાવ્યા મુજબ આ ગોઝારો અકસ્માત સોમવારની સાંજે ચાર વાગ્યાની આસપાસ દહાણુ તાલુકાના ધાનીવરી ગામ નજીકના ઓવર બ્રિજ પાસે થયો હતો. અકસ્માતમાં પાંચ જણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા, જ્યારે બાકીના સારવાર દરમિયાન હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં પ્રત્યેકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.
મૃતકોમાં સુરેશ રત્ના લખત, પાંડુ ગણપત લખત, કાલુ ગોવિંદ લખત, સુનીલ અર્જુન દાંડેકર, ચિમા ગોવિંદ કુરાડે, નમિતા વિઠ્ઠલ દાંડેકર, સારિકા સંતોષ લખત, આયુષ સીતારામ લખત, સાગર નામદેવ શેંડે, વંદના શિવરામ વાળવી, સલોની શિવરામ વાળવી, અજય અહાદી અને રિયાંશી સંતોષ લખતનો સમાવેશ થાય છે.અધિકારીએ જણાવ્યું હતું કે બાપુગાંવ ખડકીપાડા ગામમાં રહેતા બલરામ જયરામ દાંડેકરનાં લગ્ન ધાનીવરી ગામમાં રહેતી ક્ધયા સાથે નક્કી થયાં હતાં. આ માટે સોમવારે તેમની સગાઈ ગોઠવાઈ હતી. સગાઈ માટે જ મુરતિયા સાથે સગાંસંબંધી અને ગામવાસીઓ બે વાહનમાં ધાનીવરી જઈ રહ્યા હતા. મુરતિયો પિકઅપ વૅનમાં હોવાથી બચી ગયો હતો, જ્યારે ટેમ્પોમાં 50થી વધુ લોકો હતો.
કહેવાય છે કે મુંબઈ આઈસર ટેમ્પો એમએચ-48-ડીસી-7474 મુંબઈ-ગુજરાત લૅન પર વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યો હતો. ટેમ્પો ધાનીવરી નજીક પહોંચ્યો ત્યારે સામેથી આવેલા ટ્રેઈલર એનએલ-01-એસી-9118ના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પો સાથે ટકરાયા પછી ટ્રેઈલર પરનું ક્ધટેનર ટેમ્પો પર ઊંધું વળી ગયું હતું. એ જ સમયે ત્યાંથી પસાર થતી બાઈક પણ વાહનની અડફેટે આવી ગઈ હતી.બનાવની જાણ થતાં ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ, કાસા પોલીસ અને ગામવાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે જખમી 14 જણને દહાણુની વેદાંત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીનાને કાસા ઉપજિલ્લા હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
અકસ્માત થવા પાછળનું ખરું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. રસ્તાના અધૂરા કામને કારણે આ ઘટના બની હોવાની ચર્ચા સ્થાનિકોમાં હતી.દરમિયાન ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતગ્રસ્ત બન્ને વાહન ટેમ્પો અને ટ્રેઈલર ઊંધાં વળી ગયાં હતાં. વાહનોની નીચે ટેમ્પોમાં હાજર લોકો ચગદાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ટેમ્પોમાં ક્ષમતા કરતાં વધુ લોકો ભરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસ સૂચવે છે.અકસ્માત બાદ ઘટનાસ્થળે ભયાનક દૃશ્ય જોવા મળ્યું હતું. લોહીલુહાણ લોકો અને રડારોળ કરતા સગાંસ્નેહીઓથી માહોલ ગમગીન બની ગયો હતો. બાપુગાંવ અને ધાનીવરી ગામમાં માતમ છવાઈ ગયો હતો.