પુરપાટ દોડતી વેન ડિવાઈડર તોડીને સામેની દિશામાં ગઈ: મુંબઈ તરફ આવતાં બે ક્ધટેનર સાથે વૅન ભટકાતાં ડ્રાઈવર ગંભીર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની બુલિયન કંપનીમાંથી 600 કિલો ચાંદી ગુજરાતના વલસાડ જિલ્લામાં લઈ જતી વૅનને દહાણુ નજીક ભયંકર અકસ્માત નડતાં બે જણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે વૅનનો ડ્રાઈવર ગંભીર રીતે ઘવાયો હતો. પુરપાટ વેગે દોડતી વૅન ડિવાઈડર તોડીને સામેની દિશામાં ગઈ હતી અને મુંબઈ તરફ આવતાં બે ક્ધટેનર સાથે ભટકાઈ હતી.કાસા પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલાઓની ઓળખ આકાશ વિઠ્ઠલ જાધવ (27) અને રામકૃષ્ણ પુરુષોત્તમ ત્રિપાઠી (52) તરીકે થઈ હતી. મુંબઈના લોઅર પરેલ પરિસરમાં રહેતો જાધવ ચાંદીનો કસ્ટોડિયન હતો, જ્યારે પ્રભાદેવી ખાતે રહેતો ત્રિપાઠી આર્મગાર્ડ તરીકે વૅનમાં ડ્યૂટી પર હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈના નાકોડા બુલિયનમાંથી 600 કિલો ચાંદીની 20 પાટ લઈને વૅન વલસાડના વાપી ખાતે મોદીસન લિ.માં જઈ રહી હતી. પુરપાટ દોડતી વૅન સવારે સાડાછ વાગ્યાની આસપાસ ચારોટી બ્રિજ પાસે પહોંચી ત્યારે ડ્રાઈવર સુભાષ મારુતિ નિકમે (50) સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.મુંબઈ-અમદાવાદ હાઈવે પરના ડિવાઈડર સાથે ટકરાયા પછી વૅન સામેની દિશામાં જતી રહી હતી. એ જ સમયે મુંબઈ તરફ આવતાં બે ક્ધટેનર સાથે વૅન ભટકાઈ હતી. અકસ્માતમાં વૅનમાં હાજર ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા. સારવાર માટે તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાથ-પગ, છાતી અને માથામાં ગંભીર ઇજાને કારણે જાધવ અને ત્રિપાઠીનાં મોત નીપજ્યાં હોવાનું તબીબે જણાવ્યું હતું.
દરમિયાન અકસ્માતની જાણ થતાં કાસા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અમર પાટીલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મુંબઈના ચુનાભઠ્ઠીમાં વિસ્તારમાં રહેતા ડ્રાઈવર નિકમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નિકમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.