Thu Jun 25 2026

Logo

મુંબઈ CSMTના પ્લેટફોર્મ 9 પર પહોંચી 'કસારા લોકલ': પ્રવાસીઓમાં ઊભું થયું 'કન્ફ્યુઝન', રેલવેએ શું કહ્યું?

2026-05-20 15:57:03
Author: Darshana Visaria
Article Image

21 એપ્રિલના પણ બે લોકલ ટ્રેન એક જ રેલવેના પાટા પર આવી ગઈ હતી...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
લોકલ ટ્રેનએ મુંબઈગરાની લાઈફલાઈન છે, પરંતુ આજે મધ્ય રેલવેના રેઢિયાળ કારભારનો ભોગ પ્રવાસીઓ બન્યા હતા. આજે બપોરના મુંબઈના સૌથી વ્યસ્ત એવા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર બનેલી એક વિચિત્ર ઘટનાએ રેલવે પ્રશાસનની ઘોર બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા હતા. મળતી માહિતી અનુસાર ફાસ્ટ કસારા-સીએસએમટી ટ્રેન મેઇલ લાઈનના પ્લેટફોર્મ (નોન-સબર્બન સેક્શન)પર પહોંચી જતા પ્રવાસીઓમાં ગૂંચવણનો માહોલ જોવા મળ્યો હતો. 

*કસારા લોકલ નવ નંબરના પ્લેટફોર્મ પહોંચી*
મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનના લાખો પ્રવાસીઓ ફરી એકવાર રેલવે પ્રશાસનની બેદરકારી અને અણઘડ વહીવટનો ભોગ બન્યા હતા. આજે બપોરના 11.59 વાગ્યાની કસારાથી સીએસએમટી જઈ રહેલી અપ ફાસ્ટ લોકલ ટ્રેન સીએસએમટી સ્ટેશન પર લોકલ ટ્રેનો માટેના રહેલાં પ્લેટફોર્મ પર જવાના બદલે મેલ એક્સપ્રેસ ટ્રેનો માટેના અનામત પ્લેટફોર્મ નંબર નવ પર પહોંચી ગઈ હતી. મધ્ય રેલવે પર અવારનવાર ટ્રેનોના ધાંધિયા અને સુરક્ષામાં ગંભીર ક્ષતિઓ બાદ આજે બનેલી આ ઘટના બાદ હવે રેલવેના સિગ્નલિંગ અને ટ્રેક મેનેજમેન્ટની પોલ ખુલી ગઈ છે. 

*ટેક્નિકલ ગ્લિચનો પ્રવાસીઓ ફરી ભોગ બન્યા*
આજે બનેલી આ ઘટનાને પગલે રેલવે પ્રશાસન દ્વારા હંમેશની જેમ એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કોઈ ટેક્નિકલ ગ્લિચને કારણે આ લોકલ ટ્રેનને પ્લેટફોર્મ નંબર નવ પર લાવવી પડી હતી અને હવે તેને યાર્ડમાં લઈ જવામાં આવી રહી છે. જોકે, પ્રશાસનની આ ગોળગોળ સ્પષ્ટતા પ્રવાસીઓના ગળે ઉતરે તેવી નથી. હવે મોટો સવાલ એ ઉઠે છે કે શું આ ખરેખર કોઈ સિગ્નલની ખામી હતી, કે પછી મોટરમેન અને કંટ્રોલ રૂમની બેદરકારીને કારણે ટ્રેનને ખોટા ટ્રેક પર દોડાવી દેવામાં આવી હતી?

*21મી એપ્રિલના બે લોકલ એક ટ્રે્ક પર આવી*
મધ્ય રેલવે પર પ્રવાસીઓની સુરક્ષા સાથે ચેડાં થવાની આ કોઈ પહેલી ઘટના નથી. એક મહિના પહેલાં એટલે કે 21મી એપ્રિલના રોજ પણ રેલવે પ્રશાસનની આવી જ એક લાપરવાહી સામે આવી હતી, જ્યારે મોટરમેને સિગ્નલ ફેઈલ્યોરને કારણે એક જ ટ્રેક પર આમને-સામને બે લોકલ ટ્રેન લાવી દીધી હતી. જોકે, સદ્ભાગ્યે એ સમયે મોટી દુર્ઘટના તો ટળી હતી, પરંતુ રેલવેના ધાંધિયાને કારણે સેંકડો પ્રવાસીઓએ કાળઝાળ ગરમીમાં ટ્રેક પર ચાલવાની ફરજ પડી હતી. આટલી મોટી ચેતવણી મળ્યા બાદ પણ રેલવે તંત્ર કોઈ પાઠ ભણ્યું નથી તે બુધવારની ઘટના પરથી સાબિત થાય છે. આ મુદ્દે મધ્ય રેલવેના અધિકારીએ કોઈ પ્રતિક્રિયા કરી નહોતી.

*રોજના 40 લાખથી વધુ પ્રવાસી કરે છે ટ્રાવેલ*
મુંબઈગરાઓ પાસેથી કરોડો રૂપિયા ભાડા પેટે વસૂલતી મધ્ય રેલવે પ્રવાસીઓને આવશ્યક સુવિધા અને સુરક્ષા આપવામાં પણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં, બપોરના સમયે ટ્રેનો અડધો-અડધો કલાક મોડી પડવી એ હવે રોજની વાત બની ગઈ છે. ઓફિસે જવા-આવવાના પીક અવર્સમાં ટ્રેનોના શેડ્યુલ ખોરવાઈ જતાં પ્રવાસીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

મુંબઈના સૌથી વ્યસ્ત સ્ટેશન સીએસએમટી ખાતે રોજના લાખો પ્રવાસી ટ્રાવેલ કરે છે, જેમાં સબર્બન અને નોનસબર્બન સેક્શનનું મહત્ત્વનું ટર્મિનસ પણ છે. મધ્ય રેલવેમાં મેઈન, હાર્બર સહિત ટ્રાન્સ હાર્બર મળીને રોજના 40 લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે, ત્યારે આ પ્રકારના બનાવથી પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થાય છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.