સામાન્ય રીતે ઓફિસમાં બોસ અને કર્મચારી વચ્ચેની વાતચીતનું નામ આવે એટલે લોકોના મનમાં કામનું પ્રેશર, બોસની ખીજ કે પછી રજા માંગતી વખતે થતી લાંબી પૂછપરછના દ્રશ્યો આવી જાય છે. ટોક્સિક વર્ક કલ્ચરના અસંખ્ય કિસ્સાઓ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ (Reddit) પર વાયરલ થયેલી કેટલીક વોટ્સએપ ચેટ્સે લોકોની વિચારસરણી બદલી નાખી છે.
એક કર્મચારીએ પોતાના મેનેજર સાથે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ્સ શેર કર્યા છે, જેમાં બીમારી કે અંગત કારણોસર રજા અથવા Work From Home (WFH) માંગવા પર બોસે કોઈપણ બિનજરૂરી સવાલ કર્યા વિના અત્યંત સકારાત્મક અને સહાનુભૂતિપૂર્વક મંજૂરી આપી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટના r/IndianWorkplace ફોરમ પર કર્મચારીએ લખ્યું હતું કે તે આ પ્લેટફોર્મ પર હંમેશાં ટોક્સિક બોસની સ્ટોરી અને કિસ્સા વાંચતો હતો, તેથી તેણે વિચાર્યું કે એક સમજદાર બોસની 'શાંત અને બોરિંગ' ચેટ્સ પણ લોકો સામે લાવવી જોઈએ:

એક ચેટમાં કર્મચારીએ જણાવ્યું કે તેના ગળામાં દુખાવો સારો હતો પરંતુ રાત્રે ઉધરસ વધી ગઈ છે, જેથી તે વર્ક ફ્રોમ હોમ કરવા માંગે છે અને અચાનક જણાવવા બદલ માફી પણ માંગી. તેના જવાબમાં બોસે રિપ્લાયમાં માત્ર "Ok, makes sense. Take care."નો જવાબ આપ્યો હતો.
અન્ય એક કર્મચારીએ તાવ આવવાની વાત કરી ત્યારે પણ બોસે કોઈ વાંધો ઉઠાવ્યા વગર માત્ર "Take care" લખીને આરામ કરવાની સલાહ આપી હતી. કૌટુંબિક પ્રસંગ બાદ થાક લાગતાં જ્યારે એક કર્મચારીએ વર્ક ફ્રોમ હોમ માંગ્યું ત્યારે પણ બોસ તરફથી "Ok, no problem"નો સહજ જવાબ મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર યુઝર્સની મજેદાર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ વાઈરલ પોસ્ટ પર નેટિઝન્સે ભારે પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે એક સારા મેનેજરની સાચી ઓળખ કર્મચારી પર માઈક્રો-મેનેજમેન્ટ કરવાથી નહીં, પરંતુ એવી સિસ્ટમ ઊભી કરવાથી થાય છે જેમાં કોઈ કર્મી રજા પર હોય તો પણ ટીમનું કામ અટકે નહીં.
યુઝર્સે લખ્યું કે કર્મચારીઓના અંગત સમય અને સ્વાસ્થ્યનું સન્માન કરનારા આવા મેનેજર્સ દરેક સંસ્થામાં હોવા જોઈએ, જેનાથી કર્મચારીઓની પ્રોડક્ટિવિટી અને સંસ્થા પ્રત્યેની વફાદારી બંને વધે છે.