Thu Jul 02 2026

Logo

ઈરાનના સુપ્રીમ લીડરના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે કોંગ્રેસના નેતા! જાણો કોણ જશે તહેરાન...

2026-07-02 20:37:40
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી, તહેરાનઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામીનેઈના રાજકીય અંતિમ સંસ્કાર સમારોહમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ (Salman Khurshid) ઈરાન જશે તેવું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. આજે સલમાન ખુર્શીદે પોતે જાહેરાત કરીને આ બાબતની પુષ્ટિ કરી છે કે તેઓ આ સંવેદનશીલ અને ઐતિહાસિક પ્રસંગે કોંગ્રેસ પક્ષ વતી તહેરાન ખાતે હાજર રહેશે.

કોંગ્રેસ હાઈકમાન્ડે લીધો મોટો નિર્ણય

વિગતે વાત કરવામાં આવે તો, પૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે જણાવ્યું કે, તેઓ પક્ષ વતી સત્તાવાર પ્રતિનિધિ તરીકે ઈરાન જઈ રહ્યા છે. વાસ્તવમાં, ઈરાનની રાજધાની તહેરાન પ્રશાસન દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ અને નવનિર્વાચિત રાજ્યસભા સાંસદ પવન ખેડાને આ અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આ આમંત્રણ મળ્યાના બીજા જ દિવસે કોંગ્રેસ હાઈકમાન્ડે સલમાન ખુર્શીદને ઈરાન મોકલવાનો નિર્ણય લીધો છે.

ભારત સરકાર તરફથી કોણ જશે ઈરાન?

ઈરાન પ્રશાસન તરફથી આ રાજકીય અંતિમ સંસ્કાર માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, રાજદ્વારી પ્રોટોકોલ અને વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા નવી દિલ્હી વતી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય લેવાયો છે. ભારત સરકાર તરફથી બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન (નિવૃત્ત) અને કેન્દ્રીય પ્રધાન પવિત્ર માર્ગેરિટા તહેરાન જશે અને ભારત તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાનના આ સૌથી મોટા સરકારી કાર્યક્રમ પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.