અમદાવાદઃ લગભગ 30 વર્ષીય હિન્દુ મહિલાએ ત્રણ મુસ્લિમ ભાઈઓ અને તેમના કાકા સામે વારંવાર દુષ્કર્મ અને અત્યાચાર ગુજારવાની તેમ જ તેનાં બળજબરી ધર્માન્તરણની ફરિયાદ નોંધાવી હતી.
ધાનેરા પોલીસે 20 ઓગસ્ટના રોજ અખ્તર રાજબશાહ ફકીર, તેના ભાઈઓ આરિફ અને ઇલિયાસ રાજબશાહ ફકીર અને તેમના કાકા સલીમશાહ જુમાશાહ ફકીર વિરુદ્ધ મહિલાનાં ફરિયાદને આધારે કેસ નોંધ્યો હતો. જોકે હજુ કોઈ ધરપકડ ન કરી હોવાનું અને તપાસ ચાલી રહી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.
મહિલાની ફરિયાદ તે પતિથી અલગ રહે છે. આરોપી અખ્તર તેનાં પતિને ઓળખતો હતો અને તેણે મહિલાને તેનાં આરોગ્યને લગતા પ્રશ્નો માટે તાંત્રિક અંગે વાત કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે મહિલાએ અગાઉ એપ્રિલમાં અખ્તર અને તેના સંબંધીઓ સામે જાતીય શોષણની ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે અખ્તર અને અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેનાં આરોપ અનુસાર આરીફ અને ઇલિયાસ, જેઓ ફરાર હતા, તેમણે બાદમાં મહિલાને મારી નાખવાની અને તેની પુત્રીઓનું અપહરણ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેનાં પર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આ મામલાનું સમાધાન કરવા માટે સોગંદનામું દાખલ કરવા કથિત દબાણ કરવામાં આવ્યું હતું.
૧૬ જૂનના રોજ આરોપીઓ જેલમાંથી છૂટ્યા પછી, મહિલા અને અખ્તર ધાનેરા તાલુકાના પેંગિયા ગામમાં રહેવા ગયા હતા. જોકે, તેણે આરોપ લગાવ્યો કે અખ્તર ગર્ભવતી હોવાની જાણ હોવા છતાં તેને માર મારતો અને અન્ય પુરુષો સાથે ફોન પર વાત કરવા તેને દબાણ કરતો.
અખ્તરના ભાઈઓ અને કાકા તેનું શોષણ કરતા અને તેનાં પર ઈસ્લામ સ્વીકારવા માટે દબાણ કરતા હતાં. તેઓ એક મૌલવી પણ બોલાવી લાવ્યા હતા અને તેને નશાયુક્ત પીણું પીવડાવી નિકાહ પઢાવી તેનું નામ ફીઝા કરી નાખવામાં આવ્યું હતું. મહિલાની દીકરીઓના ધર્માન્તરણ માટે દબાણ કરતા હોવાનું તેણે જણાવ્યું હતું. આ સાથે તેણે બાળકને જન્મ આપ્યો ત્યારે નવજાત સાથે તેને ઘરમાંથી કાઢી મૂકતા મહિલાએ 181 હેલ્પલાઈનની મદદ લીધી હતી અને ત્યારબાદ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ બળાત્કાર, હુમલો અને ગુનાહિત ધાકધમકીનો ગુનો નોંધવામાં આવ્યો છે.