Sun Aug 23 2026

Logo

આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કૉમનવેલ્થની ભાલાફેંકમાં તમામ 11 હરીફને ઝાંખા પાડીને ગોલ્ડ જીત્યો

Glasgow   2026-08-01 12:54:00
Author: Ajay Motiwala
Article Image

Image Source: AP


ગ્લાસગો: સ્કૉટલૅન્ડમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં શુક્રવારે રાત્રે ભાલાફેંક (Javelin Throw)ની ફાઈનલમાં શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ભારતના નીરજ ચોપડા સહિત અનેક ચેમ્પિયનોને ઝાંખા પાડીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

છમાંથી પાંચ પ્રયાસમાં નિષ્ફ્ળ, છઠ્ઠો મેડલ વિજેતા

23મી કૉમનવેલ્થમાં ભાલાફેંકની ફાઇનલમાં 23 વર્ષનો રુમેશ થરંગા પથિરાગે છવાઈ ગયો હતો. નિયમ મુજબ ફાઇનલના તમામ 12માંથી દરેક સ્પર્ધક માટે કુલ છ રાઉન્ડ નિશ્ચિત હતા. જોકે ત્રણ રાઉન્ડને અંતે સૌથી ખરાબ પર્ફોર્મ કરનાર ચાર સ્પર્ધકને બહાર કરી દેવામાં આવ્યા હતા અને છેવટે એ રાઉન્ડ 12માંથી 8 સ્પર્ધકનો થઈ ગયો હતો.

નીરજ અને યશવીરને પાછળ રાખ્યા

રુમેશ (Rumesh) પથિરાગે આ તમામ સ્પર્ધકોમાં અજબ રીતે મોખરે રહ્યો હતો. રુમેશના છમાંથી પાંચ રાઉન્ડમાં ફાઉલ હતા. નિયમ એવો છે કે ભાલો ફેંકતી વખતે જો સ્પર્ધક નિર્ધારિત સ્ક્રેચ લાઈનને સ્પર્શ કરે કે લાઈન ઓળંગે અથવા બીજો કોઈ નિયમ તોડે તો એ ફાઉલ ગણાય છે. બીજી રીતે કહીએ તો એ પ્રયાસમાં તેણે જે ભાલો ફેંક્યો હોય એ પ્રયાસને નિષ્ફળ ગણવામાં આવે છે. રુમેશના છમાંથી પાંચ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. જોકે બીજા રાઉન્ડમાં તેણે ભાલો 89.75 મીટર દૂર ફેંક્યો હતો જે આખી ફાઈનલના તમામ 12 સ્પર્ધકમાં સર્વશ્રેષ્ઠ અંતર હતું જેને આધારે તેણે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ ફાઇનલમાં નીરજ ચોપડા 85.83 મીટરના સેકન્ડ બેસ્ટ થ્રો સાથે સિલ્વર મેડલ અને ભારતનો જ યશવીર સિંહ 85.41 મીટરના થર્ડ બેસ્ટ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

કોચના કહેવાથી ક્રિકેટનો બૉલ છોડીને ભાલો હાથમાં લીધો

રુમેશ થરંગા પથિરાગે અંડર-18 વર્ગની ક્રિકેટ રમતો ત્યારે તે ફાસ્ટ બોલર હતો. તે કલાકે 130થી 135 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતો હતો. ત્યારે એક સમયે તે શ્રીલંકાના વર્તમાન ફાસ્ટ બોલર અને આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમી ચૂકેલા એસાન મલિંગા પછી બીજા નંબરે આવ્યો હતો. એ સમયગાળા દરમ્યાન રુમેશને તેના કોચ ટૉની પ્રસન્નાએ ભાલાફેંકમાં કરીઅર બનાવવાની સલાહ આપી હતી. રુમેશે તેમની સલાહ માની લીધી હતી અને ભાલાફેંકમાં તાલીમ લેતો ગયો હતો.

મોટા ભાગની સ્પર્ધાઓમાં મેડલ જીત્યો

રુમેશ પથિરાગેનો રેકૉર્ડ છે કે તેણે જે મોટી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે એમાંથી મોટાભાગની સ્પર્ધાઓમાં તે મેડલ જીત્યો છે.