Tue Sep 01 2026

Logo

કાકાની પુત્રી સાથે પરણવાની જીદમાં ભત્રીજાનો ગોળીબાર: દાદા જખમી

2026-08-23 19:10:56
Author: Yogesh C. Patel
કાકાની પુત્રી સાથે પરણવાની જીદમાં ભત્રીજાનો ગોળીબાર: દાદા જખમી

બીડ: કાકાની પુત્રી સાથે પરણવાની જીદમાં ભત્રીજાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બીડ જિલ્લામાં બની હતી. આ હુમલામાં દાદાને ગંભીર ઇજા થઈ હોઈ પોલીસે યુવકની ધરપકડ કરી હતી.પરળી ગ્રામીણ પોલીસ અનુસાર ગોળીબારની ઘટના શુક્રવારની સાંજે પરળી વૈજનાથ તાલુકાના કોઢવા સ્વારગાંવ તાંડામાં બની હતી. આરોપી તેના કાકાની દીકરીના પ્રેમમાં પડ્યો હતો અને તેને પામવા પરિવારજનો પર વીફર્યો હતો.

પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપી અને પિતરાઈ બહેન બે વર્ષ અગાઉ ઘરથી ભાગી ગયાં હતાં. જોકે બાદમાં યુવતી આરોપીને છોડીને જતી રહી હતી, જેને પગલે ઑક્ટોબર, 2025માં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.તપાસ દરમિયાન પોલીસે આરોપી અને તેની પિતરાઈ બહેનને ગયા વર્ષના નવેમ્બરમાં શોધી કાઢી હતી. તે સમયે યુવતીએ આરોપી સાથે રહેવાનો ઇનકાર કરી દીધો હતો. પરિણામે યુવતી તેના વડીલો સાથે રહેવા લાગી હતી. પછી તેને પુણેમાં ભાઈને ઘેર રહેવા મોકલી દેવાઈ હતી, જેને પગલે પ્રેમિકાને અલગ કરી દીધી હોવાની વાત કરી આરોપી ગિન્નાયો હતો. 

પોલીસ ફરિયાદ અનુસાર બાદમાં આરોપીએ વારંવાર જાનથી મારવાની ધમકી આપતાં યુવતીના વડીલોએ અનેક વાર પોલીસ ફરિયાદ કરી હતી. આખરે શુક્રવારે આરોપી પિસ્તોલ સાથે આવ્યો હતો. ડરના માર્યા કાકાનો પરિવાર ઘરમાં જતો રહ્યો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો. આરોપીએ ત્રણથી ચાર રાઉન્ડ દરવાજા પર ફાયર કર્યા હતા. આરોપીના વડીલોએ મધ્યસ્થીનો પ્રયાસ કર્યો હતો. એક ગોળી આરોપીના દાદાની આંખ પાસે ઘસાઈને પસાર થઈ ગઈ હતી, જેને પગલે તે લોહીલુહાણ થઈ ગયા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગોળીબાર પછી પણ આરોપીએ કાકાના પરિવારને પતાવી નાખવાની ધમકી આપી હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી આરોપીને તરત જ તાબામાં લીધો હતો. (પીટીઆઈ)