કૌશિક મહેતા
ડિયર હની,
પુરુષ અને સ્ત્રી... કોણ કોનાથી ડરે છે? આવા સવાલનો સાદો સરળ જવાબ હોય છે પુરુષ સ્ત્રીથી ડરતો હોય છે. જોકે, આ વાયકા પુરુષપ્રધાન સમાજની છે. એક જોક છે, કોઈ પતિને પુછાયું કે, તમારે અને પત્ની વચ્ચે ઝઘડો થાય તો સૉરી કોણ કહે? પતિએ કહ્યું, હું જ કહું ને! આ જોક રદી લાગે પણ બહુ વાયરલ થયેલો છે. જોકે મેં એવા ઘણા બહાદુરોને જોયા છે કે જે બહાર તો સિંહ થઈને ફરતા હોય પણ ઘરમાં એમનું ચાલે નહિ.
સૌરાષ્ટ્રના એક બળુકા રાજકારણી આજે સદેહે નથી પણ એમની જાહેરજીવનમાં જે છાપ હતી એ ઘરમાં જરાય નહોતી. પત્નીનો ફોન આવે તો પણ એ શિસ્તમાં આવી જતા. અલબત, આપણી વચ્ચે કોઈ એવી સમસ્યા નથી, પણ સાવ સાચું કહું તો મનેય તારાથી થોડો થોડો ડર તો લાગે જ છે. તું જ્યારે ગુસ્સે થાય ત્યારે હું તારી આસપાસ થોડો સમય ફરકતો નથી. ગુસ્સો ઓસરે એની રાહ જોઉ છું.
આ વાત કેમ યાદ આવી? એવો પ્રશ્ન થશે તને. એનું કારણ એ છે કે, યુરોપમાં એક એવું સંશોધન થયું છે જેનું તારણ છે કે પક્ષીઓ પુરુષ કરતાં સ્ત્રીથી વધુ ડરે છે. હા, આ કોઈ ટાઢા પો’રની ગપ નથી. ફેબ્રુઆરી 2026માં થયેલું સંશોધન છે. ‘ચેક યુનિવર્સિટી ઑફ લાઇફ સાયન્સિસ’ના સંશોધક ડૉ. યાનિના બેનેડેટ્ટી અને તેમની આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે આ વિષય પર ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. તને થશે કે, આ બધી વાત વાહિયાત છે, પણ સંશોધન જે રીતે થયું છે અને એનાં તારણો આવ્યાં છે એ રૂઢ થયેલી વાતોનો છેદ ઉડાડે એવા છે.
વૈજ્ઞાનિકોએ યુરોપના પાંચ દેશ (ચેક રિપબ્લિક, ફ્રાન્સ, જર્મની, પોલૅન્ડ અને સ્પેન)ના શહેરી વિસ્તારો અને બગીચાઓમાં 37 જુદી-જુદી પક્ષીની પ્રજાતિઓ (જેમ કે ચકલી, કબૂતર, કાગડા, બ્લૅકબર્ડ વગેરે) પર 2,700 કરતાં વધુ વખત પ્રયોગો કર્યા. આ પ્રયોગમાં સમાન હાઇટ અને એક સરખાં કપડાં પહેરેલાં પુરુષો અને સ્ત્રીઓને પક્ષીઓ તરફ એક સીધી રેખામાં ચાલવા માટે કહેવામાં આવ્યું હતું. પક્ષીઓ માણસને જોઈને કેટલા અંતરેથી ભાગી જાય છે તેને ‘ફ્લાઇટ ઇનિશિયેશન ડિસ્ટન્સ’ કહેવાય છે.
સંશોધનમાં જાણવા મળ્યું કે પક્ષીઓ સ્ત્રીઓની હાજરીથી વધુ ડરે છે અને તેમનાથી વહેલા ભાગી જાય છે. સ્ત્રીની સરખામણીમાં, પક્ષીઓ પુરુષોને સરેરાશ 1 મીટર (આશરે 3 ફૂટ) વધુ નજીક આવવા દે છે! આ પરિણામ કોઈ એક દેશ પૂરતું નહીં, પરંતુ પાંચેય દેશોમાં અને તમામ 37 પ્રજાતિઓમાં એકસરખું જોવા મળ્યું હતું...!
આ સંશોધનના સહ-લેખક અને લોસ એન્જલસની ‘યુનિવર્સિટી ઑફ કેલિફૉર્નિયા’ના પ્રોફેસર ડેનિયલ બ્લમસ્ટીને જણાવ્યું કે પરિણામો સો ટકા સાચાં છે, પરંતુ હાલમાં વિજ્ઞાન પાસે એનો કોઈ ચોક્કસ જવાબ નથી કે આવું શા માટે થાય છે? (આમેય સ્ત્રીઓને કોણ જાણી-પારખી શક્યું છે!) અલબત, સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે ઇતિહાસમાં પુરુષો શિકાર કરતા હોવાથી પક્ષીઓ તેમનાથી ડરશે, પરંતુ અહીં પરિણામ તદ્દન ઊલટું આવ્યું છે.
સવાલ એ છે કે, પક્ષી સ્ત્રીથી વધુ કેમ ડરે છે? વૈજ્ઞાનિકો હાલમાં કેટલીક ધારણાઓ લગાવી રહ્યા છે કે, સ્ત્રી અને પુરુષનો ચાલવાનો અંદાજ, કમરનું હલનચલન અને પગલાંની લયમાં જે બારીક તફાવત હોય છે તેને પક્ષીઓ ખૂબ ઝડપથી પકડી લે છે. સ્ત્રીની ચાલવાની પૅટર્ન તેમને વધુ જોખમી લાગતી હોઈ શકે. પક્ષીઓની સૂંઘવાની શક્તિ પણ તીવ્ર હોય છે, કદાચ સ્ત્રીઓના શરીરના કોઈ ચોક્કસ હૉર્મોન્સ કે ગંધને તે જોખમની નિશાની માનતાં હોય. આ ઉપરાંત શરીરના હાવભાવ કે જોવાની રીતમાં રહેલા કોઈ એવા સૂક્ષ્મ સંકેત હોઈ શકે છે જે માણસો પારખી શકતા નથી, પણ પક્ષીઓની તીક્ષ્ણ નજર પકડી પાડે છે.
ડૉ. યાનિના બેનેડેટ્ટીએ નોંધ્યું છે કે આ સંશોધન પર્યાવરણ અને પક્ષીઓના વર્તનને સમજવા માટે એક નવો વળાંક આપશે, કારણ કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો પ્રયોગ કરનાર માણસ પુરુષ છે કે સ્ત્રી તેને મહત્ત્વના પરિબળ તરીકે ગણતા નહોતા. હવે આ સંશોધનના પગલે બીજાં પણ સંશોધન થશે, કારણ કે વિજ્ઞાન ચોક્કસ પુરાવા માગે છે.
સ્ત્રીને પારખવી મુશ્કેલ છે એવું જ્ઞાનીઓ કહેતા રહ્યા છે. સંસ્કૃત સાહિત્યમાં પણ એક પ્રખ્યાત પંક્તિ છે, ‘ત્રિયા ચરિત્રં પુરુષસ્ય ભાગ્યં, દેવો ન જાનાતિ કુતો મનુષ્ય:’ એટલે કે સ્ત્રીનું ચરિત્ર અને પુરુષનું ભાગ્ય દેવો પણ નથી જાણી શકતા, તો માણસની શું વિસાત! એમ પણ માનવામાં આવે છે કે, સ્ત્રીની અંત:પ્રેરણા અથવા સિક્સ્થ સેન્સ ખૂબ જ તીવ્ર હોય છે. કોઈ વ્યક્તિના ઇરાદા કે ઘરની પરિસ્થિતિને તેઓ પુરુષો કરતાં ઘણી વહેલી પારખી લે છે. પુરુષો જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પુરાવા કે તર્ક શોધતા હોય ત્યારે સ્ત્રી પોતાની કોઠાસૂઝથી તેનો નિર્ણય લઈ લેતી હોય છે. આ જ કારણે પુરુષને તેમનો નિર્ણય અકળ લાગે છે.
એટલે બીજી બધી વાતોને બાજુમાં મુકીએ, કવિઓની વાત માનીએ. કવિઓ કહે છે કે ‘સ્ત્રી એ કોઈ ગણિતનો કોયડો નથી જેને ઉકેલવાનો હોય, પણ એ તો સંગીતની એક સુંદર ધૂન છે જેને માત્ર અનુભવવાની હોય.!’
સત્ય વચન સત્ય વચન!
તારો બન્ની