Fri Jun 19 2026

Logo

અયોધ્યામાં રામ મંદિરમાં થયેલી દાનની ચોરીના આરોપો પર શું બોલ્યા સીએમ યોગી?

2026-06-19 13:10:00
Author: Vimal Prajapati
Article Image

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યા જિલ્લાના રુદૌલી વિધાનસભા ક્ષેત્રમાં એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન જનમેદનીને સંબોધતા રામ મંદિરમાં થયેલી દાનની ચોરીના આરોપો પર અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સીએમ યોગીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, રામ મંદિર માટે 500 વર્ષ સુધી સંઘર્ષ થયો છે, તેથી કોઈ પણ વ્યક્તિ અયોધ્યાને બદનામ કરવાનો પ્રયાસ ન કરે. જો કોઈની પાસે ભ્રષ્ટાચારના પુરાવા હોય તો તે સીધા એસઆઈટી (SIT) ને સોંપે. જેમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 

‘રામભક્તો પર ગોળી ચલાવનારાઓ માત્ર બદનામ કરવાનું કામ કરે છે’

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિપક્ષ, ખાસ કરીને સમાજવાદી પાર્ટી પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આરોપ લગાવનારા લોકોનો ઈતિહાસ અને આચરણ આખાય સમાજની સામે છે. આ એ જ લોકો છે જેમણે ભૂતકાળમાં રામભક્તો પર ગોળીઓ ચલાવી હતી અને ‘શ્રી રામ’ બોલવા પર લાઠીચાર્જ કરાવ્યો હતો. પ્રભુ શ્રી રામના અસ્તિત્વ સામે કોર્ટમાં કેસ લડનારા લોકો આજે માત્ર અયોધ્યાને બદનામ કરવાનું રાજકારણ રમી રહ્યા છે.

 

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, ટ્રસ્ટની માંગણી પર જ અમે આ મામલે એસઆઈટી (SIT) ની રચના કરી છે. ખૂબ જ ટૂંક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોઈ પણ ગુનેગાર બચશે નહીં તે સંપૂર્ણપણે નક્કી છે. સીએમ યોગીએ રાજકીય પક્ષોને નસીહત આપી છે કે જ્યાં સુધી એસઆઈટીનો સત્તાવાર તપાસ અહેવાલ ન આવે ત્યાં સુધી આ મામલે બિનજરૂરી નિવેદનબાજી કરીને કોઈના પણ ચારિત્ર્ય હનનનો પ્રયાસ કરવામાં ન આવે.

જનતાને કરી સાવધ રહેવાની અપીલ

વધુમાં તેમણે ઉમેર્યું કે, દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી અને ફરજ નિભાવવી પડશે, તો જ અયોધ્યા અને દેશનો વિકાસ શક્ય બનશે. તેમણે લોકોને અપીલ કરી છે કે માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે પવિત્ર અયોધ્યા નગરીનું અપમાન કરનારા તત્વોથી જનતા હંમેશા સાવધાન રહે!