Thu May 28 2026

Logo

CM બન્યા બાદ સી. જોસેફ વિજયની PM મોદી સાથે દિલ્હીમાં પહેલી મુલાકાત, જાણો શું કરી ચર્ચા?

2026-05-27 21:41:32
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ તમિલનાડુ રાજ્યના નવા મુખ્યમંત્રી વિજયે નવી દિલ્હીમાં વડા પ્રધાન મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે વડા પ્રધાન મોદીને કહ્યું કે, કેન્દ્ર તરફથી તમિલનાડુ, કેરળ અને પોંડીચેરીની સહમતી વગર કર્ણાટકના પ્રસ્તાવિત મેકેદાતુ ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં ન આવે. તમિલનાડુ રાજ્યની સત્તા સંભાળ્યા બાદ મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી.આ દરમિયાન તેમણે કર્ણાટકના મેકેદાતુ ડેમ પ્રોજેક્ટને લઈ અનેક એવા વિષય પર ગંભીર ચર્ચા-વિચારણા કરી હતી. 

વડા પ્રધાનને કરી મહત્ત્વની અપીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા તેમણે કહ્યું કે, મેકેદાતુ ડેમની અપીલ પાછળ ત્રણ રાજ્યના ખેડૂતોમાં ઊભી થતી ચિંતાને જવાબદાર ગણાવી હતી. વિજયે કહ્યું કે, કર્ણાટક રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર તરફથી મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ માટે ભૂમિ પૂજાનું આયોજન કરવા એલાન કરવામાં આવ્યું છે. કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલના અંતિમ નિર્ણય અને સુપ્રીમ કોર્ટના આદેશની વિરૂદ્ધમાં છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય અને કેન્દ્રીય જળ આયોગને એવો આદેશ આપો કે, તેઓ તમિલનાડુ, કેરળ અને પોંડીચેરીમાં સહમતી વગર કર્ણાટકમાં ડેમ પ્રોજેક્ટને કોઈ રીતે મંજૂરી ન આપે. આ મુલાકાત દરમિયાન વિજયે મોદી સમક્ષ તમિલનાડુ રાજ્યના ગીત તમિલ થાઈ વઝથુના તમામ સરકારી કાર્યક્રમની શરૂઆતમાં ગાવાનો પણ મુદ્દો ઊઠાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે સ્પષ્ટીકરણ માગ્યું કે, રાજ્યના તમામ સરકારી કાર્યક્રમોની શરૂઆત પહેલા આ ગીતને ગાવામાં આવે. આ માટે ખાસ મંજૂરી આપવામાં આવે. 

મુખ્યમંત્રી તરીકે આવ્યા બાદ પહેલી મુલાકાત
પરંપરા અનુસાર તમિલનાડુના તમામ સરકારી કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યનું ગીત ગાવામાં આવે છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી એક વધારે સૂચના જાહેર કરવામાં આવી છે કે,જેમાં એવું કહેવામાં આવ્યું કે, તમામ સરકારી કાર્યક્રમની શરૂઆતમાં જ રાષ્ટ્રીય ગીત વંદે મારતમ્ અને પછી રાષ્ટ્રગાન જન-ગણ મન ગાવામાં આવે. આ મુલાકાતને લઈને દક્ષિણ ભારતની રાજનીતિ સંબંધી અનેક એવી ચર્ચાઓ શરૂ થઈ છે. આ ઉપરાંત શ્રીલંકાની નૌસેના દ્વારા તમિલનાડુના માછીમારોની ધરપકડનો મુદ્દો પણ ઊઠાવ્યો હતો. મુખ્યમંત્રી બન્યા આ એમની વડા પ્રધાન મોદી સાથેની પહેલી મુલાકાત છે. મોદી અને વિજય વચ્ચે આશરે 25 મિનિટ સુધી બેઠક યથાવત રહી હતી. 16 એપ્રિલ 2014માં મોદી અને વિજય વચ્ચે મુલાકાત થઈ હતી.વડા પ્રધાન તરીકે 12 વર્ષ પૂરા થવાના એક દિવસ પહેલા વિજય અને મોદી વચ્ચે મુલાકાત થઈ છે.