ભુજઃ કચ્છ જિલ્લામાં સર્જાયેલી મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ વચ્ચે મેઘરાજાએ સંપૂર્ણ વિરામ લેતાં અપૂરતા વરસાદને કારણે પશુપાલકો અને પશુધન માટે કટોકટીપૂર્ણ સ્થિતિ નિર્માણ પામી રહી છે.
રણપ્રદેશમાં દિવસ દરમિયાન વાદળોની અવરજવર જળવાઈ રહે છે, પરંતુ વરસાદ વરસી રહ્યો નથી. હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી એક સપ્તાહ દરમિયાન સાર્વત્રિક કે ભારે વરસાદની શક્યતા નહિવત છે. વાદળછાયા વાતાવરણના કારણે મહત્તમ તાપમાન ગગડીને ૩૦થી ૩૨ ડિગ્રી નોંધાતાં બફારામાંથી આંશિક રાહત મળી હતી, પરંતુ વરસાદના અભાવે ખેડૂતો અને માલધારીઓમાં ચિંતા વ્યાપી છે.
ચોમાસાની ઋતુમાં પશુઓ માટે વિપુલ પ્રમાણમાં ઘાસચરો અને પાણી પૂરું પાડતા બન્ની વિસ્તારમાં આ વર્ષે ખાબોચિયાં કે તળાવો પણ ભરાયાં નથી. ભાતીગળ પ્રદેશ બન્નીની પ્રખ્યાત લાખેણી ભેંસો સહિતના વિશાળ પશુધન માટે પીવાના પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. વરસાદ સતત ખેંચાતાં આવનારા દિવસોમાં માલધારીઓ માટે પશુધનને બચાવવું અત્યંત મુશ્કેલ બની રહેશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં મેઘમહેર થઈ હતી. ખેડાના કપડવંજમાં 0.39 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 0.39 ઇંચ, તાપીના વાલોડમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો હતો.
(ઉત્સવ વૈદ્ય)