Sat Aug 29 2026

Logo

નાગપુરમાં ઘરેથી નીકળેલા બારમા ધોરણના વિદ્યાર્થીએ ભર્યું અંતિમ પગલું, જાણો સમગ્ર મામલો...

2026-03-17 21:27:15
Author: Mumbai Samachar Team
નાગપુરમાં ઘરેથી નીકળેલા બારમા ધોરણના વિદ્યાર્થીએ ભર્યું અંતિમ પગલું, જાણો સમગ્ર મામલો...

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. એમ્પ્રેસ મોલ સંકુલની અંદર બારમા ધોરણના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરીને મોતને વહાલું કર્યું છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ યશ સુનિલ ઝાડે તરીકે થઈ છે, જે માનેવાડાના જવાહર નગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે યશની પરીક્ષાઓ પહેલા જ પૂરી થઈ ગઈ છે. આમ છતાં, તે દરરોજ ઘરેથી પરીક્ષા આપવા જાઉં છું એમ કહીને નીકળતો હતો. આ ઘણા દિવસો સુધી ચાલ્યું, અને પરિવાર અજાણ રહ્યો. ઘટનાના દિવસે, તે પરીક્ષા હોવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.

યશ મોડી રાત સુધી પાછો ફર્યો નહીં. જ્યારે પરિવારે તેના મોબાઇલ ફોન પર ફોન કર્યો તો તે બંધ હતો. પરિવાર વધુ ચિંતિત થયો, અને અંતે તેણે હુડકેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. આ દરમિયાન, એમ્પ્રેસ મોલ સંકુલમાં તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા, જેનાથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. ગણેશપેઠ પોલીસ હાલમાં આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે યશ દરરોજ પરીક્ષા આપવાના બહાને ઘરેથી ક્યાં જતો હતો અને તે કયા દબાણ કે તકલીફમાં હતો. પોલીસ યશના પરિવાર અને મિત્રોની પૂછપરછ કરીને મામલાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.