(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગૅસ એજન્સીના કાંદિવલીમાં પાર્ક ટેમ્પોમાંથી 27 સિલિન્ડર ચોરનારા શખસને પોલીસે નાલાસોપારાથી પકડી પાડ્યો હતો. ચોરીના 60થી વધુ કેસમાં સંડોવાયેલો આરોપીએ અખાતના દેશોમાં ચાલતા યુદ્ધને કારણે સિલિન્ડરની અછતનો લાભ ઉઠાવી મોટી કમાણી કરવાને ઇરાદે સિલિન્ડરની ચોરી કરી હતી.ચારકોપ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મનોજ સુરેન્દ્ર શર્મા (32) તરીકે થઈ હતી. નાલાસોપારા પૂર્વમાં ધાનીવબાગ ખાતેની આદિશક્તિ સોસાયટીમાં રહેતા શર્મા પાસેથી ચોરીનાં 12 સિલિન્ડર હસ્તગત કરાયાં હતાં.
પોલીસના જણાવ્યા મુજબ ચોરીની ઘટના 25 માર્ચની મધરાતે બની હતી. આ પ્રકરણે મલાડમાં જય જનતા નગરમાં રહેતા અને સિલિન્ડર ડિલીવરીનું કામ કરતા નંદકુમાર સોની (35)એ ફરિયાદ નોંધાવી હતી. ચારકોપના શ્રીજી ગૅસ સર્વિસમાં કામ કરતો સોની બુકિંગ અનુસાર ટેમ્પોમાં સિલિન્ડર ભરી તે ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.કામનો સમય પૂરો થતાં 25 માર્ચની રાતે 11 વાગ્યાની આસપાસ ટેમ્પો ચારકોપના કાકા કેણી ચોક ખાતે પાર્ક કરી સોની ઘરે ગયો હતો. બીજી સવારે આઠ વાગ્યે સોની પાછો ફર્યો ત્યારે ટેમ્પોના શટરનું લૉક તૂટેલું હતું અને ટેમ્પોમાંથી 27 સિલિન્ડર ગુમ હતાં. આ પ્રકરણે ચારકોપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ટેમ્પો પાર્ક કરાયો હતો તેની આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે શંકાસ્પદ નાના ટેમ્પોને ઓળખી કાઢ્યો હતો. રજિસ્ટ્રેશન નંબરને આધારે ટેમ્પોને ટ્રેસ કરી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. પકડાયેલા આરોપી વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 60થી વધુ ચોરીના ગુના નોંધાયેલા છે. સિલિન્ડરની અછત વર્તાતી હોવાથી મોંમાગ્યા દામ મેળવવાની લાલચમાં આરોપીએ સિલિન્ડર ચોર્યાં હતાં, એવું પોલીસે જણાવ્યું હતું.