Sat May 02 2026

Logo

રેલવેની કમાણી, મુસાફરોની પરેશાની: મધ્ય રેલવેએ રૂ. 1.32 કરોડમાં ફેરિયાઓને આપ્યો કોન્ટ્રાક્ટ

2026-04-07 21:00:21
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: લોકલ ટ્રેનમાં દરરોજ ગીર્દી વધી રહી છે અને મુસાફરોને ઊભા રહેવાની પણ જગ્યા મળતી નથી, જેના કારણે અકસ્માતોમાં પણ વધારો થયો છે. મુસાફરોને સારી સુવિધા આપવાને બદલે મધ્ય રેલવેએ કલ્યાણથી સીએસએમટી વચ્ચે એક કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષ માટે ફેરિયા તરીકે વ્યવસાય કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. રેલવેના આ નિર્ણયથી પ્રવાસી સંગઠનોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

મધ્ય રેલવેએ વર્ષ ૨૦૨૩માં લોકલમાં ફેરિયાઓને સત્તાવાર રીતે વ્યવસાય કરવાની મંજૂરી આપવાની હિલચાલ કરી હતી. રેલવે પ્રવાસી સંગઠનનાં પદાધિકારી લતા અરગડે અને અન્ય પદાધિકારીઓએ રેલવેના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો, જેના કારણે તે સમયે આ વિષય બંધ થઈ ગયો હતો. હવે આ મુદ્દો ફરી ગાજ્યો છે. 

લોકલ ટ્રેનમાં બિનઅધિકૃત રીતે ખાદ્ય પદાર્થો અને ઘરગથ્થુ વપરાશની વસ્તુઓ વેચતા ફેરિયાઓ પર અંકુશ લાવવા તેમજ રેલવેની આવક વધારવા માટે મધ્ય રેલવેના કોમર્શિયલ પબ્લિસિટી વિભાગે ૬ નવેમ્બર ૨૦૨૫ના ભિવંડી કોનગાંવના એસ. એસ. એન્ટરપ્રાઇઝિસના પ્રમોટર કારેલ સલીમને ૨૨ ડિસેમ્બર ૨૦૨૫થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૮ સુધીના સમયગાળા માટે સીએસએમટી થી કલ્યાણ રેલવે લાઇન પર ખાદ્ય અને ઘરવપરાશની જીવનજરૂરી વસ્તુઓ વેચવા માટે ફેરિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ ફેરિયા લાઇસન્સ ફી દ્વારા રેલવેને દર વર્ષે ૪૪ લાખ એક હજાર રૂપિયા, આમ ત્રણ વર્ષની કુલ એક કરોડ ૩૨ લાખ ૩ હજાર રૂપિયા આવક થશે. 

કોન્ટ્રાક્ટરના ફેરિયાઓ ટી-શર્ટ અને ટોપી પહેરીને એક ચોક્કસ યુનિફોર્મમાં લોકલના તમામ ડબ્બાઓમાં સામાન વેચવાનો વ્યવસાય કરશે. આ કોન્ટ્રાક્ટ હેઠળ કોન્ટ્રાક્ટરના કુલ ૪૬ ફેરિયાઓ દરરોજ સીએસએમટીથી કલ્યાણ વચ્ચે વસ્તુઓ વેચશે.