નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઇ)એ આજે થાઇલેન્ડ અને જ્યોર્જિયાથી ઇન્ટરપોલ રેડ નોટિસનો સામનો કરી રહેલા બે કથિત ગુનેગારોને પરત લાવવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.
ફેડરલ એજન્સીએ સાયબર ક્રાઇમના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરવાના આરોપસર વોન્ટેડ ગણેશ બાલાસો કાલેનું થાઇલેન્ડથી પ્રત્યાર્પણ સુરક્ષિત કર્યું હતું. તેના વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ નોટિસ જારી થયાના ૨૦ દિવસની અંદર આ કાર્યવાહી કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે રેડ નોટિસ એ ઇન્ટરપોલના સભ્ય દેશ દ્વારા વોન્ટેડ વ્યક્તિને અટકાયતમાં લેવા માટે વિશ્વભરની કાયદા અમલીકરણ એજન્સીઓને કરવામાં આવતી આંતરરાષ્ટ્રીય વિનંતી છે.
સીબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું કે કાલે પર આ કૌભાંડમાં વિવિધ વ્યક્તિઓને સંડોવીને સાયબર આર્થિક ગુનેગારોનું નેટવર્ક ચલાવવાનો આરોપ છે. તેણે ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર માટે તેમના બેંક ખાતાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાના બદલામાં વ્યાજ/કમિશનનું વચન આપીને વ્યક્તિઓને લાલચ આપી અને ત્યારબાદ ઘણા લોકોને ઠગવા માટે આવા ખાતાઓનો ઉપયોગ કર્યો હતો.
એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે આરોપીએ સહ-આરોપીઓને મોબાઇલ ફોનની વ્યવસ્થા કરવા અને ગુનાઓને અંજામ આપવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા નકલી સિમ કાર્ડ મેળવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
તેમણે કહ્યું કે ૨૪ મેના રોજ રેડ નોટિસ જારી કરવામાં આવી હતી. જેના પગલે થાઇલેન્ડે ઝડપી કાર્યવાહી હાથ ધરતા કાલેને બેંગકોકમાંથી શોધી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે આથી સંબંધિત એજન્સી વચ્ચે અસરકારક આંતરરાષ્ટ્રીય સંકલન જોવા મળ્યું હતું.