Sun Oct 04 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 19 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-19 08:24:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ : 19 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-03-19 21:20:14

દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવાની વૈશ્વિક અપીલ

યુરોપિયન દેશ અને જાપાનના સંયુક્ત સ્ટેટમેન્ટમાં દુનિયાભરમાં વૈશ્વિક ઊર્જાના પુરવઠા સ્થિર રાખવાની સાથે જરુરિયાત પડે તો ઓઈલ સ્ટોક જારી કરવા તેમ જ અસરગ્રસ્ત દેશોને મદદ કરવાની અપીલ કરાઈ છે. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા અને દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવાની અપીલ કરવામાં આવી.

2026-03-19 20:55:53

ગુજરાતના 72 તાલુકાઓમાં કમોસમી વરસાદ

સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બગસરામાં 1.61 ઇંચ પડ્યો હતો. તે ઉપરાંત ચોટીલામાં 1.54 ઇંચ, રાજકોટ અને ભેંસાણમાં 1.38 ઇંચ,  ધોરાજી, ઉપલેટા, ભાભર અને ઓખામંડળમાં 0.79 ઇંચ, સાવર કુંડલાના 0.75 ઇંચ, ચુડા, લોધિકા, મુંદરા અને લાલપુરમાં 0.63 ઇંચ, વિસાવદર, ધારી અને કુંકાવાવ વડિયામાં 0.59 ઇંચ વરસાદ નોંધાયો હતો.

2026-03-19 20:37:55

ખાડી દેશોને ઈરાનની નવી 'ચેતવણી'

ઈરાનએ દુનિયાના સૌથી મોટા એનર્જી પ્લાન્ટને નિશાન બનાવ્યા પછી યુરોપિયન ગેસની કિંમત 35 ટકાનો વધારો થયો છે, ત્યારે ઈરાનના વિદેશ પ્રધાન અરાઘચીએ કહ્યું છે કે જો અમારા દેશ પર ફરી હુમલા થશે તો તહેરાન સંયમ જાળવશે નહીં. સંપૂર્ણ તાકાતથી ઈરાન હુમલાખોરો પર તૂટી પડશે.

2026-03-19 20:03:47

દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવાની વૈશ્વિક અપીલ

યુરોપિયન દેશ અને જાપાનના સંયુક્ત સ્ટેટમેન્ટમાં દુનિયાભરમાં વૈશ્વિક ઊર્જાના પુરવઠા સ્થિર રાખવાની સાથે જરુરિયાત પડે તો ઓઈલ સ્ટોક જારી કરવા તેમ જ અસરગ્રસ્ત દેશોને મદદ કરવાની અપીલ કરાઈ છે. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા અને દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવાની અપીલ કરવામાં આવી.

2026-03-19 19:43:11

ભારતીયો અફઘાનિસ્તાન પછી અને ઇંગ્લૅન્ડની પહેલાં આ દેશ સામે રમશે ટી-20 શ્રેણી

આઇપીએલની 19મી સીઝન 31મી મેએ પૂરી થયા બાદ જૂનમાં ભારતીય ક્રિકેટરો ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ અને ત્રણ વન-ડે રમશે ત્યાર બાદ ઇંગ્લૅન્ડમાં ટી-20 અને વન-ડે સિરીઝ રમવા જતાં પહેલાં આયરલૅન્ડમાં ટી-20 સિરીઝ રમશે. આયરલૅન્ડની ટીમ એ શ્રેણી નવા કૅપ્ટનના નેતૃત્વમાં રમશે. પૉલ સ્ટર્લિંગે તાજેતરના વર્લ્ડ કપમાં આઇરિશ ટીમના ખરાબ પર્ફોર્મન્સને પગલે ટી-20 ટીમની કૅપ્ટન્સી છોડી દેવાની જાહેરાત કરી દીધી છે. છેલ્લા સાત વર્ષમાં ભારતીયોએ ત્રણ વખત (2018, 2022, 2023) આયરલૅન્ડનો પ્રવાસ કર્યો છે.

2026-03-19 19:01:24

પીએમ મોદીએ ઓમાનના સુલ્તાન સાથે કરી વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલ્તાન અને મલેશિયાના વડા પ્રધાનની સાથે વૈશ્વિક હાલાત મુદ્દે ચર્ચા કરી, જેમાં ખાસ કરીને હોર્મુઝની ખાડીમાં સુરક્ષિત દરિયાઈ પરિવહન પર ભાર મૂકવામાં આવ્યો. ઈદની શુભેચ્છા સાથે ખાડી દેશોમાં શાંતિના નિર્માણ માટે ખાસ પ્રાથમિકતા આપવાની ચર્ચા કરી હોવાનું પીએમ મોદીએ જણાવ્યું.

2026-03-19 18:01:30

પશ્ચિમ બંગાળમાં ભાજપે બીજી યાદી બહાર પાડી

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ 111 ઉમેદવારની બીજી યાદી બહાર પાડી, જેમાં જાણીતી હસ્તીઓમાં અભિનેત્રી રુપા ગાંગુલી, આઈપીએસ રાજેશ કુમાર, શંકર અધિકારી, રેખા પાત્રા સહિત નિશીથ પ્રમાણિકને ઉમેદવાર જાહેર કર્યાં

2026-03-19 17:42:26

યુદ્ધવિરામના દાવા વચ્ચે પાક.નો અફઘાનિસ્તાન પર હુમલો

પાકિસ્તાને અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં જોરદાર બોમ્બમારો કર્યો હોવાનો આરોપ મૂક્યો છે. ઈદને કારણે હંગામી ધોરણે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, પરંતુ પાકિસ્તાની સેનાએ ઉલ્લંઘન કર્યું છે. આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, એમ જણાવાયું.

2026-03-19 17:41:37

સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 3 કલાક ભારે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

2026-03-19 17:39:54

ઈરાનના હુમલા પછી સાઉદી અરેબિયાએ આપી ધમકી

ખાડી દેશોની ઓઈલ-ગેસની રિફાઈનરી પર ઈરાનના હુમલા પછી સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ ઈરાનને ધમકી આપી છે અને કહ્યું છે કે અમારી સહનશક્તિ મર્યાદિત છે. અમને ઉશ્કેરશો નહીં તો લશ્કરી કાર્યવાહી કરતા ખચકાઈશું નહીં.

2026-03-19 15:14:07

ટ્રમ્પે 200 અબજ ડોલરના એક્સ્ટ્રા બજેટની કરી માગ

મિડલ ઈસ્ટમાં વધી રહેલા સંઘર્ષની અસર દુનિયા પર પડી છે, ત્યારે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 2,428 લોકોનાં મોત થયા છે અને ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર હુમલા જારી રાખવા માટે 200 અબજ ડોલરના એક્સ્ટ્રા બજેટની માગણી કરી.

2026-03-19 12:43:13

આસામમાં ભાજપે 88 ઉમેદવારોના નામ કર્યા જાહેર

આસામમાં 9 એપ્રિલ 2026ના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ અને સંપૂર્ણ યાદી એકસાથે જાહેર કરી છે. પાર્ટીએ 88 નામોની જાહેરાત કરી છે.  સીએમ હિંમતા બિસ્વા સરમા જાલુકબારી સીટથી ચૂંટણી લડશે.

2026-03-19 12:23:40

સુરતના વરાછામાં માતાએ મમતા લજવી

સુરતના વરાછામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા હતા. લીવ ઈનમાં રહેતી મહિલાએ તેની બે વર્ષની પુત્રીને સાવણી અને વેલણથી ફટકારી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.

2026-03-19 11:41:48

અમેરિકી સૈન્ય બેઝ પાસે શંકાસ્પદ ડ્રોન દેખાતા હડકંપ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ સંકટ વચ્ચે મોટા સમાચાર ક્ષામે આવ્યા છે. આજે એક શંકાસ્પદ ડ્રોન યુએસ સૈન્ય એઝ પાસે ફરતું જોવા મળ્યું હતું. જે બેઝ નજીક ડ્રોન ઉડતું હતું તે બેઝમાં જ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ડફેન્સ સેક્રેટરી પીટ હેગસેથના નિવાસસ્થાન છે. આ ઘટનાએ યુએસમાં ખળભળાટ મચાવી દીધો છે.

2026-03-19 11:07:04

અમદાવાદ: શાહીબાગ અંડરબ્રિજ આજથી ફરી 10 દિવસ માટે બંધ

અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ 19 થી 28 માર્ચ સુધી ફરી 10 દિવસ માટે બંધ રહેશે. આ સમયગાળામાં બપોરે અને રાત્રે વાહનોની અવરજવર પર રોક રહેશે, જ્યારે સવારે 12 થી સાંજના 5 વાગ્યા સુધી વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ રહેશે. આ નિર્ણય રેલવે ટ્રેકની રીપેરીંગ કામગીરીને કારણે લેવામાં આવ્યો છે.

2026-03-19 09:41:09

શેરબજારમાં 1600 પોઈન્ટનો કડાકો


 મિડલ ઇસ્ટમાં યુદ્ધને લઈ ભારતીય શેરબજાર ખુલતા જ કડાકો બોલ્યો હતો. સેન્સેકસમાં 1600 પોઇન્ટ તો નિફ્ટીમાં 485 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

2026-03-19 09:04:44

સુરતના કાપોદ્રામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 2 લોકોનાં મોત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ હતી. રચના સર્કલ પાસે આવેલા ભરતનગરમાં કારખાનાની અંદર રહેલા બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. જેમાં 2 વ્યક્તિનાં મોત થયા હતા. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

2026-03-19 09:04:12

રાજ્યના 10 તાલુકામાં કમોસમી વરસાદ

આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 10 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ધાનેરા અને લાખણીમાં સૌથી વધુ 0.24 ઇંચ,  બગસરામાં 0.16 ઇંચ, થરાદમાં 0.16 ઇંચ, સુઈગામમાં 0.16 ઇંચ, રાહમાં 0.16 ઇંચ, દીયોદરમાં 0.12 ઇંચ, ભાભરમાં 0.08 ઇંચ, વાવમાં 0.04 ઇંચ, ધરણીધરમાં 0.04 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો.

2026-03-19 08:36:55

ઈરાને કતારના રાસ લફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી પર કર્યો હુમલો

ઈઝરાયલી વાયુસેનાએ ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા 'સાઉથ પાર્સ' ગેસ ફિલ્ડ અને અસાલુયેહ શહેરની રિફાઈનરીઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલાથી ઉશ્કેરાયેલા ઈરાને કતારના રાસ લફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી પર 5 બેલિસ્ટિક મિસાઈલો દાગી છે. આ હુમલામાં તેમની મુખ્ય ગેસ સુવિધાને વ્યાપક નુકસાન થયું છે અને ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

2026-03-19 08:25:24

અમદાવાદના વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વહેલી સવારથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી રહી છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી થઈ રહી છે. શહેરમાં અમુક સ્થળોએ હોર્ડિંગ્સ પણ ઉખડી ગયા છે.