Wed Jun 10 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 09 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-09 08:15:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-09 22:04:45

મધ્યપ્રદેશમાં રાજયસભા માટે  મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, કોંગ્રેસ ભૂખ હડતાળ કરશે

દેશમાં રાજ્ય સભાની ચૂંટણી માટે ઉમેદવારીને લઇને રાજકીય પક્ષો સક્રિય છે. જોકે, આ દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જેમાં મધ્ય પ્રદેશમાંથી કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યું છે. આ મુદ્દે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. તેમજ આ અંગે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં બુધવારે ચૂંટણી પંચ વિરુદ્ધ  ભૂખ હડતાળ કરશે.

2026-06-09 21:14:15

અલ્હાબાદ હાઈકોર્ટનો  મોટો ચુકાદો, કહ્યું કાયદાની પ્રક્રિયા વિના કોઈને પણ જેલમાં મોકલી શકાય નહિ

અલ્હાબાદ હાઈકોર્ટે નાગરિક સ્વતંત્રતા મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે પોલીસ દ્વારા શાંતિ ભંગના આરોપ બદલ વ્યકિતની ધરપકડને અયોગ્ય ઠેરવી હતી. તેમજ કહ્યું હતું કે નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી છે અને કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈને પણ જેલમાં મોકલી શકાય નહિ. કોર્ટે આ કેસમાં પીડિત નાગરિકને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. આ રકમ એસીપીના પગારમાંથી વસૂલવા પણ જણાવ્યું છે.

2026-06-09 20:04:46

પશ્ચિમ બંગાળમાં દીધા જગન્નાથ મંદિરથી દૂર કરાશે" ધામ" શબ્દ,  શ્રી જગન્નાથ સાંસ્કૃતિક કેન્દ્રથી ઓળખાશે

પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી  દીધા સ્થિત જગન્નાથ મંદિરના નામમાં ધામ શબ્દના ઉપયોગને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે ઓડિસા સરકારે પણ જણાવ્યું હતું કે આ નામ ધાર્મિક પરંપરા મુજબ નથી. જેના પગલે હવે પશ્ચિમ બંગાળ સરકારે દીધા સ્થિત જગન્નાથ મંદિરમાંથી ધામ શબ્દ દૂર કરવાનો નિર્ણય લીધો છે. તેમજ હવે આ મંદિર "શ્રી જગન્નાથ સાંસ્કૃતિક કેન્દ્ર" નામથી ઓળખાશે.

2026-06-09 18:44:33

હવાઈ મુસાફરોને રાહત, ત્રણ વર્ષ સુધી નહિ વધે જેટ ફ્યુલના ભાવ

મિડલ ઈસ્ટમાં સતત યુદ્ધના માહોલ વચ્ચે વિમાનમાં વપરાતા જેટ ફ્યુલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જોકે, કેન્દ્ર સરકારના એક મહત્વના નિર્ણયના લીધે હવાઈ મુસાફરોને રાહત મળી છે. કેન્દ્ર સરકારે 10,000 કરોડના એટીએફ(એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) ફંડને મંજૂરી આપી છે. જેના લીધે મુસાફરો અચાનક ભાવ વધારાથી બચી શકશે. આ યોજના  હેઠળ સ્થાનિક એરલાઇન્સને ત્રણ વર્ષ સુધી નિશ્ચિત ભાવે ઇંધણ આપવામાં આવશે.

2026-06-09 17:59:09

મમતા બેનર્જીની મુશ્કેલી વધી, નકલી સહીના કેસમાં સીઆઇડી ક્રાઇમ ટીએમસી કાર્યાલયમાં પ્રવેશી

પશ્ચિમ બંગાળમાં ટીએમસી ધારાસભ્યો દ્વારા વિધાનસભાના નકલી સહીના કેસમાં તપાસનો ધમધમાટ વધ્યો છે. આ કેસમાં હવે સીઆઇડી ક્રાઇમની ટીમ ટીએમસી ઓફિસ પહોંચી છે. આ કાર્યવાહી સાંસદ અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીના નિવેદનના આધારે કરવામાં આવી રહી છે. સીઆઇડીની ટીમે કાર્યાલયમાં તપાસ હાથ ધરી હતી.

2026-06-09 17:51:44

સિરાજ માટે પણ હવે વર્કલૉડ મૅનેજમેન્ટઃ પ્રસિદ્ધ ક્રિષ્ના આયરલૅન્ડ-ઇંગ્લૅન્ડ જશે

જસપ્રીત બુમરાહની માફક હવે મોહમ્મદ સિરાજને પણ વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને પગલે તેને આ મહિને આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડના ટી-20 પ્રવાસે નહીં લઈ જવામાં આવે અને તેના સ્થાને પ્રસિદ્ધ ક્રિષ્નાને મોકલવામાં આવશે. આગામી આંતરરાષ્ટ્રીય સીઝન ખૂબ લાંબી છે અને સિરાજને થોડો સમય આરામ કરવાની સલાહ બીસીસીઆઇની મેડિકલ ટીમે આપી છે. આઇપીએલ પહેલાં છેલ્લી ઘડીએ સિરાજનો સમાવેશ ટી-20 વર્લ્ડ કપની ટીમમાં કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તે આઇપીએલમાં 17 મૅચ રમ્યો જેમાં તેણે કુલ 19 વિકેટ લીધી હતી. તે સોમવારે ન્યૂ ચંડીગઢમાં પૂરી થયેલી અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં પણ રમ્યો હતો. આ ટેસ્ટમાં તેને ઓછી ઓવર અપાઈ હતી અને તેણે એક વિકેટ લીધી હતી.

2026-06-09 17:40:41

ઇન્ડિયા-એની મૅચ આઇપીએલ જેવી રોમાંચક થઈ ગઈ

દામ્બુલામાં શ્રીલંકા-એ સામે ઇન્ડિયા-એની વન-ડે મૅચ રમાઈ રહી છે, પરંતુ એ આઇપીએલના ટી-20 મુકાબલા જેવી રસાકસીભરી અને રોમાંચક થઈ ગઈ છે. ભારતીય ટીમે યજમાન ટીમને 278 રનનો લક્ષ્યાંક આપ્યો છે અને એણે પાંચ વિકેટ ગુમાવીને 234 રન કર્યા છે અને હવે 44 બૉલમાં 42 રન કરવાના બાકી છે. પાંચમાંથી બે વિકેય આયુષ બદોનીએ, બે વિકેટ નવોદિત અનુકૂલ રૉયે અને એક વિકેટ વિપ્રજ નિગમે મેળવી છે. ભારતની ઇનિંગ્સમાં ઋતુરાજ ગાયકવાડ (101 રન) અને કૅપ્ટન તિલક વર્મા (60 રન)ના સૌથી મોટા યોગદાન હતા.

2026-06-09 16:27:26

ટીએમસી નેતા જહાંગીર ખાનને કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા

પશ્ચિમ બંગાળના દક્ષિણ પરગણાના ટીએમસી નેતા જહાંગીર ખાનને કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જહાંગીર ખાનની  સોમવારે ભારત-નેપાળ સરહદ પર ધરપકડ કરવામાં આવી હતી. જેને આજે  ડાયમંડ હાર્બર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

2026-06-09 15:58:35

વન-ડેમાં ઇન્ડિયા-એના ઋતુરાજની સદી, શ્રીલંકા-એની બે વિકેટ પડી

દામ્બુલામાં શ્રીલંકા-એ સામેની વન-ડે મૅચમાં ઇન્ડિયા-એની ટીમે છ વિકેટે 277 રન બનાવીને જીતવા 278 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યાર બાદ યજમાન ટીમનો બાવીસમી ઓવરમાં સ્કોર બે વિકેટે 109 રન હતો. શ્રીલંકન ટીમની બન્ને વિકેટ ઑફ સ્પિનર આયુષ બદોનીએ લીધી હતી. એ પહેલાં, ઇન્ડિયા-એ ટીમ વતી ઋતુરાજ ગાયકવાડે (101 રન, 114 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) સદી ફટકારી હતી. તેની અને કૅપ્ટન તિલક રાજ (60 રન, 97 બૉલ, એક સિક્સર, બે ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 150 રનની ભાગીદારી થઈ હતી. વૈભવ સૂયવંશી માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

2026-06-09 15:51:26

રાજેશ એક્સપોર્ટ્સના ચેરમેને સેબીના આરોપ નકાર્યા, કહ્યું કોઇ ફંડ ડાયવર્ઝન નથી થયું

સેબી દ્વારા 15.15 લાખ કરોડની આવકની હેરાફેરી અને છેતરપિંડીના આરોપમાં ઘેરાયેલી રાજેશ એક્સપોર્ટ્સના ચેરમેન રાજેશ મહેતાએ ફંડ ડાયવર્ઝનના આરોપ નકાર્યા છે. તેમણે જણાવ્યું છે કે સેબીની એન્ટ્રી ખોટી રીતે સમજી છે. તેમજ કહ્યું કે તેમની પેટા કંપની ACC એનર્જીમાં ફંડ ડાયવર્ઝન કરવામાં નથી આવ્યું. સેબી દ્વારા કંપની અને તેના પ્રમોટર ચેરમેન રાજેશ મહેતા પર વચગાળાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

2026-06-09 15:14:45

ગુજરાતમાં નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે 11 જૂનથી પાણી છોડવામાં આવશે

ગુજરાતમાં સરકારે  ખેડૂતોના વિશાળ હિતમાં 11મી જૂન ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ અંગે નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી.

2026-06-09 14:55:03

જળગાંવમાં અકસ્માતમાં છ લોકોના મોત

ગુજરાતના વ્યારાનો પરિવાર જળગાંવના અમલનેરમાં સગાઈ સમારોહમાં જઈ રહ્યો હતો ત્યારે કાળનો કોળિયો બન્યો. સવારે સાત વાગ્યે અમલનેર-ધુળે રોડ પર કાર અકસ્માતનો ભોગ બન્યો હતો, જેમાં છ લોકોનાં મોત થયા છે.

2026-06-09 13:08:22

જયપુરમાં મોટી દુર્ઘટના! ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ ના મોત

જયપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં ૩ લોકોના મોત નીપજ્યા છે અને ૫ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ આગ શહેરના 'ખો નાગોરિયાન' વિસ્તારમાં લાગી હતી, જ્યાં હાલમાં બચાવ કામગીરી (રેસ્ક્યુ ઓપરેશન) ચાલુ છે. ફાયર બ્રિગેડ અને સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે રાહત કામગીરીમાં લાગેલી છે.

2026-06-09 13:06:20

આબુમાં લગ્ન સમારંભમાં ગુજરાતી યુવકની હત્યા

આબુ રોડ નજીક ઉપલાખેજ ગામમાં લગ્ન સમારંભમાં ગુજરાતી યુવકની હત્યા થઈ હતી. 19 વર્ષીય કાંતિભાઈ પર છરીથી હુમલો થયોહતો.યુવકનું વધુ પડતાં રક્તસ્રાવથી મોત થયું હતું. હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. મૃતક ગુજરાતથી લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

2026-06-09 10:44:01

AAP નેતા સંજીવ અરોરા કેસમાં EDની કાર્યવાહી

આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સંજીવ અરોરા સાથે જોડાયેલા કેસમાં ED એ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ દિલ્હી-નોઇડા સહિત દેશના ચાર રાજ્યોના અલગ-અલગ શહેરોમાં ઉપરાછાપરી દરોડા પાડ્યા છે. ઇડીની ટીમોએ એકસાથે અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમગ્ર એક્શન મની લોન્ડરિંગ એટલે કે નાણાંની ગેરકાયદેસર હેરાફેરી સાથે જોડાયેલું છે.

2026-06-09 09:20:32

ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવનું નિધન

ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી કિડનીની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા.  ગાંધીનગરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

2026-06-09 08:55:43

ક્યુબામાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ : ફ્લોરિડા સુધી આંચકા અનુભવાયા


આજે ક્યુબાના પશ્ચિમ કિનારે 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનાથી અનેક વિસ્તારોમાં ઇમારતો હચમચી ગઈ હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે ફ્લોરિડાના કેટલાક ભાગોમાં પણ આંચકા અનુભવાયા હતા. જોકે, કોઈ ઈજા કે મોટા નુકસાનના હજુ સુધી કોઈ અહેવાલ નથી.

2026-06-09 08:17:41

ભારતીયો માટે ગુડ ન્યૂઝ, H-1B વીઝા પર 1 લાખ ડૉલરની ફી અમેરિકી કોર્ટે કરી રદ, ટ્રમ્પને ઝટકો

નવી દિલ્હીઃ અમેરિકામાં કામ કરવાનું સપનું જોઈ રહેલા ભારતીયો માટે એક સારા સમાચાર છે. એક અમેરિકી ફેડરલ જજે સોમવાર, 8 જૂનના રોજ ટ્રમ્પ પ્રશાસન દ્વારા નવા H-1B વિઝા પર લાદવામાં આવેલી 1 લાખ ડોલર (આશરે 96 લાખ રૂપિયા)ની ફી રદ કરી દીધી છે. આ નિર્ણયને ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર માટે બહુ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.