દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
ઇન્ડિગોના સીઇઓ પીટર આલ્બર્સે રાજીનામું આપ્યું
ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના સીઇઓ પીટર આલ્બર્સે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં ઇન્ડિગોએ હજારો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 10 માર્ચે તેમની શિફ્ટ પૂર્ણ કર્યા પછી પીટર આલ્બર્સ તેમની સેવાઓમાંથી મુક્ત થશે.
લેબનોનમાં 24 કલાકમાં 1 લાખથી વધુ લોકો વિસ્થાપિત
સંયુક્ત રાષ્ટ્રસંઘે આજે કહ્યું કે મિડલ ઈસ્ટના યુદ્ધને વચ્ચે લેબનોનમાં માત્ર 24 કલાકમાં 1 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સીએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં લેબનોનમાં 6.67 લાખથી વધુ લોકોએ ઓનલાઈન પ્લેટફોર્મ પર વિસ્થાપિત થયાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે એક જ દિવસમાં એક લાખ વધ્યા છે.
ઈરાનની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી, કહ્યું અમને ખતમ કરતા કરતા પોતાનો અંત ના આવી જાય
ઈરાન અને અમેરિકા વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હવે મિસાઈલ અને ડ્રોન એટેક બાદ શાબ્દિક યુદ્ધ પણ વધ્યું છે. જેમાં ઈરાની સેનાના ટોચના અધિકારીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે એવું ના થાય કે અમને ખતમ કરવાના ઉન્માદના તમારો અંત ના આવી જાય. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાની ઠેકાણાઓ પર હુમલા અને ઈરાનની બદલાની કાર્યવાહી બાદ આ ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાને કહ્યું છે કે જો અમેરિકા હુમલાઓ ચાલુ રાખશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
કેન્દ્ર સરકારે ચીન સહિતના દેશો માટે FDIના નિયમો હળવા કર્યા
કેન્દ્ર સરકારે અનેક દેશો માટે ભારતમાં રોકાણ કરવાના નિયમો હળવા કર્યા છે. જેના લીધે દેશના રોકાણ વધી શકે અને વિકાસને વેગ મળે. આ અંગે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ચીન સહિતના દેશો માટે એફડીઆઈ(FDI)ના નિયમો હળવા કરવામાં આવ્યા છે.
અમેરિકાની ઈરાનને નવી ચેતવણી
ઈરાન પર ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત યુદ્ધને કારણે મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે, જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ પરિવહન પર ગંભીર અસર ઊભી થઈ છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને એવિયેશનને અસર થયા પછી હવે અમેરિકાએ ઈરાનને નવી ચેતવણી આપતા કહ્યું છે કે જો ઓઈલનો પુરવઠો બંધ થયો તો વધુ આક્રમક હુમલા કરીશું.
રિજ્જુનો વિપક્ષ પર પ્રહાર
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે બંને પક્ષે આરોપ-પ્રત્યારોપ કરવામાં આવ્યા. વિપક્ષને જવાબ આપતા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજ્જુએ કહ્યું કે જૂની સંસદમાં એક વાર અફઝલ ગુરુને ફાંસી આપવાના નારા લગાવવામાં આવ્યા હતા, ત્યારે અડવાણીએ અમને ટોક્યા હતા અને એ સમય 2004નો નવેમ્બર હતો, પણ આજે તો લોકો વડા પ્રધાનની સામે ધસી આવે છે.
ઈરાન પર હુમલા બાદ અમેરિકા બેકફૂટ પર, ડોનાલ્ડ ટ્રમ્પ શોધી રહ્યા છે સમાધાનનો માર્ગ
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કર્યાનો આજે 11 મો દિવસ છે. જોકે, 10 દિવસના યુદ્ધ બાદ ઈરાન ઝુકવાનું નામ નથી લઈ રહ્યું. તેમજ ઇઝરાયલ અને આસપાસના દેશો પર સતત હુમલા કરી રહ્યું છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલાના 10 દિવસ બાદ હવે સમાધાનનો રસ્તો શોધી રહ્યા છે. ટ્રમ્પના સલાહકારોએ પણ કહ્યું છે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો અમેરિકાને પણ નુકસાન થશે. તેથી સમાધાનનો રસ્તો અપનાવવો જરૂરી છે.
લોકસભાની ફરી કાર્યવાહી શરુ
લોકસભાની કાર્યવાહી ફરી શરુ કરવામાં આવી છે, જેમાં ટીડીપીના સાંસદ કૃષ્ણ પ્રસાદ ટેન્નેટી ચેયર પર છે, ત્યારે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગાઈ અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાનું સંબોધન આપ્યું. ગૌરવ ગોગોઈએ ગૃહમાં અમેરિકાનો ઉલ્લેખ કરીને કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ભારતે 30 દિવસ માટે રશિયા પાસેથી તેલ ખરીદવા દેશે, ત્યારે આપણી ગરિમા ક્યાં ગઈ?. વિશ્વગુરુ થવાની વાતોનું શું થયું?
વિધાનસભામાં કોંગ્રેસના શૈલેષ પરમારે જીતુ વાઘાણીને લિમિટમાં રહેવા કહ્યું
વિધાનસભામાં માંગણીઓ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કૃષિ પ્રધાન જીતુ વાઘાણીને લિમિટમાં રહો તેમ કહ્યું હતું. ચર્ચા દરમિયાન જીતુ વાઘાણી વારંવાર સોનિયા ગાંધીનું નામ લઈને કટાક્ષ કરતા હતા, જેના કારણે શૈલેષ પરમાર નારાજ થયા હતા. તેમણે જણાવ્યું કે લિમિટમાં રહો, નહીં તો મારે પોઇન્ટ ઓફ ઓર્ડર ઊભો કરવો પડશે. પરમારે વધુમાં કહ્યું કે જો તેઓ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવશે તો બધું રેકોર્ડ પર નોંધાશે.
અમદાવાદ શહેર-જિલ્લામાં બિનખેતી માટેની પરવાનગી માંગતી અરજી
ગુજરાત વિધાનસભામાં આજે સરકારે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં 1458 અને અમદાવાદ જિલ્લામાં 7984 મળી કુલ 9442 અરજીઓ જમીનને બીનખેતીમાં તબલીલ કરવા માટે મળી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં 647 અને જિલ્લામાંથી 4022 અરજી મંજૂર કરવામાં આવેલી છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ
લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર 10 કલાકની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના સાંસદ ડો. મોહમ્મદ જાવેદે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. લોકસભામાં પીઠાસીન અધિકારી જગદંબિકા પાલે સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવાની મંજૂરી આપી હતી. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે 10 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભામાં સતત બીજા દિવસે ધારાસભ્યોને અધ્યક્ષની ટકોર
ગુજરાત વિધાનસભામાં સતત બીજા દિવસે ધારાસભ્યોને અધ્યક્ષે ટકોર કરી હતી. અધ્યક્ષે વાંચીને પ્રશ્ન ન પૂછવા ટકોર કરી હતી. ગઈકાલે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અધ્યક્ષે ધારાસભ્યો અને પ્રધાનોને ટકોર કરી હતી કે, ગૃહમાં પ્રશ્નો કે જવાબો કાગળમાંથી સીધા વાંચી શકાશે નહીં. અધ્યક્ષે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અત્યાર સુધી નવું-નવું હતું એટલે ચલાવી લીધું, પરંતુ હવે ધારાસભ્યો વાંચીને પ્રશ્નો પૂછે છે અને પ્રધાનો વાંચીને જવાબો આપે છે તે પરંપરા મુજબ યોગ્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે ગૃહમાં ચર્ચા જીવંત અને અર્થપૂર્ણ બને તે માટે સભ્યોએ વિષયની તૈયારી સાથે આવવું જોઈએ.
રાહુલ ગાંધી નકલી ગાંધી પરિવારના છેલ્લા નેતા: ગિરિરાજ સિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, અમે રાહુલ ગાંધીને ભોળા સમજ્યા હતા... તેઓ માત્ર એક અર્બન નક્સલીની જેમ બોલે છે અને હું ઈચ્છું છું કે કોંગ્રેસ તેમના નેતૃત્વમાં આગળ વધે. પરંતુ જેમ બહાદુર શાહ ઝફર છેલ્લા મુઘલ હતા, તેમ રાહુલ ગાંધી નકલી ગાંધી પરિવારના છેલ્લા નેતા છે. તેમની પાસે કોઈ સ્પષ્ટ વિઝન નથી... તેઓ ચર્ચા કરવાને બદલે ભાગી કેમ જાય છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ગોંડલની મુલાકાત લીધી
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય ગોંડલની મુલાકાતે પહોંચ્યા છે. તેણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ સાથે બેઠક કરીને ગુનેગારોમાં ખોફ જાળવી રાખવા સૂચના આપી હતી. તેઓ રેન્જના તમામ પોલીસ મથકની મુલાકાત લઈને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરશે.
છોટાઉદેપુરમાં એસટી બસ પાઈપ ભરેલા ટ્રેલ સાથે અથડાઈ
છોટા ઉદેપુરમાં એસટી બસને અકસ્માત નડ્યો છે. પાઈપ ભરેલા ટ્રેલર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સુરખેડા ગામ પાસે વહેલી સવારે અકસ્માત થયો હતો. બસમાં સવાર 15 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
AAP સાંસદ સંજય સિંહે સસ્પેન્શન ઓફ બિઝનેસ નોટિસ આપી
AAP સાંસદ સંજય સિંહે નિયમ 267 હેઠળ રાજ્યસભામાં 'સસ્પેન્શન ઓફ બિઝનેસ' (કામકાજ સ્થગિત કરવાની) નોટિસ આપી છે અને પશ્ચિમ એશિયાના સંઘર્ષની ભારતની ઉર્જા સુરક્ષા, અર્થતંત્ર, વેપાર, સ્થાનિક ઇંધણના ભાવ અને ભારતીય ડાયસ્પોરા (વિદેશમાં વસતા ભારતીયો) પર પડનારી અસર અંગે ચર્ચા કરવાની માંગ કરી છે.

ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએઃ ટ્રમ્પ
પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સ્થિતિ સતત તણાવપૂર્ણ બની રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયેલ આ યુદ્ધમાં નિર્ણાયક લીડ મેળવી ચૂક્યા છે અને સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે અમેરિકા કોઈપણ કિંમતે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં.