Sat May 30 2026

Logo

વિનેશ ફોગાટને કમબૅકમાં જ કરન્ટ, એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય ન થઈ શકી

2026-05-30 17:40:02
Author: Ajay Motiwala
Article Image

PTI


નવી દિલ્હીઃ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Phogat) અહીં શનિવારે આગામી એશિયન ગેમ્સ માટેની સિલેક્શન ટ્રાયલની સેમિ ફાઇનલમાં હારી જતાં ટ્રાયલ (Trial)ની બહાર થઈ ગઈ હતી અને હવે ફોગાટ એશિયન ગેમ્સ (Asian Games)માં ભાગ નહીં લઈ શકે. પૅરિસ ઑલિમ્પિક્સ દરમ્યાન રેસલિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધા પછી ફોગાટે તાજેતરમાં રિટાયરમેન્ટ પાછું ખેંચી લીધું હતું અને રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ડબ્લ્યૂએફઆઇ) સામેની અદાલતી લડાઈમાં સુપ્રીમ કોર્ટની મંજૂરી મેળવીને આ ટ્રાયલ સુધી પહોંચી હતી.

શનિવારે ટ્રાયલમાં 53 કિલો વર્ગની સેમિ ફાઇનલમાં ફોગાટનો મિનાક્ષી ગોયત સામે 4-6થી પરાભવ થયો હતો. ફોગાટ લાલ રંગના અને મિનાક્ષી બ્લુ રંગના ડ્રેસમાં હતી. એશિયન ગેમ્સ આગામી સપ્ટેમ્બરમાં જાપાનના નાગોયામાં યોજાવાની છે.

એ પહેલાં, વિનેશ ફોગાટે પાટનગર દિલ્હીમાં શનિવારે એશિયન ગેમ્સ માટેની સિલેક્શન ટ્રાયલમાં વિજયી શરૂઆત કરી હતી. વિવાદાસ્પદ સંજોગોમાં સુપ્રીમ કોર્ટની પરવાનગીથી ફોગાટને આ ટ્રાયલમાં ભાગ લેવા મળ્યો છે અને એમાં તેણે પહેલી કુસ્તીમાં જ્યોતિને 7-1થી હરાવી દીધી હતી.

પહેલાં ફોગાટે પુશ પૉઇન્ટ મેળવ્યો હતો અને પછી ડબલ લેગ અટૅકથી જ્યોતિ પર પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે રાઇટ લેગ અટૅકથી અને બે ઝડપી મૂવ્ઝની મદદથી 7-0ની સરસાઈ મેળવી હતી અને પછી એ ટ્રાયલ જીતી લીધી હતી.