નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ક્રિકેટર અંબાતી રાયુડુએ ઓપનર યશસ્વી જયસ્વાલને રાજસ્થાન રૉયલ્સની ટીમ છોડી દેવાની સલાહ આપી છે. રાયુડુનું માનવું છે કે સાથી ઓપનર વૈભવ સૂર્યવંશીની સ્ફોટક બૅટિંગને કારણે યશસ્વીની ચમક અને પ્રતિભા દબાઈ રહી છે. રાયુડુએ યશસ્વીને રાજસ્થાન કરતાં વધુ સારી ટીમને અપનાવી લેવાની સલાહ પણ આપી છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને છ વખત આઇપીએલ ટાઇટલ જીતી ચૂકેલા રાયુડુ (Rayudu)નું કહેવું છે કે યશસ્વીએ રાજસ્થાનનું ફ્રૅન્ચાઇઝી છોડીને અન્ય કોઈ ટીમ સાથે જોડાઈ જવા વિચારવું જોઈએ, કારણકે યશસ્વીને વૈભવની ખ્યાતિ નડી રહી છે.
હૈદરાબાદ સામેની એલિમિનેટરમાં વૈભવે માત્ર 28 બૉલમાં 97 રન અને શુક્રવારે ગુજરાત સામેની ક્વૉલિફાયર-ટૂમાં 47 બૉલમાં 96 રન બનાવ્યા હતા. વૈભવે હૈદરાબાદ સામેની ઇનિંગ્સમાં બાર સિક્સર અને પાંચ ફોર તથા ગુજરાત સામે સાત સિક્સર અને આઠ ફોર ફટકારી હતી. આ જ બે મૅચમાં યશસ્વી સારું નહોતો રમી શક્યો. હૈદરાબાદ સામે યશસ્વીની 125 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, પણ ખુદ યશસ્વી 29 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. શુક્રવારે ગુજરાત સામે યશસ્વી (Yashasvi) ફક્ત એક રન પર વિકેટ ગુમાવી બેઠો હતો. ખાસ કરીને હૈદરાબાદ સામેની મૅચમાં વૈભવ સામે યશસ્વી ફિક્કો લાગ્યો હતો. પહેલી છ ઓવર (પાવરપ્લે)માં યશસ્વીએ 16 બૉલમાં 19 રન બનાવ્યા હતા, જ્યારે સામા છેડે વૈભવે 20 બૉલમાં 60 રન ઝૂડી કાઢ્યા હતા. જોકે ઓપનિંગ જોડીમાંથી એક ખેલાડી સમજદારીપૂર્વક ધીમું રમે અને બીજો આક્રમક મિજાજમાં રમીને રનમશીન ઝડપી રાખે એવી ટીમની વ્યૂહરચના પણ હોઈ શકે.
યશસ્વીના 427 સામે વૈભવના 776 રન!
આ વખતની આઇપીએલમાં યશસ્વીએ 16 ઇનિંગ્સમાં 152.50ના સ્ટ્રાઇક-રેટ (દર 100 બૉલ દીઠ રન) કુલ 427 રન બનાવ્યા હતા. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીએ 16 ઇનિંગ્સમાં 237.30ના સ્ટ્રાઇક-રેટ સાથે 776 રન બનાવ્યા હતા અને શુક્રવારની ગુજરાત સામેની મૅચ બાદ તમામ બૅટ્સમેનોમાં મોખરે હતો. યશસ્વીએ માત્ર ત્રણ હાફ સેન્ચુરી ફટકારી, જ્યારે વૈભવના નામે એક સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરી હતી.
BCCI
રાયુડુએ યશસ્વીને મુંબઈની ટીમ કેમ સૂચવી?
રાયુડુએ એક જાણીતી ચૅનલે ઇન્ટરવ્યૂમાં કહ્યું, `યશસ્વી જેવા ખેલાડીએ અનોખી ઓળખ બનાવવા માટે અલગ ટીમ વતી રમવાની જરૂર છે. હું તો માનું છું કે યશસ્વીએ ટીમ બદલી નાખવી જોઈએ. દરેક વખતે વૈભવ સાથેની જોડીમાં તેનો પર્ફોર્મન્સ દબાઈ જતો હોય છે. યશસ્વી પોતે મોટો સ્ટાર છે અને ટીમને એકલા હાથે જિતાડવાની તેનામાં ક્ષમતા છે. તેને એવી ટીમની જરૂર છે જેમાં તેને પૂરી સ્પેસ અને જવાબદારી મળે.' રાયુડુના મતે યશસ્વી માટે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) સૌથી યોગ્ય ટીમ છે, કારણકે એમાં તેને ઘરેલું ટીમનો અનુભવ થશે અને એમઆઇ જેવી તેને આઇપીએલની કરીઅરમાં નવી દિશા બતાવી શકે.