Sat May 30 2026

Logo

ઍસિડ ફેંકવાની ધમકી આપી પતિએ પત્નીને ચાર કલાક ‘મરઘો’ બનાવી

2026-05-30 19:43:27
Author: Yogesh C. Patel
Article Image

રેકોર્ડ પરના આરોપી એવા પતિનું અમાનુષી કૃત્ય: ઘરમાં પૂરી રાખી પટ્ટાથી ફટકારી: પિયર ભાગી ગયેલી પત્ની પર ચાકુથી હુમલો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી એવા પતિએ પત્નીને ઘરમાં પૂરી રાખી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના ચેમ્બુરમાં બની હતી. પટ્ટાથી ફટકાર્યા પછી તલવારથી કાપી નાખવાની અને ઍસિડ ફેંકવાની ધમકી આપી પત્નીને ચાર કલાક સુધી ‘મરઘો’ બનાવી રાખી. પછી પિયર ભાગી ગયેલી પત્ની પર ચાકુથી હુમલો કરનારા પતિની આખરે પોલીસે ધરપકડ કરી હતી.

આરસીએફ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ અરબાઝ અન્વરઅલી સય્યદ (30) તરીકે થઈ હતી. ચેમ્બુરના વિજયનગરમાં રહેતા સય્યદ વિરુદ્ધ 18 જેટલા ગંભીર ગુના નોંધાયેલા હોવાથી ચેમ્બુર પોલીસ સ્ટેશનની હદમાંથી તેને 12 મહિના માટે તડીપાર કરવામાં આવ્યો હતો. પરિણામે તે વાશીનાકા ખાતેના પટેલનગરમાં પત્નીના ઘરે રહેતો હતો. તેને દારૂ પીવાની સાથે ગાંજો ફૂંકવાની લત હતી, જેને પગલે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

પોલીસ ફરિયાદ અનુસાર જીન્સ પેન્ટ અને અત્તર ખરીદવાને બહાને ગુરુવારની બપોરે બે વાગ્યાની આસપાસ અરબાઝ પત્નીને તેના વિજયનગરના ઘરે લઈ ગયો હતો. ત્યાં દંપતી વચ્ચે બોલાચાલી થતાં અરબાઝે પત્નીની મારપીટ કરી ચામડાના પટ્ટાથી ફટકારી હતી. મદદ માટે કોઈને બૂમ પાડી તો તલવારથી કાપી નાખવાની અને ઍસિડ ફેંકવાની ધમકી આરોપીએ આપી હતી. આટલેથી ન અટકતાં આરોપીએ પત્નીને ‘મુરઘો’ બનવાની ફરજ પાડી હતી. લગભગ ચાર કલાક સુધી પત્નીને એ જ સ્થિતિમાં તેણે રાખી હતી.

કહેવાય છે કે રાતે સાડાઆઠ વાગ્યા સુધી પત્નીને ઘરમાં પૂરી રાખી હતી. પછી અરબાઝને ઘેન ચઢતાં તે ઊંઘી ગયો હતો. મોકો મળતાં જ પત્ની ગુપચુપ છટકીને પોતાના પિયર જતી રહી હતી. આ વાતની જાણ થતાં અરબાઝ પણ ત્યાં પહોંચ્યો હતો.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો સસરા અને સાળા સાથે ઝઘડો કરી આરોપીએ સાળીના પેટમાં લાત મારી હતી. મધ્યસ્થી કરનારી પત્ની પર આરોપીએ ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં પત્નીના હાથ પર ઇજા થઈ હતી. ડરી ગયેલા સસરાએ પોલીસ ક્ધટ્રોલ રૂમને ફોન કરી મદદ માગી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે અરબાઝને તાબામાં લીધો હતો અને પત્નીને સારવાર માટે શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.