Sat May 30 2026

Logo

પવઈમાં ૨૫૦ ગેરકાયદે બાંધકામનો સફાયો

2026-05-30 18:26:44
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પવઈના ફુકટ નગર અને મિલિંદ નગર વિસ્તારમાં આશરે ૨૫૦ અનધિકૃત બાંધકામો હટાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શનિવારે કાર્યવાહી કરવામાં આવી હતી. જગ્યા અતિક્રમણ મુક્ત થયા બાદ ફરી તેના પર ગેરકાયદે કબજો થાય નહીં તે માટે જગ્યાને હવે કાંટાળી તારથી બંધ કરી દેવામાં આવવાની છે.

પાલિકાના ‘એસ’ વોર્ડ અને વોટર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પવઈના ફુકટ નગર અને મિલિંદ નગર વિસ્તારમાં વોટર એન્જિનિયરિંગ વિભાગની જમીન પર સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી ડેપ્યુટી કમિશનર (ઝોન-છ) સંતોષ કુમાર ધોંડેના માર્ગદર્શન હેઠળ અને આસિસ્ટન્ટ કમિશનર સમરીન સૈયદના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી.

ઉપરોક્ત વિસ્તારમાં સરકારી જમીન પર મોટી સંખ્યામાં અનધિકૃત બાંધકામો ઉભા કરવામાં આવ્યા છે. આ ઝુંબેશને સંબંધિત જમીનને અતિક્રમણ મુક્ત બનાવવા અને તેનું રક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજનબદ્ધ રીતે અમલમાં મૂકવામાં આવી હતી.  આ કાર્યવાહી માટે લગભગ ૧૫૦ પોલીસ કર્મચારીઓ, ‘એસ’ વોર્ડ અને વોટર એન્જિનિયરિંગ વિભાગના લગભગ ૫૦ અધિકારીઓ અને કર્મચારીઓ, ૨૦૦ મજૂરોને તહેનાત કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ કાર્યવાહી સાત જેસીબી, ૧૦ ડમ્પર અને અન્ય નાના માલવાહક વાહનોની મદદથી કરવામાં આવી હતી.

કાર્યવાહી દરમ્યાન અનધિકૃત બાંધકામો દૂર કરીને સ્થળને સંપૂર્ણપણે સાફ કરવામાં આવી રહ્યું છે. અતિક્રમણ દૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ, સંબંધિત સ્થળની આસપાસ વાડ બનાવવાનું કામ પણ તાત્કાલિક હાથ ધરવામાં આવશે અને અતિક્રમણ ફરીથી ન થાય તે માટે જરૂરી નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન પ્રશાસને સ્પષ્ટતા કરી હતી  કે સરકારી અને પાલિકાની માલિકીની જગ્યાઓ પર અતિક્રમણ સામે કાર્યવાહી નિયમિતપણે ચાલુ રહેશે.