Sun May 31 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 03 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-03 08:27:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-03-03 21:25:27

ગાવસકરની ગૉલ્ફ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે ખ્યાતનામ ખેલાડીઓ

શુક્રવારે ઐતિહાસિક બૉમ્બે પ્રેસિડન્સ ગૉલ્ફ ક્લબમાં બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરની ડીપી વર્લ્ડ સેલિબ્રિટી ગૉલ્ફ ઇવેન્ટ નામની ચૅરિટી ટૂર્નામેન્ટ રમાશે જેમાં જાણીતા ક્રિકેટરે તેમ જ દેશ-વિદેશના જાણીતા ખેલાડીઓ ભાગ લેશે. આર્થિક મુશ્કેલી તથા સ્વાસ્થ્ય સંબંધિત પડકારોનો સામનો કરી રહેલા ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ઍથ્લીટોના સપોર્ટ માટે ગાવસકરે ચૅમ્પ્સ ફાઉન્ડેશન સ્થાપ્યું છે અને એ વિશેની જાગૃતિ માટે આ ઇવેન્ટ યોજવામાં આવી છે જેમાં (ગાવસકરના બનેવી) ગુંડપ્પા વિશ્વનાથ તેમ જ યુવરાજ સિંહ, હરભજન સિંહ, પાર્થિવ પટેલ, વેન્કટેશ પ્રસાદ, અજય જાડેજા, મુરલી કાર્તિક, એસ. બદરીનાથ, મુરલી વિજય, નિખિલ ચોપડા તેમ જ ઓઇન મૉર્ગન, માઇકલ વૉન, ડેવિડ લૉઇડ તેમ જ લિએન્ડર પેસ, પ્રકાશ પદુકોણ વગેરે ભાગ લેશે.

2026-03-03 21:00:27

હુમલા આઉટ ઓફ કંટ્રોલઃ હવે રશિયાએ આપી ચેતવણી

ઈરાન સામેના જંગ મુદ્દે રશિયાની ચોંકાવનારી પ્રતિક્રિયા મળી છે. રશિયન સરકારી ન્યુક્લિયર કંપની રોસોટોમએ કહ્યું છે કે ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર ઈઝરાયલ-અમેરિકાના હુમલા આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યા છે, જ્યારે ન્યુક્લિયર પ્લાન્ટને તો ક્યારેય નિશાન બનાવાય નહીં.

2026-03-03 20:09:25

ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, લૉરિયસ અવૉર્ડ માટે નૉમિનેટ

મૅડ્રિડથી મળતા અહેવાલ મુજબ 2025માં વન-ડેનો વર્લ્ડ કપ પહેલી વાર જીતનારી ભારતીય મહિલા ટીમને પ્રતિષ્ઠિત `લૉરિયસ વર્લ્ડ ટીમ ઑફ ધ યર' અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે. કોઈ મહિલા ક્રિકેટ ટીમને આ પુરસ્કાર માટે નૉમિનેટ કરવામાં આવી હોય એવું પહેલી જ વખત બન્યું છે. હરમનપ્રીત કૌરના સુકાનમાં આ ટીમ ચૅમ્પિયન બનતાં વિશ્વભરમાં મહિલા ક્રિકેટની બાબતમાં એની ઊંડી અસર પડી છે. આ ટીમ સાથે ઇંગ્લૅન્ડની મહિલા ફૂટબૉલ ટીમ, યુરોપિયન રાઇડર કપ ટીમ, ફ્રેન્ચ ફૂટબૉલ લીગની પીએસજી ટીમ તેમ જ મૅકલારેન ફૉર્મ્યુલા-વન ટીમને પણ આ અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે.

2026-03-03 19:33:38

ઈરાનની હવાઈ અને નૌકાદળ સંપૂર્ણ તબાહઃ ટ્રમ્પનો નવો દાવો

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કરતા કહ્યું છે કે ઈરાનની હવાઈ અને નૌકાદળ સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી, વાયુસેના, નૌકાદળ અને તેમના નેતૃત્વનો સફાયો કર્યો.

2026-03-03 18:15:26

ધમકીભર્યા મેઇલ મોકલનારની બંગાળથી ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સ્કૂલો-પોસ્ટ ઓફિસ અને વિવિધ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની પ.બંગાળથી ધરપકડ કરી લેવામાં આવી છે.

2026-03-03 18:00:14

ઈરાનના નવા રક્ષા પ્રધાન માર્યા ગયાનો ઈઝરાયલનો દાવો

ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત યુદ્ધમાં ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન માર્યા ગયા હોવાનો ઈઝરાયલે દાવો કર્યો છે. એક દિવસ પહેલા જ પદભાર સંભાળનારા નવા સંરક્ષણ પ્રધાન સૈયદ માજિદ અબ અલ-રેજાનું મૃત્યુ થયું છે.

2026-03-03 15:40:05

રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત

આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. બિહારથી નીતિન નવીન, શિવેશ કુમાર, આસામથી તેરાશ ગોવાલા, જોગેન મોહન, છત્તીસગઢથી લક્ષ્મી વર્મા, હરિયાણાથી સંજય ભાટિયા, ઓડિશાથી મનમોહન સમાલ, સુજીત કુમાર અને પશ્ચિમ બંગાળથી રાહુલ સિંહાના નામની જાહેરાત કરવામાં આવી છે.

2026-03-03 13:58:26

ઈરાનમાં ભૂકંપના આંચકા

ઈરાનના ગેરાસમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 હતી. હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. હુમલા વચ્ચે ભૂકંપના આંચકાનો અનુભવ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

2026-03-03 13:29:48

કુવૈતમાં અમેરિકન દૂતાવાસ બંધ કરાયું


ઈરાન પર હુમલા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે. કુવૈતમાં અમેરિકન દૂતાવાસ બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈરાકમાં અમેરિકન સૈનિકો પર ઈરાને હુમલો કર્યો છે.

2026-03-03 12:40:20

અફઘાનિસ્તાનનો પાકિસ્તાન પર મોટો હુમલો

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ડયુરન્ડ લાઇન પર છેલ્લા પાંચ દિવસથી લડાઈ ચાલી રહી છે. દરમિયાન, અફઘાન સેનાએ પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો જોરદાર જવાબ આપ્યો છે, પાકિસ્તાની લશ્કરી સ્થાપનો પર વળતો હુમલો કર્યો છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખોવરાઝમીએ દાવો કર્યો કે અફઘાન સૈનિકો દ્વારા કરાયેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 100થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને 25 થી વધુ લશ્કરી ચોકીઓ પર પોતાનો ધ્વજ લહેરાવ્યો છે.

2026-03-03 12:29:49

BKNMUએ 3 કોલેજની માન્યતા રદ્દ કરી

જૂનાગઢ જિલ્લાની નરસિંહ મહેતા યુનિવર્સિટીએ આકરા પગલાં લઈને ઉના તાલુકાના ભાચા ગામે આવેલ બી.એચ. નાંડોળા કોલેજ સહિત ત્રણ બી.એડ કોલેજની માન્યતા રદ કરી દીધી છે. નરસિંહ મહેતા યુનિ.ના ઉપકુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે વિધ્યાર્થીઓ અને યુનિ. સાથે છેતરપિંડીની ઘટના બાદ સંચાલકો સામે આકરા પગલાં લીધા છે.

2026-03-03 11:31:02

મિડલ ઈસ્ટથી અત્યાર સુધીમાં 5 ફ્લાઈટ ભારત પહોંચી

મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે 5 ફ્લાઈટ ભારત આવી છે. મુંબઈ, દિલ્હી  એરપોર્ટ પર ફ્લાઈટ પહોંચી હતી. એક મુસાફરે જણાવ્યું કે  દ્રશ્ય ખૂબ જ ડરામણું હતું. એરલાઇને અમને એક હોટલમાં રોક્યા હતા, પરંતુ હોટલની આસપાસ વિસ્ફોટો થઈ રહ્યા હતા. મિસાઈલોને રોકવામાં આવી રહી હતી અને ચારેય બાજુ ધડાકાઓના અવાજ સંભળાઈ રહ્યા હતા. ભારત પાછા આવીને અમને શાંતિ અનુભવાઈ રહી છે.

2026-03-03 11:01:15

ઓમાનમાં ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલામાં ભારતીયનું મોત

ઓમાનમાં ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલામાં એક ભારતીયનું મોત થયું છે. જ્યારે 21 ક્રૂ મેમ્બર્સને બચાવાયા છે. મૃતક મુંબઈનો હોવાનું સામે આવ્યું છે.

2026-03-03 10:37:21

બહેરીનમાં યુએસ બેસ પર ઈરાનનો હુમલો

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલાનો ચોથો દિવસ છે. બહેરીનના શેખ ઈસામાં યુએસ બેસ પર ઈરાને હુમલો કર્યો છે. 20 ડ્રોન અને 3 મિસાઈલ છોડવામાં આવી છે.

2026-03-03 09:15:48

પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસનો મોટો નિર્ણય


પાકિસ્તાનમાં અમેરિકી દૂતાવાસે સુરક્ષા કારણોસર તમામ વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી દીધી છે. પાકિસ્તાનમાં અમેરિકી એમ્બેસીએ કહ્યું છે કે આ નિર્ણય ઇસ્લામાબાદની સાથે-સાથે લાહોર અને કરાચીની ઓફિસો પર પણ લાગુ પડશે. આ આદેશ 6 માર્ચ સુધી લાગુ રહેશે.

2026-03-03 08:36:13

યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 6 લોકોનાં મોત

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અને ઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

2026-03-03 08:29:23

રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર ઇરાનનો ડ્રોનથી હુમલો

રિયાધમા અમેરિકી દૂતાવાસ પર ઇરાનનો ડ્રોનથી હુમલો કરાયો છે. મધ્યપૂર્વમાં ટેન્શન વચ્ચે કતરના રક્ષા મંત્રાલયનો મોટો દાવો સામે આવ્યો છે.ઇરાનના બે ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કરવામાં આવ્યો છે.