Wed Aug 19 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:19 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-19 08:25:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-19 19:22:50

ભારત હૉકીમાં પાકિસ્તાન સામે 4-1થી આગળ

નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટલ્વીનમાં ભારતે પાકિસ્તાન સામે મેન્સ હૉકી વર્લ્ડ કપની લીગ મૅચમાં 4-1થી સરસાઈ મેળવીને જીત માટે સારો પાયો નાખી દીધો છે. પ્રથમ ક્વૉર્ટર પછી બીજા ક્વૉર્ટરની પણ ભારતે સારી શરૂઆત કરી છે. ચારમાંથી બે ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે પાંચમી અને 21મી મિનિટમાં કર્યા હતા. ત્રીજો ગોલ અભિષેકે 11મી મિનિટમાં અને પછી ચોથો ગોલ અભિષેકે જ 24મી મિનિટમાં કર્યો હતો. પાકિસ્તાનનો એકમાત્ર ગોલ હન્નાન શાહીદે બાવીસમી મિનિટમાં કર્યો હતો.

2026-08-19 13:18:12

માનવ સુથારે છ બોલમાં લીધી ત્રણ વિકેટ, ભારત વિજયની લગોલગ

ગૉલમાં ભારતે શ્રીલંકા સામે શાનદાર વિજયની તૈયારી કરી લીધી છે. સ્પિનર માનવ સુથારે એક ઓવરમાં ત્રણ વિકેટ લઈને તરખાટ મચાવી દીધો છે. આ બીજા દાવમાં તેણે કુલ પાંચ વિકેટ મેળવી છે. શ્રીલંકાનો સ્કોર 372 રનના લક્ષ્યાંક સામે 9 વિકેટે 199 રન હતો.

2026-08-19 10:28:58

પાલીતાણામાં હોસ્પિટલમાં પાણીની ટાંકી વિના ₹50.43 લાખનું બિલ મંજૂર થતાં પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

પાલીતાણા હોસ્પિટલ ટાંકી કૌભાંડમાં ₹50.43 લાખના બોગસ બિલ મામલે મંત્રી પ્રફુલ પાનશેરીયાની લાલ આંખ કરી હતી. બિલ મંજૂર કરાવવાની પ્રક્રિયામાં જવાબદારી નિભાવનાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર નોંધ લેતા આરોગ્ય મંત્રીએ બિલ રજૂ કરનાર મેહુલ દવે (ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર),  એન.વી. કાલીયા (નાયબ કાર્યપાલક ઈજનેર) સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં સંડોવાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન-સુરતને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવા તેમજ ફરજમાં બેદરકારી બદલ બે સંબંધિત ઈજનેરો સામે ફરજમુકતની કાર્યવાહી કરવા પણ આરોગ્ય મંત્રીએ PIUના અધિકારીઓને આદેશ આપ્યો હતો.

2026-08-19 10:00:39

ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડીસા નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પરેશભાઈનું જીઆઈડીસી વિસ્તારમાંથી ચાર અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ પરેશભાઈને મુક્ત કરવા માટે રૂપિયા 50 લાખની મોટી રકમની માંગણી કરી હતી. જોકે, બનાવ અંગે પોલીસ તંત્ર સતર્ક થતાં અને તપાસનો ધમધમાટ શરૂ થતાં અપહરણકર્તાઓ ગભરાઈ ગયા હતા અને મોડી રાત્રે પરેશભાઈને અમદાવાદ નજીક અડાલજ પાસે રસ્તા પર ઉતારીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.

2026-08-19 09:02:27

કોલકાતામાં આગથી 9 લોકોનાં મોત


કોલકાતાની એક હોટલમાં મંગળવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે આગ લાગવાથી નવ લોકોના મોત થયા છે. જેમાં એક બાળક પણ સામેલ છે. જ્યારે છ લોકો ઘાયલ છે.

2026-08-19 08:27:00

મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધસી પડી, 30 લોકોના મોત.

મધ્ય આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ ભાગમાં એક સોનાની ખાણ અચાનક ધસી પડી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ દુર્ઘટનામાં આશરે 30થી વધારે ખાણિયો મૃત્યુ પામ્યા છે, જ્યારે અનેક લોકો અંદર ફસાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. અત્યારે તંત્ર દ્વારા રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવી છે. ખાણમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.