મુંબઈ: સાયબર ફ્રોડ માટે આરોપીઓને સિમકાર્ડ પૂરાં પાડનારા યુવક અને તેના સાથીદારને સાઉથ રિજન સાયબર પોલીસે બિહાર અને ઝારખંડથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી મેગાફોન અને 161 સિમકાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં.સાઉથ રિજન સાયબર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ બિહારના આમિર ચાંદમોહંમદ ખાન (22) અને ઝારખંડના સૂરજકુમાર પ્રદીપકુમાર સાવ ઉર્ફે વિશાલ તરીકે થઇ હતી. બંને જણે સાત ગુના આચર્યા હોઇ તેમાંના બે મુંબઈમાં, જ્યારે બાકીના ગુના હરિયાણા, નવી દિલ્હી, પશ્ર્ચિમ બંગાળ અને તમિળનાડુમાં દાખલ છે.
દક્ષિણ મુંબઈમાં આવેલી ખાનગી કંપનીમાં જનરલ મેનેજર (અકાઉન્ટ એન્ડ ટેક્સેશન) તરીકે કામ કરનારા ફરિયાદીને 26 ફેબ્રુઆરી, 2026ના રોજ વ્હૉટ્સઍપ પર અજાણ્યા નંબર પરથી કંપનીના ડિરેક્ટરના નામે મેસેજ આવ્યો હતો અને બૅંક અકાઉન્ટ નંબર આપીને તેમાં 48.60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનું તેને કહેવામાં આવ્યું હતું. કંપનીના ડિરેક્ટરે મેસેજ કર્યો હોવાનું માની ફરિયાદીએ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. થોડા સમય બાદ બીજા 18 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો મેસેજ એ જ નંબર પરથી આવ્યો હતો. આથી ફરિયાદીએ કંપનીના ડિરેક્ટરનો સંપર્ક સાધ્યા બાદ જાણવા મળ્યું હતું કે અજાણી વ્યક્તિએ ડિરેક્ટરના નામે ઠગાઇ આચરી હતી. આથી ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાથી ફરિયાદ નોંધાવી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે મેસેજ મોકલવા માટે જે નંબર વાપરવામાં આવ્યો હતો, તેનું સિમકાર્ડ બિહારના સિમકાર્ડ વિક્રેતા આમિર ચાંદમોહંમદ ખાને આરોપીને પૂરું પાડ્યું હતું. તેણે આઠ સિમકાર્ડ એક્ટિવ કરીને તેના સાથીદાર સૂરજકુમારને છ હજાર રૂપિયામાં વેચ્યાં હતાં. આથી પોલીસે પ્રથમ સૂરજકુમારને અને બાદમાં આમિર ખાનની ધરપકડ કરી હતી.