Wed Aug 26 2026

Logo

વરલી પ્રૉમિનાડ-કૉસ્ટલ રોડ ગાર્ડન પહોંચવા 702.44 કરોડના ખર્ચે સબવૅ બનાવાશે

2026-08-20 20:17:01
Author: Yogesh C. Patel
વરલી પ્રૉમિનાડ-કૉસ્ટલ રોડ ગાર્ડન પહોંચવા 702.44 કરોડના ખર્ચે સબવૅ બનાવાશે

નહેરુ સાયન્સ સેન્ટર મેટ્રો સ્ટેશનથી એક કિલોમીટર લાંબા આ સબવૅનો પ્રસ્તાવ બીએમસીમાં મંજૂર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
કૉસ્ટલ રોડને લાગીને આશરે 300 એકરમાં પ્રસ્તાવિત લૅન્ડસ્કેપ ગાર્ડન અને વરલી પ્રૉમિનાડ સુધી લોકો સહેલાઈથી પહોંચી શકે તે માટે નહેરુ સાયન્સ સેન્ટર મેટ્રો સ્ટેશનથી એક કિલોમીટર લાંબા સબવૅના પ્રસ્તાવને ગુરુવારે મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં બહુમતીથી મંજૂર કરવામાં આવ્યો હતો. મેટ્રો-3ના સ્ટેશનથી પ્રૉમિનાડ-ગાર્ડનને જોડતા આ સબવૅ માટે મહાપાલિકા દ્વારા 702.44 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જેનું નિર્માણ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન મારફત કરવામાં આવશે, એવી માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષ પ્રભાકર શિંદેએ આપી હતી.

કૉસ્ટલ રોડ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને મુંબઈગરાં તેમ જ પર્યટકોને આકર્ષિત કરનારો છે. તેની બાજુમાં જ આશરે 300 એકર ક્ષેત્રમાં ભવ્ય લૅન્ડસ્કેપ ગાર્ડન બનાવવાનું પ્રસ્તાવિત છે. ગાર્ડન સાથે જ નાગરિકો માટે પ્રૉમિનાડ ઉપલબ્ધ થશે. જોકે હાલમાં આ પરિસરમાં ફૉર વ્હીલરથી પહોંચવું સહેલું હોવા છતાં સામાન્ય નાગરિકો જાહેર પરિવહનના માધ્યમથી કે ચાલતા જઈ શકે તે માટે કોઈ યોગ્ય કનેક્ટિવિટી નથી. આ સમસ્યા દૂર કરવા પ્રસ્તાવિત સબવૅ મહત્ત્વનો ઠરશે, એવું શિંદેએ જણાવ્યું હતું.

નહેરુ સાયન્સ સેન્ટર મેટ્રો સ્ટેશને ઊતરીને મહાલક્ષ્મી રેસકોર્સ પરિસરમાંથી લાલા લજપતરાય માર્ગ નીચેથી સીધા વરલી પ્રૉમિનાડ અને કૉસ્ટલ ગાર્ડન સુધી નાગરિકો પહોંચી શકે તે માટે આ સબવૅ બનાવવામાં આવશે, જે અંદાજે એક કિલોમીટર લાંબો અને 7.5 મીટર પહોળો હશે. વળી, ગાર્ડન બની ગયા પછી દેશ-વિદેશના સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીં આવવાની સંભાવના જોતાં સબવૅ મહત્ત્વનો માર્ગ સાબિત થશે.

સબવૅનું નિર્માણકાર્ય હાથ ધરવાની તૈયારી જૂન, 2025માં મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને દાખવી હતી. ત્યાર બાદ ડિસેમ્બર, 2025માં થયેલી સંયુક્ત બેઠકમાં મુંબઈ મહાનગરપાલિકા કમિશનરે આ કામ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન મારફત કરવાની મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ માટેનું ભંડોળ મહાપાલિકા પૂરું પાડશે, એવું નક્કી થયું હતું.