મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને રૂપિયા 420 કરોડની કથિત કરચોરી કેસમાં કાળા નાણાં કાયદા હેઠળ દંડાત્મક કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપ્યું છે. અંબાણીએ કાયદાની કેટલીક જોગવાઈઓની બંધારણીય માન્યતાને પડકારી છે.
અરજીના અંતિમ નિકાલ સુધી દંડ સહિત શિક્ષાત્મક કાર્યવાહી પર રોક
હાઇકોર્ટેની બેન્ચે આ અરજી સ્વીકારી છે. તેમજ બેન્ચે નોંધ્યું છે કે કાયદાને પડકારતી અન્ય અરજીઓ દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને અરજીના જવાબમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે વધુમાં જણાવ્યું કે અનિલ અંબાણી વિરુદ્ધ આકારણીનો આદેશ પહેલાથી જ પસાર થઈ ચૂક્યો છે. તેમણે આવકવેરા કમિશનર (અપીલ) સમક્ષ અપીલ દાખલ કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ અપીલ આગળ વધી શકે છે. જોકે, અરજીનો અંતિમ નિકાલ ન થાય ત્યાં સુધી અંબાણી વિરુદ્ધ કાર્યવાહી અને દંડ સહિત કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
અનિલ અંબાણી પર 420 કરોડની કરચોરીનો આરોપ
ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે 8 ઓગસ્ટ, 2022 ના રોજ અનિલ અંબાણીને નોટિસ ફટકારી હતી. જેમાં વિભાગે તેમના પર રૂપિયા 814 કરોડથી વધુની જાહેર નહિ કરેલી સંપત્તિ પર રૂપિયા 420 કરોડની કરચોરી કરવાનો આરોપ મૂક્યો છે. જે રકમ સ્વિસ બેંક ખાતાઓમાં રાખવામાં આવી હતી. આઇટી વિભાગની નોટિસ અનુસાર, અંબાણી પર બ્લેક મની એક્ટની કલમ 50 અને 51 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ કલમોમાં મહત્તમ 10 વર્ષની જેલ અને દંડની સજા છે. તેમજ વિભાગનો આરોપ છે કે અંબાણી ઇરાદાપૂર્વક તેમના વિદેશી બેંક ખાતાઓ અને નાણાકીય હિતોની વિગતો જાહેર કરી ન હતી.
અનિલ અંબાણીએ બે કંપનીની આવક આઇટીઆરમાં છુપાવી
તેમજ આવકવેરા વિભાગની નોટિસ અનુસાર, અનિલ અંબાણી બહામાસ સ્થિત 'ડાયમંડ ટ્રસ્ટ' નામની કંપનીમાં નાણાકીય ફાળો આપનાર અને માલિક હતા. તેમના બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં સ્થાપિત 'નોર્ધન એટલાન્ટિક ટ્રેડિંગ અનલિમિટેડનામની બીજી કંપની સાથે પણ સંબંધો હોવાનું કહેવાય છે. આવક વેરા વિભાગનો આરોપ છે કે અંબાણીએ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે આ વિદેશી સંપત્તિઓનો ખુલાસો કર્યો ન હતો, આમ બ્લેક મની એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન થયું હતું. કર અધિકારીઓએ બે ખાતાઓમાં જાહેર નહિ કરેલી સંપત્તિનું કુલ મૂલ્ય રૂપિયા 814 હોવાનો અંદાજ લગાવ્યો છે.આ રકમ પર ચૂકવવાપાત્ર કર રૂપિયા 420 કરોડ છે.