હાઈ કોર્ટે ડીડીજી શિપિંગ પાસે આ મુદ્દે જવાબ માંગ્યો
મુંબઈ: પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં માર્યા ગયેલા 25 વર્ષના નાવિકના પરિવાર દ્વારા કરવામાં આવેલી નશ્ર્વર અવશેષોના ડીએનએ પરીક્ષણની માગણી પર બોમ્બે હાઈકોર્ટે સોમવારે શિપિંગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલનો જવાબ માગ્યો હતો. 4 માર્ચે ઓમાન કિનારે વિસ્ફોટકોથી ભરેલી ડ્રોન બોટ એમટી એમકેડી વ્યોમ સાથે અથડાયા બાદ દીક્ષિત સોલંકીનું મૃત્યુ થયું હતું. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર યુએસ-ઈઝરાયલના સંયુક્ત હુમલા પછી ફાટી નીકળેલા સંઘર્ષમાં તે પ્રથમ ભારતીય ઘાયલ થયો હોવાનું કહેવાય છે.
તેમના પિતા અમરતલાલ અને બહેન મિતાલીએ ગયા અઠવાડિયે તેમના નશ્ર્વર અવશેષો ભારત લાવવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશો આપવા માટે હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમની અરજીમાં અધિકારીઓ તરફથી સ્પષ્ટતાનો અભાવ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.સોમવારે, તેમના વકીલ પ્રજ્ઞા તળેકરે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચને જણાવ્યું હતું કે નશ્ર્વર અવશેષો રવિવારે ભારત પહોંચ્યા હતા, પરંતુ સ્વદેશ પરત લાવવાની કામગીરી સંભાળતી કંપનીએ પરિવારને એફઆઈઆર નોંધાવવા અને પહેલાં ડીએનએ ટેસ્ટ કરાવવા કહ્યું હતું.
‘કોઈ મૃતદેહ નથી તેથી ઓળખ શક્ય નથી. ફક્ત ચાર કે પાંચ બળી ગયેલા હાડકાં છે. પરિવાર અંતિમ સંસ્કાર સાથે આગળ વધી શકે તે માટે ડીએનએ ટેસ્ટ જરૂરી છે,’ એમ તળેકરે જણાવ્યું હતું.તળેકરે કહ્યું કે 1 માર્ચે જહાજ અથડાયું ત્યારથી પરિસ્થિતિને જે રીતે સંભાળવામાં આવી તે જોતાં શંકા હતી તેથી ડીએનએ ટેસ્ટ જરૂરી હતો.અરજદારોએ સોમવારે એફઆઈઆર નોંધવા અને નશ્ર્વર અવશેષોના ડીએનએ ટેસ્ટના નિર્દેશ માટે વચગાળાની અરજી દાખલ કરી હતી.
તળેકરે પાંચમી એપ્રિલે ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શિપિંગ દ્વારા અરજદારને મોકલવામાં આવેલા ઇમેઇલ સંદેશાવ્યવહાર તરફ ધ્યાન દોર્યું હતું જેમાં શિપિંગ કંપનીને પરિવારને તમામ સહાય પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું હતું જેથી ડીએનએ ટેસ્ટ શક્ય તેટલો વહેલો થાય.બેન્ચે જાણવા માંગ્યું હતું કે આવા કિસ્સાઓમાં સામાન્ય રીતે કઈ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. ત્યારબાદ કોર્ટે આ મામલાની વધુ સુનાવણી મંગળવારે મુલતવી રાખી અને આ મુદ્દે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શિપિંગ પાસેથી જવાબ માગ્યો હતો.