(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : મુંબઈ મહાનગર પાલિકાએ પશ્ચિમ ઉપનગરોમાં મનોરી ખાતે તેના મહત્વાકાંક્ષી ડિસેલિનેશન પ્લાન્ટ માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (પીએમસી) તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્લાન્ટની પ્રારંભિક ક્ષમતા ૨૦૦ મિલિયન લિટર પ્રતિ દિવસ (એમએલડી) હશે, જેને ૪૦૦ એમએલડી સુધી વધારી શકાય છે, અને આગામી ચાર વર્ષમાં તે કાર્યરત થવાની અપેક્ષા છે. શુક્રવારે મંજૂરી માટે પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ આ પ્રસ્તાવ મૂકવામાં આવશે.
ગયા મહિને પાલિકાને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) ની મહત્વપૂર્ણ મંજૂરીઓ મળી હતી. પાલિકાએ હવે મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (એમએમબી) અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી) પાસેથી પરવાનગીઓ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે, જે પ્રોજેક્ટને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે. ડિસેલિનેટેડ પાણી મનોરીથી ચારકોપ અને આગળ કાંદિવલીના મહાવીર નગર ખાતે ટનલ શાફ્ટ સુધી પહોંચાડવામાં આવશે. કન્વેયન્સ ટનલ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.
પાલિકા હવે ડીસેલિનેશન અને વોટર ટનલ બંને પ્રોજેક્ટ્સની દેખરેખ માટે પીએમસી તરીકે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસની નિમણૂક કરશે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ, ડિસેલિનેશન પ્રોજેક્ટ ખૂબ જ ટેકનિકલ છે અને આવા પ્રોજેક્ટ્સ ચલાવવા માટે ખાસ કુશળતા ધરાવતી એજન્સીની જરૂર પડે છે.
પાલિકાએ જણાવ્યું હતું કે ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ પાસે સમાન પ્રોજેક્ટ્સનું સંચાલન કરવાનો અગાઉનો અનુભવ છે. દરખાસ્ત મુજબ, ડિસેલિનેશન પ્રોજેક્ટ માટે કુલ કન્સલ્ટન્સી ફી રૂ. ૩૬.૯૧ કરોડ થશે.
પાલિકાએ એ ડિસેમ્બર ૨૦૨૫ માં જીવીપીઆર એન્જિનિયર્સ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પ્લાન્ટનો અંદાજિત ખર્ચ રૂ.૧૧,૧૬૬.૧૭ કરોડ છે, જેમાં બાંધકામ માટે લગભગ રૂ. ૪,૦૭૭ કરોડ, ૨૦ વર્ષના સંચાલન અને જાળવણી, વીજળી ખર્ચ, ટેક્સ વગેરેનો સમાવેશ થાય છે.