Mon May 18 2026

Logo

કચરાના બલ્ક જનરેટરોને પાલિકામાં રજિસ્ટ્રેશન અનિવાર્ય

2026-05-18 08:41:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં જથ્થાબંધ કચરાનું નિર્માણ કરનારા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત હોવા છતાં અનેક રહેણાંક અને કમર્શિયલ સંસ્થાઓ આ નિયમનું પાલન કરતી નથી. પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક નોંધણી સુનિશ્ર્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમ જ આવશ્કતા હોય ત્યાં સખતાઈપૂર્વ તેનું અમલીકરણ કરવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો છે. 

મુંબઈ મહાનગરપાલિકા પાસે લગભગ ૧૭,૬૨૪ સંસ્થા અને વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન થયું છે, જેમાં હાઉસિંગ કૉ-ઓપરેટીવ સોસાયટી, હાઉસિંગ સોસાયટી, હૉટલ, રૅસ્ટોરાં, મૉલ, માર્કેટ, કમર્શિયલ કૉમ્પ્લેક્સ, આઈટી કંપની, સ્કૂલ, કોલેજ, હૉસ્પિટલ તેમ જ મૅરેજ હૉલ અને કાર્યક્રમના સ્થળોનો સમાવેશ થાય છે. જોકે હજી સુધી અનેક સંસ્થાઓને અને વ્યકિતઓએ પાલિકા પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. આવા તમામ લોકોને તાત્કાલિક  રજિસ્ટ્રેશન કરાવવા માટે પ્રવૃત કરવા બાબતે આવશ્યતા અનુસાર સખતાઈપૂર્વક અમલબજાવણી કરાવવાનો નિર્દેશ પાલિકા કમિશનરે અધિકારીઓને આપ્યો હતો.

પાલિકા કમિશનરે કહ્યું હતું કે ફક્ત રજિસ્ટ્રેશન કરીને ચાલશે નહીં પણ આ નિયમનું પાલન પણ કરાવવું પડશે.  સૂકા અને ભીના કચરાને અલગ કરવો, ભીના કચરા ઉપર જગ્યા પર જ પ્રક્રિયા કરવી અને તેને રિસાઈકલ કરી શકાય તેવા  પદાર્થ અધિકૃત વિક્રેતાઓને સોંપવા સુધીની બાબતોનું સખતાઈપૂર્વક પાલન કરવાનો નિર્દેશ પણ કમિશનરે અધિકારીઓને આપ્યો હતો.
મોટા પ્રમાણમાં કચરાનું નિર્માણ કરનારી સંસ્થા અને વ્યક્તિના કાઉન્સેલિંગ માટે ઘનકચરા વિભાગ મારફત ચર્ચાબેઠક, સંવાદ કાર્યક્રમનું આયોજન કરવુંં તેમ જ નિષ્ણાત વ્યક્તિઓ મારફત જનજાગૃતિ કરાવવાનો નિર્દેશ પણ કમશનરે આપ્યો હતો.