દેહરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના સહસપુર વિસ્તારમાં આવેલા વૈરાગીવાલા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં સિંચાઈના પાણીના વિવાદને લઈને 40થી વધુ લોકોના હિંસક ટોળાએ ભાજપના 44 વર્ષીય સ્થાનિક કાર્યકર્તા વિનોદના ઘરમાં ઘૂસીને તેમની નિર્મમ હત્યા કરી નાખી છે. આ હુમલામાં પરિવારના અન્ય ત્રણ સભ્યો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે સાંપ્રદાયિક તણાવ ફેલાયો છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીઓના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.
હથોડા અને પાવડાથી સજ્જ ટોળાએ કર્યો હુમલો
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે 6 થી 06:30 વાગ્યાની વચ્ચે ખેતરમાં પાણી વાળવા બાબતે ભાજપ કાર્યકર્તા વિનોદનો પોતાના જ ગામના ઇમ્તિયાઝ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. બંને પક્ષો વચ્ચે પહેલાથી જ દુશ્મનાવટ ચાલી રહી હતી. આ સામાન્ય બોલાચાલી બાદ જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો. લાકડીઓ, લોખંડના હથોડા, પટ્ટા અને પાવડા લઈને 40થી વધુ લોકોના ટોળાએ વિનોદના ઘર પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ વિનોદના માથા પર હથોડાના જીવલેણ ઘા માર્યા હતા. લોહીલુહાણ હાલતમાં વિનોદ, તેમના ભાઈ અશોક, રાજેશ અને ભાભી સુષમાને તાત્કાલિક લેહમેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વિનોદનું મોત નીપજ્યું હતું.
ધામી સરકારની આકરી ચેતવણી
આ ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આક્રોશ વ્યક્ત કરતા હત્યાની સખત નિંદા કરી છે. સીએમ ધામીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ‘ઉત્તરાખંડની શાંતિ અને સામાજિક સૌહાર્દને બગાડવાનો પ્રયાસ કરનારી જેહાદી અને હિંસક માનસિકતાને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. કાયદાને પડકારનારા તત્વો સામે એવી કડક કાર્યવાહી કરવામાં આવશે જે ભવિષ્ય માટે એક દાખલો બનશે’.
ઉગ્ર વિરોધ પ્રદર્શન અને વહીવટી તંત્રનું બુલડોઝર એકશન
વિનોદની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ રવિવારે સવારે દક્ષિણપંથી સંગઠનો અને ગુસ્સે ભરાયેલા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કરીને રસ્તા જામ કર્યા હતા અને એક આરોપીના ઘરમાં તોડફોડ કરી પથરાવ કર્યો હતો. સ્થિતિ વણસતી જોઈને ઘટનાસ્થળે ભારે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો હતો. મૃતક વિનોદના ભાઈ અશોકની ફરિયાદના આધારે સહસપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (હત્યા), 109 (હત્યાનો પ્રયાસ), 191(2) અને 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં 12 મુખ્ય આરોપીઓ સહિત 30-40 અજ્ઞાત લોકો સામેલ છે. નામજોગ આરોપીઓમાં રજ્જાક, ઇમ્તિયાઝ, અમન, યુનુસ, શહબાઝ, શરાફત અલી, માસૂમ, આદિલ, શમૂન, સલમાન, જાવેદ અને ઇન્તેઝારનો સમાવેશ થાય છે.