ભુજ: ગુજરાત સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે નવી બસો ફાળવવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આ નવી બસોની ભેટ આપવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કચ્છ એસ.ટી. વિભાગને પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બે નવીનકોર બસો ફાળવવામાં આવી છે, જેનું સ્થાનિક ધારાસભ્યના હાથે પ્રસ્તાન કરવામાં આવ્યું છે.
વિગતે વાત કરવામાં આવે તો, રક્ષાબંધનની ભેટરૂપે મળેલી આ બસોને ભુજ બસપોર્ટ ખાતેથી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે લીલી ઝંડી દર્શાવી ભુજ-વિસનગર અને ભુજ-ખેડબ્રહ્મા રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ બસો શરૂ થયા કચ્છ જિલ્લાના લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે.
આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કચ્છમાં એસ.ટી.નું વિશાળ નેટવર્ક કાર્યરત છે અને છેવાડાના લોકોને ઉત્તમ પરિવહન સુવિધાઓ મળે તેવો રાજ્ય સરકારનો સતત પ્રયાસ રહ્યો છે. નવા આઇકોનિક ભુજ બસપોર્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલ શાહ, શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, મહામંત્રી જીગર શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, દંડક રૂપલબેન ચાવડા સહિતના વિવિધ હોદ્દેદારો, નગરસેવકો અને એસ.ટી. વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
(ઉત્સવ વૈદ્ય)