કચ્છ: ભુજમાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકના નકલી અધિકારી બની સાયબર ઠગોએ એક નાગરિકને વિશ્વાસમાં લઈ તેમની બેંક ખાતાની ખાનગી વિગતો મેળવી લીધી હતી અને ખાતામાંથી રૂપિયા 3.45 લાખથી વધુની રકમ બારોબાર ઉપાડી લીધી હતી. ડિજિટલ ઠગાઈના વધતા બનાવો વચ્ચે ભુજમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજરના નામે ખોટી ઓળખ આપી યોનો એપ્લિકેશન ચાલુ કરવાના બહાને ઓનલાઈન ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
બેંકના આસિસ્ટન્ટ મેનેજરના નામે છેતરપિંડી
ભુજના મુંદરા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતા સુરેશભાઈ લાલજીભાઈ બિજલાણીએ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 29 જુલાઈથી ૫ ઓગસ્ટ દરમિયાન અજાણ્યા ઠગે એસબીઆઈ બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકેની ઓળખ આપી હતી. મોબાઈલમાં યોનો એપ ચાલુ કરી આપવાના બહાને ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમના બેંક ખાતાની પર્સનલ વિગતો મેળવી લીધી હતી. ઠગે મોબાઈલ ફોનમાં SBIની 'યોનો (YONO)' એપ્લિકેશન શરૂ કરી આપવાની લાલચ આપીને ફરિયાદીને જાળમાં ફેંક્યા હતા. ત્યારબાદ એપ ચાલુ કરવાના બહાને તેમના બેંક ખાતાની અત્યંત સંવેદનશીલ અને પર્સનલ વિગતો મેળવી લીધી હતી.
ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ
આ ઘટના અંગે સુરેશભાઈ બિજલાણીએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ અલગ-અલગ મોબાઈલ નંબરના ધારકો સામે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. આ કેસમાં સાયબર ક્રાઈમ સેલની મદદ લઈને આરોપીઓનું લોકેશન શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)